ખૂબ જમેગા રંગ, જબ મિલ બૈઠેંગે તીન યાર… શેર, શિકારી ઔર સવારી!

મિત્રો, આમ તો આ “મામા” મહીનો છે, પણ લોકો ગમે – તેમ કરીને અને  સંજોગોને “મામા” બનાવી કશેક હરવા -ફરવા નીકળી પડે છે.

“કેટલાક જ્યાં જાય છે ત્યાં જૂએ છે અને કેટલાક જે જોવાનું છે ત્યાં જાય છે.”

આપણા દેશમાં હરવા – ફરવા- જાણવાની એટલી બધી જગ્યાઓ છે કે આ જન્મ પણ ઓછો પડે. તેમ છતાં આપણે હિંમત હારવી નહીં, અને જેટલું ફરવા મળે તેટલું ફરવું.

આ વિચાર સાથે મિત્ર દર્શન વ્યસ્ત જિંદગીમાંથી સમય મળતાં જ પરિવાર સાથે કશેક ફરવા નીકળી પડે છે.

ઉત્તરાખંડની તેની પ્રવાસની યાદોમાંથી કોર્બેટપાર્કની યાદગીરીઓ શબ્દરુપે ટાંકી છે જે માણવા લાયક છે.

આ વર્ણન અક્ષરનાદ પર પબ્લીશ થયું છે. તમને આ સફર ગમશે તેની ૧૦૦% ગેરંટી. તો ચાલો માણીએ જીમ કોર્બેટ પાર્કનો પ્રવાસ.

http://www.aksharnaad.com/2018/05/11/%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2-%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8C%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AC/

 

 

 

Advertisements

માઇક્રોફિક્શન, સર્જન અને જલ્સા કરોને જેંતીલાલ

 

once-upon-a-time-719174_640

મિત્રો,

આ પહેલાં પણ માઇક્રોફિક્શન વિષે મેં જણાવ્યું જ છે. છતાં ફરી ટૂંકમાં જણાવી દઉં કે માઇક્રોફિક્શન એટલે લઘુકથાથી અલગ પડતો સાહિત્ય પ્રકાર. આ પ્રકારના સાહિત્યનું ખેડાણ અમારા “સર્જન” ગૃપ દ્વારા લાંબા સમયથી થઈ રહ્યું છે. માઇક્રોફિક્શન ૩૦૦ શબ્દો સુધીમાં લખાય છે અને તેમાં મજબુત વાર્તા તત્વ સાથે વાચકને ભાવવિશ્વમાં લઈ જવામાં આવે છે. ગર્વથી કહું છું કે ગુજરાતી સાહિત્યમાં માઇક્રોફિક્શનને લોકભોગ્ય અને પ્રખ્યાત કરવામાં અક્ષરનાદના આ “સર્જન” ગૃપનો સિંહ ફાળો છે. આજે કેટલાયે સમાચાર પત્રો અને સામયિક્માં માઇક્રોફિક્શન ખાસ લખાવવામાં આવે છે (પરંતુ કોઈ પણ લેખક માઇક્રોફિક્શનનું બંધારણ જાણ્યા વગર ઢસડી મારે છે ત્યારે પારાવાર દુઃખ થાય છે. અને હા, માઇક્રોફિક્શન અમારો ઇજારો નથી એ અમને ખબર જ છે!) ત્યારે અમે ખુશી અનુભવીએ છીએ.

