હુ તુ તુ તુ… તુ તુ તુ… આવી માઈક્રોફિક્શનની ઋતુ – માઇક્રોસર્જન ૨

IMG-20180106-WA0003
સંચાલન
IMG_20180105_164301
શ્રી મેહુલભાઈની સાથે
IMG-20180106-WA0018
માઇક્રોસર્જન૨ – વિમોચન
IMG-20180107-WA0147
શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારુ
IMG-20180106-WA0004
ડાબેથી હેમલબેન, મેહુલભાઈ, પાર્મિબેન, નીલમબેન અને કૃષ્ણકાંતભાઈ
IMG-20180106-WA0022
ભદ્રંભદ્ર, સાંસાઈ અને અલીડોસો
IMG_20180105_153659
સર્જન ગૃપ

કેમ છો મિત્રો?

૨૦૧૭માં અમારા સર્જન ગૃપના મિત્રોની માઇક્રોફિક્શન રચનાઓનું પ્રથમ પુસ્તક ‘માઇક્રોસર્જન-૧’નું વિમોચન થયેલું. એ પુસ્તકને જબરદસ્ત આવકાર મળતાં ગૃપના સભ્યો પર જવાબદારી વધી ગઈ; ગુણવત્તા સભર માઇક્રોફિક્શન વાર્તાઓ રચવાની. સાથે સાથે શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારુના માર્ગદર્શનમાં દરેક મિત્રોએ મહેનત કરી અને ‘માઇક્રોસર્જન-૨’ને લોકો સમક્ષ રજૂ કરવાનો નિર્ધાર કર્યો. ૩ – ૭ જાન્યુઆરી, ૨૦૧૮ દરમિયાન અમદાવાદ ખાતે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન થવાનું હોય જીજ્ઞેશભાઈએ ૫ તારીખ પુસ્તક વિમોચન માટે આરક્ષિત કરાવી. જીજ્ઞેશભાઈના પરમ મિત્ર અને માઇક્રોફિક્શન વાર્તાના ચાહક એવા ગુજરાતી અને હિન્દી તખ્તાના જબરદસ્ત કલાકાર શ્રી મેહુલભાઈ બુચએ વિમોચન દરમિયાન પોતાની અમૂલ્ય હાજરી આપવા હામી ભરી. અને તે સાથે જ વિમોચન માટેના કાર્યક્રમની કવાયત શરુ થઈ. જીજ્ઞેશભાઈ અને હાર્દિકભાઈ યાજ્ઞીકએ સ્ક્રીપ્ટ લખી એડમિન સભ્યોને મોકલાવી. જીજ્ઞેશભાઈની ઇચ્છા હતી કે ગૃપના મહત્તમ સભ્યો સ્ટેજ પર આવે અને રજૂઆત કરે. હું અને ઝીલ ગઢવી કાર્યક્રમનો શુભારંભ કરવાના હતાં. હેમલબેન દવે, પાર્મિબેન દેસાઈ અને મેહુલભાઈ બુચ કાર્યક્રમનું પૂર્ણ સંચાલન કરવાના હતાં. પુસ્તકનું વિમોચન ધુરંધર સાહિત્યકાર શ્રી મધુ રાય, દિવ્યભાસ્કરના તંત્રી શ્રી કૃષ્ણકાંતભાઈ ઊનડકટ, જબરદસ્ત અભિનેતા શ્રી મેહુલભાઈ બુચ અને અમારા ગૃપના વડીલ અને ધરખમ સાહિત્યકાર શ્રીમતી નીલમબેન દોશીના હસ્તે થવાનું હતું. હાર્દિકભાઈ યાજ્ઞીકની ડ્રેબલ્સના પુસ્તકનું વિમોચન પણ સાથે જ થવાનું હતું. અમારી માઈક્રોફિક્શનને સ્ટેજ પર રજૂ કરાઈ. આ સમગ્ર કાર્યક્રમના આકર્ષણનું કેન્દ્ર બન્યા ભદ્રંભદ્ર, અલીડોસો અને સાંસાઈ. આ પાત્રો સજીવન થઈ માઈક્રોસર્જનને બિરદાવવા સ્ટેજ પર આવ્યા હતા. શ્રી મેહુલભાઈ સવારથી સાથે રહી વિમોચન સુધી અમને માર્ગદર્શન આપ્યું, સ્ટેજ સંભાળ્યું અને અમારા કાર્યને બિરદાવ્યું. કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. કેટલાય મિત્રોને હું પ્રથમવાર જ મળ્યો. બધાં જોડે ચર્ચા થઈ. એકબીજાનો સાથ માણ્યો અને ગુજરાતી માઇક્રોફિક્શનને હજુ આગળ ધપાવવા ઉત્સાહિત થયા. આ અમારા દ્વિતીય પુસ્તકને પણ શાનદાર આવકાર મળ્યો છે. રાજકોટવાસીઓ આ પુસ્તકને પ્રવીણ પુસ્તક ભંડાર, મ્યુનીસીપલ કૉર્પોરેશન ચોક પાસેથી મેળવી શકશે.

