ધરતીનો છેડો?

house-3254569_640

ना बादलों की छाँव में, ना चांदनी के गांव में ना फूल जैसे रास्ते, बने हैं इसके वास्ते मगर ये घर अजीब है, ज़मीन के करीब है……. ये ईंट-पत्थरों का घर, हमारी हसरतों का घर ये तेरा घर ये मेरा घर ये घर बहोत हसीन है।

  • जावेद अख्तर

શીર્ષક એક સવાલ છે, અને મને વિશ્વાસ છે કે દરેકને તેનો જવાબ આવડતો જ હશે. આમ પણ જાવેદ સાહેબે રચેલા; ઉપરના મસ્ત મધુરા ગીત પરથી પણ તમને હિન્ટ તો મળી જ ગઈ હશે, બરોબરને?

ધારાવીની એક ખોલીથી માંડીને એન્ટાલીયા સુધી દરેકની એક હસરત હોય છે. આ હસરત પૂરી કરવામાં કેટલાયની આખી જિંદગી નીકળી જાય છે. અને કેટલાક પાસે “ખનખનીયા” હોવા છતાં “વણઝારા” બનવું પડે છે. બદલી ધારકો, નોકરી માટે આમતેમ ભટકતાં મારા જેવા ‘જીવો’ અને “ઘરનું” ઘર ન બને ત્યાં સુધી ભાડે રહેતા માનવ માટે પ્રશ્નો ઊભા થયે જ રાખે છે.

“ઘરનું” ઘર બન્યા પછી પણ “મોક્ષ” પ્રાપ્ત થાય તેની ગેરંટી ક્યાં હોય છે?

હવા -પાણી, ચૂવાક, વેન્ટીલેશનથી લઈને મેઈન્ટેનન્સ, પાર્કિંગ, આજુબાજુનું વાતાવરણ, કામવાળી અને સેફ્ટી સુધીના હજાર સવાલ વારે-તહેવારે ઊભા જ હોય!

વળી અમારી જેમ ભાડે રહેતાં “પામર” જીવોના પ્રશ્નો પાછાં અલગ. દર અગિયાર મહીને ભાડા વધારાની લટકતી તલવાર! સામાન આમથી તેમ ફેરવવાની કઠણાઈ. સરનામા ફેરવવાની માથાકૂટ અને સૌને નડતો મોટો પ્રશ્ન એટલે બચ્ચા પાર્ટીનું સ્કુલ એડમિશન !!?

આટલી બધી અગવડ, મૂંઝવણ, પ્રશ્નો હોવા છતાં પણ ધરતીનો છેડો… ઘર!

મારા ઘર વિષેના આ વિચારો સિવાય મીનાક્ષીબેન વખારીયાએ ઘર વિષેના પોતાના વિચારો બહુ જ ભાવાત્મક રીતે પ્રગટ કર્યા છે જે આપ ‘રિડ ગુજરાતી’ પર વાચી શકો છો. હા ભઈ (બહેન) લીંક આ રહી.

http://www.readgujarati.com/2018/03/23/ghar-minaxi-vakhariya/

કેવું છે તમારું ઘર??

જરૂરથી પ્રતિભાવો.

~ ગોપાલ ખેતાણી

Advertisements

શતક – ૧૦૦ – અણનમ!

નમસ્કાર મિત્રો.

બ્લોગ શરુ કર્યો અને જોતજોતામાં આજે ૧૦૦મી પોસ્ટ મૂકી રહ્યો છું.

શતક કંઈક ખાસ હોવું જોઈએ ને??!

આ ખાસ પોસ્ટ મારી લાડકવાયી – ભૂષિતાના નામે.

હજુ છ મહિના પહેલા જ ભૂષિતાએ ‘અન્ડર એજ’ હોવા છતાં નર્સરીમાં એડમિશન લીધું.

અમે આજના માબાપ જેટલાં બહુ મહત્વકાંક્ષી નથી. (“તારે જમીન પર” અમે પણ જોયું છે… 😛 :P)

ભૂષિતા નર્સરી એન્જોય કરે અને રમત રમતમાં જેટલું શીખે એટલાથી અમે સંતુષ્ટ હતાં.