“સર્જન” ગૃપની માઇક્રોફિક્શન અક્ષરનાદ, માઇક્રોસર્જન, અને “સર્જન” ઇ મેગેઝીન સિવાય દિવ્યભાસ્કર, ગુજરાત ગાર્ડીયન, મમતા સામયિક જેવા માતબર સાહિત્યપ્રતમાં પબ્લીશ થાય  છે. આ યાદીમાં એક નામ વધું ઉમેરાયું છે અને તે છે પ્રખ્યાત ‘જલ્સા કરોને જેંતીલાલ” વાળી વેબસાઇટ જેંતીલાલ.કોમ

તો માણો માઇક્રોફિક્શનની મહેફીલ જેંતીલાલ.કોમના સથવારે

http://jentilal.com/microphiction-story-part-2/

(ઉપરની લિંકમાં વાર્તા નં ૫ – ગોપાલ ખેતાણી દ્વારા)

http://jentilal.com/category/vanchan-vishesh/surgeon-microfiction/

 

ભાઈબંધી… ભાઈ ભાઈ!

૧૯૯૯ની સાલમાં ડિપ્લોમા ઇન ફેબીકેશન ટેક્નોલોજી, બી.પી.ટી.આઈ. ભાવનગર ખાતે એડમિશન લીધું. ત્યારથી ભાઈબંધી, દોસ્તી, મિત્રતા, યારાના, ફ્રેન્ડ્શિપ જેવા કંઈ કેટલાયે નામ ધરાવતો એક મજબૂત સંબંધ કેટલાક ખાસ લોકો સાથે શરૂ થયો અને એ આજ સુધી અંકબંધ છે.

મારા સ્કુલના, શહેરના, બન્ને કોલેજના, નોકરી દરમ્યાન અને બાળપણના મિત્રો વિષે લખવું છે, કંઈક વ્યક્ત કરવું છે પણ એ ફરી ક્યારેક. આ વખતે વાત મારી બરોડા અને સુરતની મુલાકાતની.

“કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૧૦”માં પ્રોત્સાહન ઈનામ (એનો કેફ હજુયે છે હોં!) મળ્યું એટલે તેના પારિતોષીક વિતરણ સમારોહમાં (૨૨ એપ્રિલ) હાજરી આપવા હું દિલ્હીથી અમદાવાદ જવા રવાના થયો. રવિવારે કાર્યક્રમ હતો અને શનિવારે સવારે હું અમદાવાદ પહોંચી જવાનો હતો. હવે માણો મારી એ બે દિવસની વાતો.

****

“ક્યાં છો?” દર્શન ઉવાચ ડાયરેક્ટ વિધાઉટ એની ફોર્માલીટી.

“દર્શન હજી હું અમદાવાદ છું. બરોડા કલાક પછી નીકળીશ. એક –ડોઢ વાગ્યે પહોંચીશ. પણ મન્નુએ કહ્યું છે  એટલે આ વખતે બરોડા જ મળીએ. એ કદાચ ચાર વાગ્યે ઓફીસેથી ફ્રી થશે. ત્યા સુધી હું બરોડામાં આંટા ફેરા કરીશ.”

“અલા…તું એના પર ખોટો ભરોસો મુકે છે. તુ આઈજા આણંદ.. તને રવિવારની સવારની ટ્રેઈનમાં બેસાડવાની જવાબદારી મારી.”

“એના કરતાં તું આવી જા બરોડા તો મજા આવશે.”

“ભઈ હું તો આઈ જ જવાનો. તું આવે છે તો મળીશું જ. સુરત આવવાનો મન્નુ?”

“ખબર નહી?”

સરકાસ્ટીક હાસ્ય સાથે દર્શન “અલા, જો જે!”

ફોન પત્યો અને હું અમદાવાદ – બરોડા વોલ્વોમાં ચડ્યો. વચ્ચે અમારા ખાસ મિત્ર મનોજના બે કોલ આવ્યા જે મારાથી મિસ્ડ થયા.

“અલા ક્યાં છે?” મન્નુ અલ્સો વિધાઉટ એની ફોર્માલીટી.

“બસમાં.. એક – ડોઢ જેવું થશે.”

“તો હું યે ફ્રી થઈ જઈશ. બસ સ્ટેન્ડ પર પહોંચીને કોલ કર.”

અને મેં પણ તેને ફોર્માલીટી કરી નહીં કે તારી ઓફીસનું શું?

લેટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર મન્નુ સમયસર મને લેવા બસ સ્ટેન્ડ પર આવી ગયો. સદનસીબે અમને બધાં નમૂનાઓને ભગવાને પત્નિ બહુ સારી આપી છે. અહીંયા મન્નુના નસીબ પણ ઘણા સારા છે.

શિવાની મનોજ ભટ્ટે મસ્ત જમવાનું બનાવ્યું હતું. માંડ એક – બે વાર મળ્યા હોવા છતાં એકદમ સહજ વાતાવરણ અને વાતો. ખાસ તો મનોજની ક્યુટ ક્યુટ દીકરી માહી સાથે મસ્તી કરવાની બહુ મજા પડી. ખૂબ બધી વાતોના ગપાટા અને થોડું કામકાજ પતાવી મનોજ મને એક મોલ પર મૂકવા આવ્યો જ્યાં મારે થોડું કામ હતું.

આ મોલ પર ‘ડોટ ટાઇમ’ પર દર્શન સ-પરિવાર આવી ગયો. દર્શન – અંજલી – યથાર્થ સાથે તો પહેલાં પણ ક્વાલીટી ટાઈમ પસાર કર્યો છે અને અમે સાથે ફર્યા પણ છીએ. પણ આ વખતે તો ખૂબ મજા પડી. ગેમઝોનમાં યથાર્થની સાથે સાથે અમારી અંદર રહેલું બાળક બહાર આવ્યું. ખૂબ બધી ગેમ્સ રમ્યાં. ખૂબ જલસો કર્યો. મારા મિસકોમ્યુનિકેશનના લીધે મનોજ મોલ પર ન આવી શક્યો. પણ ફરી એકવાર મનોજના ઘરે મેં અને દર્શને ધામા નાખ્યા. મનોજના ઘેર જ જમ્યા. સોસાયટીમાં વોક કરવા નીકળ્યા ત્યારે એ જ ડીપ્લોમા સમયના મિત્રો મારી સાથે વાત કરતાં હતાં. હજું પણ મારા માટે દર્શન-મનોજ એવાં જ છે જેવા તેઓ ૧૯૯૯માં હતાં.

રાત્રે બાર વાગ્યે મનોજ સાથે ચેસ રમ્યો અને તેને જીતવા દીધો. (:P 😛 :P) ચેસ રમ્યા બાદ તેણે મારી બન્ને વાર્તા વાચવાનું સાહસ કર્યું અને સફળ પણ રહ્યો. એટલું જ નહીં પણ મારી સાયન્સ ફિક્શન વાર્તા ‘રોમાંચક સફર’ બાબતે ક્રીએટીવ ચર્ચા પણ વિગતવાર થઈ. સવારે વહેલો ઊઠી મને સ્ટેશને મૂકી ગયો.

રવિવારનો કાર્યક્રમ પતે એટલે મારે તુરંત બરોડા આવી જવું અને ફરીથી એકવાર મળવું એવી સલાહ દર્શન અને મનોજ બન્નેએ આપી.

પરંતુ સુરત ખાતે કાર્યક્રમ પત્યા બાદ મેં મારા પાંચ સુરતી મિત્રોને (એ જ ફેબ્રીકેશનવાળા જ હોં!) વ્હોટ્સએપમાં મેસેજ કર્યો. જેમાં અમારા મિત્ર ભોગીલાલ અને કેબી છટકી ગયા. પણ જાંબાઝ મિત્ર બાપુ ગોપીપુરાની સાંકડી ગલીઓમાં મને શોધતાં “આવી પુગ્યા!” ધવલ-રજની પહેલેથી જ સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ગયેલા.