 

ઓનલાઈન મેળવવા માટે તમે નીચે આપેલ બે વેબસાઈટ પરથી ખરીદી શકો છો.

http://microsarjan.in/

https://www.dhoomkharidi.com/micro-sarjan-vol1-2-gujrati-book

Advertisements

નૈના અશ્ક ના હો! – પરમવીર ભારતીય સેના

ashwinbhai

મસ્ત મજાની જાન્યુઆરીની ઠંડી..અને એમાં પણ જો તમે દિલ્હીમાં હોવ…અને વિચારો કે રાત્રે ફ્લાઈટ પકડવાની હોય તો મજા પડી જાય ને?!

પાંચ જાન્યુઆરીના રોજ અમારા સર્જન ગૃપની માઈક્રોફીક્શન રચનાઓના બીજા પુસ્તક ‘માઈક્રોસર્જન-૨’નું વિમોચન હોય હું દિલ્હીથી અમદાવાદ જવા ટર્મીનલ-૧ પર સાંજે સાત વાગ્યે પહોંચ્યો. થોડું કટક-બટક કરી બોર્ડીંગગેટ પાસે આવ્યો. બોર્ડીંગને હજુ વાર હતી એટલે ઘરે ફોન કર્યો. મારું ગુજરાતી એક વ્યક્તિને સંભળાઈ ગયું યંગ અને ડેશિંગ એ ભાઈ મારી પાસે આવ્યા અને અમારી વાતો શરુ થઈ. અશ્વીનભાઈ સિક્કીમથી આવતા હતા અને પોતાને ગામ જવા અમદાવાદ જઈ રહ્યા હતા. તેઓ ભારતીય સેનામાં કાર્યરત છે. તેઓ જમ્મુ-કશ્મીરમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. સૌ પ્રથમ તો મેં તેમની જોડે સેલ્ફી લઈ લીધી કારણકે ઘણા લોકો મહેણા-ટોણા મારે છે કે ગુજરાતીઓ સેનામાં જોવા નથી મળતા. અને આ વાત મેં અશ્વીનભાઈને કહી તો તેમણે કહ્યું કે ના, ના, એવું સાવ નથી. તેમની જોડે જ લગભગ ૫૦ જેટલા ગુજરાતીઓ છે.

મૂળ વાત પર આવું તો તેમણે જેટલો સમય વાત કરી તેમાં તેમનું જિંદાદીલ વ્યક્તીત્વ છલકાયું. એક પણ વખત તેમણે એવું ના કહ્યું કે અમને મુશ્કેલી છે કે અમને આવી સમસ્યા નડે છે. મારો ખાસ મિત્ર મેજર છે અને મને ખ્યાલ છે કે જમ્મુ-કશ્મીર, સિક્કીમ, રાજસ્થાન બોર્ડર અને એવી કેટલીયે જગ્યાએ જવાનોને કેટલી સમસ્યાઓ હોય છે. પણ આ ભાઈ આપણા “આનંદી કાગડા” જેવા લાગ્યા. તેઓએ જે વાત કરી એમાં મને એવું લાગ્યું કે આ તો સમસ્યા કહેવાય પણ તે કહેતા હતાં કે “અમે આવી રીતે રહીએ, આમ બધાં સાથે મોજ મસ્તી કરીએ. તમને એક મહીનાની આટલી લાંબી રજા મળી જાય પછી શું જોઈએ? સિનિયર્સ તમને મદદ કરે. હા, અમારે શિસ્તમાં રહેવું પડે, સિનિયર્સનું માન જાળવવું પડે પણ એ અમારા માટે જ મદદરૂપ છે ને?. જમવાની કશી સમસ્યા નથી. કમાંડર દરરોજ આવી જમવાની ગુણવત્ત ચકાસે.” અને આવી તો ઘણી વાતો થઈ. પણ આ આખી વાતનો મુદ્દો તો એક જ