૧૭માર્ચ ૨૦૧૮ના રોજ “એન્યુઅલ ફંક્શન” યોજાયું. અમને એમ કે આ સવા ત્રણ વર્ષની ટેણકી એક – બે ડાન્સ જેમ તેમ કરી લેશે. પણ આશ્ચર્યની વચ્ચે તેણે પાંચ – પાંચ ડાન્સ કર્યા અને એ પણ આત્મવિશ્વાસથી. સ્ટેજ પર ચડી પોએમ પણ સડસડાટ બોલી ગઈ. સ્ટેજ ફિઅરનું તો નામ પણ ના જડે. તેના ટિચર્સ, સપોર્ટીંગ સ્ટાફ બધાં ભૂષિતાને  જોઇને હસે અને ખુશ પણ થાય. અમે બહુ ખુશ થયાં.

બસ આમ તો બહુ વખાણ કર્યા. (સીદીભાઈને સીદકા વહાલાં!)

પરંતુ આ પોસ્ટ પાછળના બે આશય છે.

૧ – શતકીય પોસ્ટ મારે મારી દીકરીના નામ પર મૂકવી હતી.

૨ – સંતાનોને બાળપણ માણવા દો. તેમની નાની મોટી ખુશીઓને તમે પણ ભરપૂર માણો. તેમના બાળપણમાં કંઈ કેટલીયે સરપ્રાઈઝ છે, જો તમે તમારા ચશ્મા તેમના પર નહીં ચડાવો તો તમને પણ એ સરપ્રાઈઝ માણવા મળી શકે છે.

મારા બ્લોગના વાચકોનો ખૂબ ખૂબ ખૂબ આભાર.

 

 

 

લવ, જેહાદ, એટસેટ્રા – ગોપાલ ખેતાણી

sweet-wooden-home-2669177_640
“સૂરજ પેલા પર્વત પાછળ સંતાય એ પહેલાં મારી સાઇકલ ત્યાં.. મારો પગ કેમ ઊપડતો નથી?” જોરથી પગ ખેંચ્યો ‘ને બપોરની ઊંઘ ઊડી.
“ચાર બજ ગયે લેકિન પાર્ટી અભી બાકી હૈ..” ગણગણતો રજત સાઇકલ લઈ ટેકરી પર પહોંચ્યો. કાશ્મીરની ફિઝાઓમાં રજત પ્રેમનો શ્વાસ ભરી રાહ જોતો રહ્યો. તળેટીમાં બે બુરખાનશીન હસીનાઓ દેખાતાં જ સાઇકલને પાછળ દોડાવી. “આજે તો નરગિસની પાછળ જવું જ છે.”
સલામત અંતરે પીછો કરતો એ ખંડિયેરે જેવા મકાન પાસે પહોંચ્યો. અંદરથી ‘જેહાદ’ની બૂમો ઊઠતાં રજત દીવાલની કિનારીએથી ઝાંકવા ગયો ને “ધા..ડ” રજતની આંખો ખૂલી; માથા પાછળ બહુ દુઃખતું હતું.
“કહાં સે આયા? કૌન હૈ બે તુ?” તરડાયેલો અવાજ ગાજ્યો.
(વાર્તામાં રસ જાગ્યો હોય તો આગળ વાંચો “માઇક્રોસર્જન-૨”માં વાર્તા નં ૨૩)

******************************************************

“માઇક્રોફિક્શન વાર્તાઓ એટલે અઘરી વાર્તાઓ.

માઇક્રોફિક્શન વાર્તાઓ એટલે આર્ટ મૂવી જેવા વિષયો ધરાવતી વાર્તાઓ.”

જો તમે આવું વિચારતા હો તો ઉપરની વાર્તા તમારા વિચારોથી અલગ નથી પડતી?

પ્રેમ, વિરહ, હાસ્ય, દોસ્તી, પ્રકૃતી જેવા કેટ-કેટલાયે વિષયો અને નવરસ આધારીત કુલ ૧૦૨.. હા ભાઈ હા..૧૦૨ વાર્તાઓ “માઇક્રોસર્જન-૨” પુસ્તકમાં સમાવિષ્ટ છે.

ખરેખર આ પુસ્તક ઘરમાં વસાવવા જેવું છે. ઊપરાંત તમારા વ્હાલાઓને ભેટ આપવા માટે પણ આ એક ઉત્તમ પસંદગી છે. કિંમત ફક્ત ૧૧૦/- રુપિયા છે.