હું તો ખાસ આવેલો “મહેમાન” હોઉં કોઈએ બરોડા કે સુરતમાં મને ખર્ચ કરવા જ ના દીધો. (અગલે જનમ મોહે ગોપાલ હી કીજીયો…પ્રભુ! આવા દોસ્ત સહુને મળે. 😛 :P) સુરત સ્ટેશન પરના રેસ્ટોરન્ટમાં અમે કોલ્ડ કોકોનો સ્વાદ લેતાં લેતાં નોકરી અને કોલેજની અલક મલકની વાતો કરી. મસ્તી મજાકમાં એક કલાક ક્યાં વીતી ગયો ખબર જ ના પડી. મારી ટ્રેન ઊપડી ત્યાં સુધી મિત્રો પ્લેટફોર્મ પર જ રહ્યાં.

બરોડાં સાડા સાતે પહોંચ્યો અને ફરી દર્શન અને મનોજને ફોન કર્યો. દર્શનના વિચાર મુજબ મનોજ પોતાના ઓલ્ડ ફોર્મમાં આવી ગયો હતો એટલે સ્ટેશને ના આવ્યો. (:P :P// I knw I knw… just jookkkiing mannu!) દર્શન ફરી એકવાર કારેલીબાગથી સ્પેશ્યલ સ્ટેશન પર આવ્યો મળવા. ખાસ તો એ મારા માટે જ બરોડા રોકાયો હતો. મને મળ્યા બાદ આણંદ જવાનો હતો. ફરી એક વાર અડધી પોણી કલાક મેં અને દર્શને ક્રીએટીવ (!) ગપ્પા માર્યા. આ બન્ને દિવસ મારી જિંદગીના પુસ્તકમાં પોતાના અક્ષરો કોતરી ગયા.

કદાચ, આ પોસ્ટમાં તમારા માટે કોઈ “wow” મુમેન્ટ્સ કે વાતો નહીં હોય પણ હા, દરેક વ્યક્તિ કે જેની પાસે સારા મિત્રો છે (જેને તે હજુ પેટ નેમથી, ગાળથી, હકથી બોલાવે કે મળતો હોય) તેને આ વાતો જરુર કનેક્ટ કરશે અને પોતાના સંસ્મરણો તાજા કરશે.

જેને નથી મળ્યો એ મિત્રો ગુસ્સે ન થતાં. તમને મળીશ ત્યારે તમારું પણ આવું “ઢસડી મારીશ”. (:P 😛 :P). છેલ્લે મિત્રોને થેંક્યુ નથી કહેતો. જરૂર જ નથી સાલાઓને! 😛 😛 😛

કાં’ક હોય તો કાં’ક આવે – અકૂપાર

અકૂપાર

 

મારા મનની નજીક રહેલું પુસ્તક : અકૂપાર

ગુજરાતી સાહિત્ય જગત એટલું વિશાળ છે કે હું એમ કહું કે મેં ઘણું વાંચ્યુ છે તો મારે લખવાનું તો ઠીક વાંચવાનું ફરીથી શરૂ કરવું જોઈએ. હકીકતમાં પરમ મિત્ર જીજ્ઞેશભાઈ અધ્યારુને  મળ્યા પછી કંઈ કેટલી રચનાઓ વિશે જાણ્યું, માણ્યું ને સાંભળ્યું છે. શ્રી ક.મા.મુનશી, શ્રી ધૂમકેતુ, શ્રી હરકિશન મહેતા, શ્રી અશ્વિની ભટ્ટ જેવા સિદ્ધહસ્ત લેખકોને વાંચ્યા છે અને દિલથી માણ્યા છે. ક.મા.મુનશીજીની પાટણ ત્રિવેણી બહુ જ ગમે છે. તેનાથી અભિભૂત છું. પરંતુ મનની નજીક રહેલા પુસ્તકની વાત આવે એટલે વાત કરવી પડે શ્રી ધ્રુવદાદાની માનવીના મન અને કુદરતને સાંકળતી અદ્ભુત રચના ‘અકૂપાર’ની.