“નૈના અશ્ક ના હો”.. કોઈ પણ સમય કે સ્થળ હોય..”નૈના અશ્ક ના હો!”

અને  અમદાવાદથી પરત ફરતાં પણ મને એક જવાન મળ્યા. બહુ ટુંકી મુલાકાત હતી એટલે નામ યાદ નથી. તેઓ અમદાવાદ ફરજ બજાવે છે. અને રજા પર જઈ રહ્યા હતા, પોતાના વતન… નેપાળ. યસ, નેપાળના જવાન પણ ભારતીય સેનામાં છે અને આપણા દેશની રક્ષા કરી રહ્યા છે.

૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ એક અદના નાગરીક તરફથી આપણી ભારતીય સેનાને સલામ! અને મિત્રો એક અરજ છે…યુધ્ધ અને ત્રાસવાદી પ્રવૃત્તીને ડામવા સિવાય એકદમ વાહિયાત કારણસર આ જવાનોએ કશે આવવું પડે એ દેશવાસીઓ માટે શરમજનક છે. બંધ, હડતાલ, તોફાનોમાં આપણે દેશની મિલકતને નુકસાન પહોંચાડીએ અને સાથે સાથે સેનાના જવાનો સાથે પણ અન્યાય કરીએ છીએ. આવો, સાથે મળીને એક મજબૂત રાષ્ટ્રના નિર્માણના સહભાગી બનીએ, જેથી આપણા જવાનોને પણ ગર્વ થાય.

જય હિંદ.

લખ્યાનો આનંદ ક્યારે મળે? #ગર્વીલી ક્ષણો

આપણે નિજાનંદ માટે પણ લખીએ પરંતુ મોટાભાગે આપણે આપણા લેખ, વિચારો તથા વાર્તા; વાચકો અને ભાવકો માટે લખીએ. આ લખ્યાનો આનંદ ખરેખર ક્યારે મળે?

હા, તમે સાચા જ છો. વાચકો બિરદાવે ત્યારે. પરંતુ અમારા જેવા ઉગતા લેખકોને ત્યારે મળે જ્યારે અમારા લેખની જ લીંક, ફોટો વગેરે જ્યારે અમને સોશિયલ મિડિયા પર (ફેસબુક, વ્હોટસ એપ, ટ્વિટર પર)  અમારા નામ સાથે અમને મળે. સગાવ્હાલા કે સ્નેહીજનોને તેમના વ્હોટ્સએપ પર જ્યારે મારો લેખ કોઈ અન્ય વ્યક્તિ મોકલાવે ત્યારે તેમની છાતી ગજ ગજ ફૂલે અને તેઓ હોંશે હોંશે મને પણ કહે. આ જ સાચો આનંદ.

આવો આનંદ મને મારા હાસ્યલેખો દ્વારા પ્રાપ્ત થયો છે.

મારો ચા વિષેનો લેખ, સેવ-મમરા અને પેંડા વિષેના લેખ (રિડ ગુજરાતી અને અક્ષરનાદપર) ભરપૂર ખ્યાતી પામ્યા છે. વાચકો અને ભાવકોને વંદન. મા સરસ્વતીના આશિષ સદા વરસતા રહે એ જ અભ્યર્થના!