પુસ્તક પ્રાપ્તિની વિગત

૧)  https://www.dhoomkharidi.com/micro-sarjan-vol1-2-gujrati-book

(અહીં માઇક્રોસર્જન ૧ + માઇક્રોસર્જન ૨ = ૧૯૦/- માં મળશે. કુલ બે પુસ્તક)

૨) http://microsarjan.in/

(અહીંથી પણ ખરીદી શકશો)

૩) પ્રવિણ પ્રકાશન, લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કોર્પોરેશન ચોક, ઢેબર રોડ, રાજકોટ.

રાજકોટવાસીઓ ઉપર દર્શાવેલ સરનામા પર જઈ પુસ્તક ખરીદી શકશે.

મિત્રો, મારી વાર્તા છે એટલે જાહેરાત કરું છું અને આગ્રહ કરું છું એવુ નથી. પણ અહીં ઉત્તમ લેખકોની ઉત્તમ માઈક્રોફિક્શન ખૂબ જ નજીવી કિંમતે પ્રાપ્ય છે, અને આપ આ રચનાઓ માણો તેનો ખાસ આગ્રહ છે. એક ફિલ્મની ટિકીટ કરતાં પણ ઓછા ભાવે અને આજીવન આપની સાથ રહે તેવું પુસ્તક આપનું મિત્ર બને તેવો આગ્રહ છે અને આશા પણ છે.

 

 

તુ રંગાઈ જાને રંગમાં!

holi-594333_1280

મિત્રો,

આ ફાઇનાન્સિયલ વર્ષનો આ છેલ્લો તહેવાર! બાલુડાઓ પણ આ તહેવાર માણી પરિક્ષા આપવા તૈયાર થઈ જવાના!

ફાગણ ફાટ્યો’ને કેસુડો લાવ્યો! આ મસ્તીભર્યો રંગભર્યો તહેવાર સૌના જીવનમાં રંગ ભરે એવી મારી દિલથી શુભકામનાઓ!

પણ એ પહેલાં અદેખાઈ, છીછરાપણું, વૈમનસ્ય, અહંકાર અને દરેક પ્રકારની હલકી વૃત્તીઓ આજે સાંજે હોલીકા દહનમાં સ્વાહા થઈ જાય એ માટે તો તમારે જ તૈયારી કરવી પડશે. ગરવી ગુજરાતને ઝાંખપ લાગે તેવા બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આશા છે આપ સૌના સાથ સહકાર અને જાગૃકતાને લીધે તેના પર અંકુશ આવશે.

થોડી વિનંતી

  • બધાં જ સારા છે ફક્ત પરિસ્થિતિ જ ખરાબ હોય છે. અને એ સમયમાં માણસ પોતાનું સંતુલન ગુમાવે છે. વિનંતી એ કે એ સમયમાં તમે તે માણસને મદદ કરો. એના જીવનમાં રંગ ભરો.
  • મારે શું? આપણે શું? – ભાઈ પછીનો વારો તારો જ છે. આસપાસમાં થતી દુર્ઘટના પ્રત્યે ઉદાસીન વલણ ન અપનાવો. સંવેદનહીન ન થાઓ. જાગૃક બનો. તમારા હૃદયાના ‘રામ’ને જગાડો. તો જ ‘કાળાશ’ હટશે અને બધાના જીવનમાં રંગો પથરાશે.
  • મારું મારા બાપનું. – આ વૃત્તી આપણા બાપાઓએ (વડીલોએ) શીખવી નથી ભાઈ! બીજા વિષે પણ વિચારો. તહેવાર ઊજવો, પ્રસંગો ઊજવો પરંતુ એ પણ ખ્યાલ રાખો કે તેમા અતીરેક ના થાય. કોઈને દુઃખી કરીને તો આપણે રાજી નથી થતાં ને? બાકી રાક્ષસ અને આપણામાં ઝાઝો ફેર નથી.
  • કુદરતની આમાન્યા જાળવો. હવા, પાણી, ધરતી અને અબોલ જીવો હેરાન ન થાય; તેમનું રક્ષણ અને સંવર્ધન થાય તે જવાબદારી આપણી સૌની સહીયારી છે.
  • છેલ્લે, સ્વસ્થ રહો, મસ્ત રહો પણ એકલા એકલા વ્યસ્ત ના રહો! આપ સૌનું જીવન સદાબહાર રહે, ફાગણની ફોરમ મહેકતી રહે..એ જ શુભકામનાઓ!

~ ગોપાલ ખેતાણી