આ પુસ્તક વિષે લખવું એ મને તો મારા ગજા બહારની વસ્તુ લાગે છે. એવું નથી કે પુસ્તકનો વિષય અઘરો છે કે સમજવી અઘરી છે. ઊલટું તમે પુસ્તક વાંચવાનું ચાલું કરો એટલે તમે ‘ગીર’, ‘ગીરની સૃષ્ટિ’ અને પુસ્તકમાં સમાવિષ્ટ પાત્રોના સ્વજન બની જાઓ એ નક્કી. એટલું તો અદ્ભુત આલેખન કે તમને ગીર નજરે ચડે, પાત્રોની લાગણીઓ તમારા અંતરમનને સ્પર્શે અને નાયક જાણે તમે ખુદ હોવ એવી લાગણી પણ ક્યાંક જન્મે.

“ખમા ગય્‌રને”, “કાં’ક હોય તો કાં’ક આવે”, “પમ્મર થઈ જાહે,” “ગીરમાં ગય્‌રમાં ‘ને ગય્‌ર તો ડય્‌રમાં” આવા તો અનેક સંવાદો માણવા મળે અને એ સંવાદોનો અર્થ જ્યારે જાણવા મળે ને  સાહેબ ત્યારે તમારા મનમાં જે અનુભૂતિ થાય એ તમે મારી જેમ કોઈને વર્ણવી ન શકો. એના માટે તો તમારે ધૂણી ધખાવીને અકૂપાર વાંચવી પડે.

પૃથ્વીના પર્યાય તરીકે ચિત્રો દોરવા માટે  એક ચિત્રકારની બાહ્ય સફર જે ગીરમાં શરૂ થાય છે તે અંતે તેના અંતરમન પર જઈને અલ્પવિરામ લે છે તે ઘટનાઓનું વર્ણન એટલે અકૂપાર.

ગીરનું જેટલું છે તે ગીરમાં જ રાખવું ત્યાંથી બહાર લઈ જવું નહીં તેવા નિયમ સાથે આ પુસ્તક શરૂ થાય છે અને તે સાથે જ પૂરું થાય છે. પરંતુ આપણી જાણ્યે અજાણ્યે ગીર સાથે અને ગીરમાં જોડાઈ જઈએ છીએ તે આ પુસ્તકની તાકાત છે.

ગીર અને ગીરની સજીવ સૃષ્ટિ એ ગીરવાસીઓ માટે ઝાડ-પાન કે પશુ-પંખી નથી, એ તેમના સ્વજન છે. સિંહ તેમની આમન્યા જાળવે છે. (આઈમા. સાંસાઈ અને ધાનુના પ્રસંગો પરથી તમને જાણવા મળશે.) આપણા સંતાનો આપણું કહ્યું માને તેવી જ રીતે ગીરવાસીઓના માલ-ઢોર તેમનું બોલેલું કે કહ્યું માને; કારણકે ગીરવાસીઓ તેમને પોતાના સંતાનો જ માને છે. તેમના ઢોર અને સિંહના તો નામ પણ હોય.

કેટલીક અગમ નિગમની વાતો; કેટલીક અદ્ભુત જાણકારીઓ; ગામડાના માણસની માણસાઈ; સિંહ અને ગીર સાથેનું ત્યાંના લોકોનો સંબંધ, વિશ્વાસ અને રિવાજ; ગીરનો ભૂગોળ અને એવું તો કંઈ કેટલીયે વાતો આ પુસ્તકમાં છે જે તમને ફરી ફરીને વાચવા મજબૂર કરે છે. અને તેનું ઉદાહરણ છે નીચેની પંક્તિ જે પુસ્તકમાં આપેલી છે. ઘંટલો અને ઘંટલી નામની ટેકરીઓના લગ્ન છે જેના સ્વરૂપે આ પંકિત રચાઈ છે.