લીંક અહીં આપી રહ્યો છું.

http://www.readgujarati.com/2017/09/21/tea/

http://www.aksharnaad.com/2017/05/16/pendo-ek-sweet-story/

http://www.aksharnaad.com/2016/10/05/sev-mamra/

http://www.aksharnaad.com/2016/12/29/dhosa-pudla-by-gopal-khetani/

http://www.aksharnaad.com/tag/%E0%AA%97%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/

સપનાનું ઘર – કેતા જોષી

દરેક સ્ત્રીની જેમ મારે પણ એક સપના નું ઘર છે. જેને હું ચણું, તોડું અને ફરી ચણું. મારા સપના ના પ્રદેશ માં વિહરું અને વળી ને વળી એમાં ફેરફાર કર્યા કરું. મારા સપના ના ઘરની આકૃતિ મારા પરિવાર ને લગભગ મોઢે થઇ ગઈ છે. એમાં જ્યારે હું ફેરફાર સૂચવું  ત્યારે તેઓ હસે છે. હકીકત અને સપનામાં ફેર છે. હકીકતમાં તો મારા ઘરના પરદા બદલવાનો નિર્ણય લેવો અને તેને અમલ માં મુકવો પણ અઘરો જણાય છે. રોજબરોજની ધાંધલ-ધમાલની દિનચર્યાના કારણે પસંદગીની  ખરીદી કરવા જવાનો સમય કાઢવો મુશ્કેલ થઇ જાય છે. બીજા અનેક નાના કામો પરદા બદલવા કરતા અનેકગણા જરૂરી હોય છે. તેથી તે કા ને અવગણીને હું ઘર અંગેની ખરીદી કરવા જઈ શક્તી નથી. આખરે એનો વારો ક્યાં તો દિવાળી આવે અને ક્યાં તો ઘરમાં કોઈ શુભ પ્રસંગ ની ઉજવણી કરવાની હોય ત્યારેજ  આવે.

પણ તેમ છતાં રજાના દિવસે સામી સાંજે એકાદ મનગમતું પુસ્તક લઈને વાંચવા બેઠી હોઉં ત્યારે આકાશમાં ઉભરાતા રંગોને માણવા પુસ્તક થોડીવાર બાજુએ મૂકી દઉં. મારા ઘરની બાલ્કની માંથી દેખાતો એટલો આકાશનો ટુકડો મારો ચીર પરિચિત સ્વજન જેવો લાગે છે. એને હું અને એ મને બરાબર પિછાણે છે. ડૂબતા સૂર્યની વેળાએ જયારે એની તરફ મીટ માંડું ત્યારે એને જાણે કેટલુંય કહેવું હોય. હું નજર ખસેડી જ ના શકું. મૌન દ્વારા પણ વાતચીત શક્ય છે. સૂર્ય ડૂબતો હોય ત્યારે એ આકાશનો ટુકડો જાણે ભાવભીની વિદાય લેતી દીકરીની જેમ ભાસે. જાણે કહેતો હોય, કાલે સવારે અધૂરી વાતો કરીશું. મને એ આકાશનો ટુકડો એટલો પોતીકો લાગે કે જ્યાં સુધી સૂર્ય ડૂબ્યા પછીનું અંધારું ઉતરી ના આવે ત્યાં સુધી ત્યાંથી ખસવાનું મન જ ના થાય.ક્યારેક ઢળતી સાંજે એટલા સુંદર રંગો ઢોળે કે મારે એની જોડે વાત કરવી જ પડે. હું એને મારા સપના ના ઘરની વાત કરું. એને કહું કે જ્યારે  મારુ એ ઘર બને ત્યારે ત્યાં પણ આવાજ  સુંદર રંગોની બિછાત લઈને આવજે.તને ખબર છે? મારું એ ઘર દરિયા કિનારે છે.

સ્વપનોની નીલરંગી પીંછી જ્યારે મેઘધનુષના રંગોમાં ઝબકોળાઈને એકાદ લસરકો કરે ત્યારે એક ઘર બને છે. તે લાગણીઓના તાણાવાણા થી વીંટળાયેલું છે.મોટી મોટી કાચની ફ્રેન્ચ વિન્ડોઝ. તેના પર લાગેલા આસમાની પરદા. એ પરદા હવાથી ઉડે ત્યારે હું એના પર  સવાર થઈને જાણે હવામાં ઊંડું.દીવાલો પર  સુંદર પેઈન્ટિંગ્સ. ઘરનો દરેક ઓરડો અને ખૂણો કાળજીથી શણગારેલો.ઓરડાના રાચરચીલા સાથે ભળે તેવા પરદા, ચાદર, રજાઇ અને ગલેફ. પલંગ ની બાજુમાં સાઈડ ટેબલ પર કલાત્મક નાનીશી ઘડિયાળ. નાનું ફ્લાવરપોટ. બીજી તરફના ટેબલ પર થોડા પુસ્તકો અને ચશ્મા. દરેક વસ્તુ યથાસ્થાને સ્વચ્છ અને સુઘડ રીતે ગોઠવાયેલી.