“ઘંટલો પયણે ઘંટલીને, ‘ને અણવર વાંહાઢોર

હીરણ મેઘલ જાનડીયું ને ગય્‌રમાં ઝાકમઝોળ.”

મારી સમજ મુજબ મેં આ પુસ્તક વિષે મારી લાગણીઓ લખી છે. છેલ્લે એટલું જ કહીશ કે રમજાનાને જોઈ હું’યે પમ્મર થઈ ગયેલો, લાજોની ગિરવાણ મરી ત્યારે હું’યે રડેલો, “એની પ્રોબ્લેમ” એવું મેં પણ હસતાં હસતાં ધાનુને પૂછેલું, મુસ્તુફા જોડે હું યે ગીરમાં ઘૂમ્યો અને આઈમાના આશીર્વાદ મેં પણ લીધેલાં.

અને ફરી ફરીને આ અનુભવ મેળવવા પુસ્તકને હું મારા મનની નજીક રાખું છું. આમ તો એ મારા મનની નજીક રહે છે એ વધુ યોગ્ય છે.

“ખમ્મા ગય્‌રને!”

— ગોપાલ ખેતાણી

કેતન મુનશી વાર્તા સ્પર્ધા – પ્રોત્સાહન ઇનામ

 

લાગણી,આંસુ અને શબ્દો કેટલાકને ઝડપથી નીકળે તો કેટલાકને સમય લાગે. મારે એવું જ થયું. ચેન્નાઈ પહોંચ્યા બાદ માતૃભાષાની પ્રત્યે ખેંચાણ થયું. રિડગુજરાતી અને અક્ષરનાદ પર વાચનની ભૂખ સંતોષી. સર્જન કરવાની પ્રેરણા થઈ. તે સમયે ક્યાંક વાચેલું કે ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તાઓમાં સાયન્સ ફિક્શન ઓછી લખાઈ છે. અને તે સમયમાં જ “ગ્રેવીટી” મૂવી જોયું. એટલે સાયન્સ ફિક્શન લખવાનું જ નક્કી કર્યું. “ઇન્ટરસ્ટેલર”, “ગ્રેવીટી” પરથી પ્રેરીત થયો, કેટલાયે ખાંખાખોળા ઈન્ટરનેર પર કર્યા, ધાર્મીક કથાઓ વાંચી અને કલ્પનના રંગો પૂરી “રોમાંચક સફર” વાર્તા લખી. અઢી વર્ષ દરમ્યાન આ વાર્તા લખાઈ.

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જુજવે રુપ અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદવ્યાસે.” – શ્રીનરસિંહ મહેતાની રચનાની પંક્તિઓ મેં મારી વિજ્ઞાન પરિકલ્પના “રોમાંચક સફર”ની શરુઆતમાં મૂકેલી અને તે વાર્તા કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૯માં પંદરમાં ક્રમાંકે આવેલી.

માઇક્રોફિક્શન લખનારું અમારા સર્જન ગૃપ થકી જ મને કેતન મુનશી સ્પર્ધા ૯ની માહિતી મળી હતી અને પહેલી વાર ભાગ લીધો હતો. ગુજરાતી સાહિત્ય સ્પર્ધાઓમાં કેતન મુનશી વાર્તા સ્પર્ધા અત્યંત પ્રતિષ્ઠીત છે એ ત્યાં જ જાણવા મળેલું.

સ્પર્ધા ૯માં ૧૫મો ક્રમાંક આવ્યો એટલે થોડી હાશ થઈ કે હું સાચી દીશામાં જઈ રહ્યો છું અને હજુ વધું મહેનતની જરૂર છે. વળી સર્જન ગૃપમાં માઈક્રોફિક્શન લખાઈ રહી હતી, ત્યાંથી માર્ગદર્શન પણ મળતું હતું એટલે કલમ કેળવાતી હતી.

આ દરમ્યાન પરમ મિત્ર જીજ્ઞેશભાઈ અધ્યારુ નોઈડા આવ્યાં એટલે તેમની જોડે દિલ્હી ફરવાનો લહાવો લીધો. નેશનલ મ્યુઝીયમ ખાતે મોહેંજો-દડોની “ડાન્સીંગ ગર્લ” મૂર્તી જોઈ. અને ઘરે આવ્યા બાદ વિચારે ચડ્યો. ત્યારે “લોથલનો શિલ્પી” વાર્તાનો જન્મ થયો. આ વખતે પણ ઇન્ટરનેટ પર થોડાં ખાંખાખોળા કર્યાં. માહિતી એકઠી કરી. અને ત્યાર બાદ  વાર્તા સડસડાટ લખવા લાગ્યો. પહેલાં તો મે માઈક્રોફિક્શન લખી. અને ત્યાર બાદ એ કથાને વિસ્તારી અને ટૂંકી વાર્તા સ્વરૂપમાં ઢાળી.

વાર્તા વાંચી મને સંતોષ થયો ત્યાર બાદ જ કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૧૦માં મોકલી. એક મહીના પહેલાં એટલે કે માર્ચ મહિનામાં  સાહિત્ય સંગમ, સુરત ખાતેથી રેખાબેનનો ફોન આવ્યો કે “લોથલનો શિલ્પી” વાર્તાને પ્રોત્સાહન ઈનામ મળે છે. અને હું તો થોડી વાર એટલો ખુશ થયો જાણે મને બુકર પ્રાઈઝ મળ્યું હોય. (અને હજીયે એવો જ ખુશ છું, પણ બહારથી તો નોર્મલ રહેવું પડેને?!!)

સુરત ખાતે જવાનું આમંત્રણ મળ્યું. પરંતુ નોકરીને લીધે અને અંતર પણ ઘણુ હોય પહેલા તો ત્યાં  જવાનો વિચાર જ નહોતો. પરંતુ  મિત્ર જીજ્ઞેશભાઈ આગ્રહપૂર્વક સમજાવ્યું કે “બીજે કશે નહી જાઓ તો ચાલશે પણ સાહિત્ય સંગમ ખાતે જવું જ જોઈએ.” અને મેં તાત્કાલીક ટીકિટ્સ બુક કરાવી.

સવારે સાહિત્ય સંગમ પહોંચ્યો ત્યારે મનમાં એવું હતું કે કાર્યક્ર્મની રેખા પ્રમાણે બે સેશન ચાલશે. હોલમાં જ કોઈ ચા આપી જશે અને બપોરે કદાચ જમવાનું આપશે. વિજેતાઓને અભિનંદન આપી બધાં રવાના થઈ જશે.
પણ ત્યાં આવ્યા પછી અપેક્ષા કરતાં ચાર ગણો વધું આવકાર મળ્યો એ જોઈને મારા મનમાં એવું થયું કે
“લેખક તો કદાચ ક્યારેક બનીશ પણ પહેલાં સાહિત્ય સંગમના આયોજકો જેવો યજમાન બનું તો પણ ઘણું.”
પ્રફુલભાઈ, યામીનીબેન, પ્રજ્ઞાબેન અને બકુલેશભાઈએ એટલી આત્મિયતાથી  વાત કરી અને તેઓ એટલા સિનિયર હોવા છતાં નમ્રપૂર્વક સહજ રીતે વર્ત્યા કે મારો તો સંકોચ દૂર થઈ ગયો.
જમવાની ગોઠવણ ખૂબ સરસ. લંચ બ્રેકમાં   મારા જેવા ઉગતા રચનાકાર સાથે સૌ વડિલ સાહિત્યકારો (સંધ્યાબેન, કલ્પનાબેન, જગદીશભાઈ, ભરતભાઈ, મયંકભાઈ)   અને મિત્રો (ડીવીએસ – સજોડે, સોનિયાબેન, પ્રીતિબેન, જીજ્ઞેશ સોલંકી, સોમાણીભાઈ) ઉમળકાભેર મળ્યા એ જ મારા માટે એવોર્ડ.
શિલ્પાબેનએ પ્રોગ્રામની શરૂઆતથી લઈ અંત સુધી દોડાદોડી કરી એ હું જોઈ રહ્યો હતો. ખાસ તો તેમણે કાર્યક્ર્મના અંતે સૌ વિજેતાઓની ટ્રોફી પણ પેક કરી આપી.
નર્મદ સાહિત્ય સભાના અને તે કાર્યક્રમને સફળ બનાવનાર દરેક સભ્યોને  મારા વંદન અને આભાર. સુરત ખાતેનો તેમનો આવકાર જિંદગી ભર યાદ રહેશે.
અને અંતમાં આ વર્ષના વિજેતા મિત્રો પન્નાબેન, સંજયભાઈ, મિનાક્ષીબેન, ધર્મેશભાઈ અને મયુરભાઈને ફરી એક વાર ધોધમાર શુભકામનાઓ.
મારી વાર્તા “લોથલનો શિલ્પી” ટૂંક સમયમાં જ અહીં મૂકીશ.
મા સરસ્વતીના આશીર્વાદ સદાય વરસતાં રહે એ જ અભ્યર્થના. અને વાચકોને પણ મારા સાદર પ્રણામ.
~~
ગોપાલ ખેતાણી