ઘરના ડ્રોઈંગરૂમ ને અને રસોડાને જોડતો કોરિડોર. તેમાં પણ દીવાલમાંજ બનાવેલો નાનકડો શોકેસ. તેની ઉપર ઝીણી પણ અંધારામાં ઝળકી ઉઠતી લાઈટ. ઓપન કિચનનો મહિમા એટલો ગવાયેલો કે મારા મનમાં ઠસી જ ગયેલું કે મારા ઘરમાં ઓપન કિચન જ હોવું જોઈએ.રસોડામાં વપરાતી દરેક ચીજવસ્તુ ત્રણ તરફની દીવાલ ફરતેના પ્લેટફોર્મ પર કે તેની નીચેના ખાનાઓમાં જ સમાઇ જાય. જમણી તરફના ખૂણા પાસે ના દરવાજામાંથી પાછળથી દરિયા તરફ જવાના રસ્તા પર જઈ શકાય. પાછળના દરિયા તરફ જવાના રસ્તા પાસે નાનો કાળા ખડકોમાંથી બનાવાયેલો હોય તેવો પોર્ચ. ફરતે બેઠક અને એકસરખા અંતરે છત અને બેઠક ને જોડતા થાંભલા. છત પરના ગુંબજના આકારના કારણે મંદિરના પરિસર જેવો ઓપ ઉઠતો. વરસતા વરસાદમાં એ પોર્ચમાં બેસીને દરિયો નિહાળવા જેવો આનંદ બીજો કોઈ નથી. ઉગતા સૂર્યના તડકામાં રેતકણો  હીરાની જેમ ચમકી ઉઠે. સમુદ્રની વિરાટ સિતાર બસ બજયાંજ કરે.

મારા મનમાં ચાલતા વિચારો મારા પતિ તરત જાણી જાય.એટલે ચપટી વગાડીને મને સ્વપ્ન પ્રદેશમાંથી વાસ્તવિક દુનિયામાં લઇ આવે. કહે,” ઘરની ડિઝાઇન માં નિરાંતે ફેરફાર કરજે. અત્યારે તો બંદાને ભૂખ લાગી છે એટલે આપણા નાનકડા કિચન માં પધારો.”

મનમાં આવતા વિકએન્ડમાં ઘર માટે શું ખરીદી કરવી અને ક્યાંથી કરવી એનો પ્રોગ્રામ ઘડતાં ઘડતા મારા હાથ રસોઈ બનાવવામાં લાગી જતા.

-કેતા જોષી

રૂડો અવસર – માઈક્રોસર્જન ૨

IMG-20171228-WA0040

મિત્રો,

ગુજરાતી ભાષાનું પ્રથમ અને એકમાત્ર માઈક્રોફિક્શન વાર્તાનું મેગેઝીન ‘સર્જન’ વાચકોના પ્રતિભાવને આવકારી, ગૃપના લેખક મિત્રોની માઈક્રોફિક્શન વાર્તાનું બીજુ પુસ્તક ‘માઈક્રોસર્જન – ૨’ લઈને આવી રહ્યું છે.

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ (હઠીસિંહ એમ્ફીથિયેટર) ખાતે ૫, જાન્યુઆરી ૨૦૧૮ સાંજે પાંચ વાગ્યે ‘માઈક્રોસર્જન – ૨’નું   વિમોચન કરી રહ્યા છીએ.

આપ જરૂરથી આવશો તેવી આશા સાથે

દર્શનાભિલાષી

 

‘સર્જન’ ગૃપ

http://www.aksharnaad.com

http://www.microsarjan.in