 

વાચો ઠગ અને પીંઢારાનો સાચો ઈતિહાસ કુરુક્ષેત્ર બ્લોગ પર!

ઠગ અને પીંઢારા ૧૯૪૭ની વાત છે. ઈંગ્લેન્ડના વડાપ્રધાન ઍટલીએ ભારતને સ્વતંત્રતા આપવાનું ઠરાવી દીધું ત્યારે, બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને જિતાડનાર પણ પછીની ચૂંટણીમાં હારી જનાર માજી વડાપ્રધાન ચર્ચીલે ઍટલીને કહેલું કે તમે ભારતને પાછો ઠગ અને પીંઢારાઓને સોંપી રહ્યા છો. આ વાક્ય મશહૂર થઈ ગયું હતું. ચાલો એમાંથી પીંઢારા તો ઇતિહાસ નહિ જાણનારી પ્રજા માટે વીર […]

via ઠગ અને પીંઢારા — કુરુક્ષેત્ર

હસે તેનું ઘર વસે?

baby-2604853_640

આ પોસ્ટ કોઈ રમૂજી વાર્તા કે ટૂચકાની નથી. શીર્ષકમાં જે પ્રશ્ન લખ્યો છે તેના જવાબ તો ઘણા મળી શકે. ઘર વસે કે ના વસે પણ મન અને શરીર સ્વસ્થ રહી શકે તેની ૧૦૦% ગેરંટી છે. લાફીંગ ક્લબમાં જોડાવાથી અને હસવાથી તમારા મન અને શરીર પણ સકારાત્મક અસર થાય છે. અનેક પ્રકારના રોગ દૂર થાય છે. ચહેરા પરનું હાસ્ય એક અનેરી આભા ઉત્પન્ન કરે છે, તમારું વ્યક્તિત્વ નિખારે છે. મોર્નિંગ કે ઈવનીંગ વોક સાથે ચહેરા પર સ્મિત હોય તો તંદુરસ્તી સારી રહે એવું ડોક્ટર્સ પણ કહી ચૂક્યા છે. જો  કે આવું તો ઘણું બધું તમે વાચ્યુ જ હશે પરંતુ રશ્મિન શાહનો સંદેશની પૂર્તીમાંનો કેટલાક ઉત્તમ ઉદાહરણો સાથેનો લેખ વાચવા લાયક અને સમજવા લાયક પણ છે. આશા છે તમને ગમશે જ! તો સ્માઈલ પ્લીઝ!!!

http://sandesh.com/hans-necessary-hai/