કલ્યાણી – એક સંવેદનશીલ વાર્તા~ કેતા જોષી

કલ્યાણી

ભવાનીશંકર ગોર અને જમના ગોરાણી ના આનંદ નો પાર નહોતો. એમની દીકરી કલ્યાણીનું લગ્ન લીધું હતું. ઘરમાં રંગરોગાન , ખરીદી,આમંત્રણ પાઠવવા કઈ કેટલાય કામ બંને જણાએ હોંશે હોંશે પાર પડ્યા. સાંજનું વાળું કર્યા પછીયે જમના ગોરાણીના પગમાં જાણે વીજળી સમો ઉત્સાહ હતો. બધું બીજીવાર ચકાસી લીધું.દીકરી  મેંહદીભર્યા હાથે મજાની મીઠી નીંદર માણી રહી હતી. હળવું સ્મિત જાણે એના ચહેરા પર સ્થગિત થઇ ગયું હતું. ઓરડાનું બારણું જરા આડું કરીને ગોરાણી બહાર આવ્યા. હીંચકા પર ગોર કઈ વિચારમાં બેઠા હતા. હળવેથી એમના ખભા પર હાથ મૂકીને જમના કહે, “લ્યો, કાલે સવારમાં ઢબૂકતાં ઢોલે જાન આવી રહેશે. દીકરી વળાવવાની હોય એ બાપને નીંદર ના આવે એ સમજી શકાય પણ લગીર આડે પડખે થાઓ. કાલનો દી આખો જાનૈયાઓની સરભરા કરવાની છે.” ભવાનીશંકર બોલ્યા, “તમે તમારે સુઈ જાઓ. હું થોડીવાર હીંચકે બેઠો છું.”

ગોરના મનમાં  એકલા પડતાજ વર્ષોથી ધરબાયેલી વાત જ્યારથી કલ્યાણીનું લગ્ન નક્કી કર્યું હતું ત્યારથી ઘડીએ ને પડીયે ઉંચે આવવા મથતી હતી. મનમાં થતું, આટલા વર્ષો હૈયા ના તળિયે સંઘરેલી વાતુંને શબ્દદેહ શું કામ આપવો? જમના કેટલી રાજીની રેડ થઈને દીકરીના લગ્નની તૈયારીમાં લાગી હતી.ગોઠણના  દુખાવાની ફરિયાદ કરતી અત્યારે જાણે બધા દુઃખ ભૂલી જઈને દોડાદોડ કામ કરતી હતી. કાલે દીકરી તો જતી રહેશે. પાછાં પોતે બેય જણા એકલા! પહેલા જયારે બે વાર કસુવાવડ થયેલી ત્યારની જમનાની સ્થિતિ યાદ આવી ગઈ . ના, ના, હવે મારે એ વાત ધરબી જ  દેવી પડશે. જમના અજાણ છે અને અજાણ જ રહેશે. છતાંય પોતે ભૂલવા મથતા હતા તે રાતનું સ્મરણ એમને હીંચકાની દરેક ઠેસે જાણે નજીક આવતું ભાસતું હતું. જાણે કાલે જ બનાવ બન્યો હોય.

પહેલીવાર તો દીકરી જનમતી વખતેજ ગુજરી ગઈ હતી. બીજીવાર તો દાયણ ને પાડોશના સીતાબા બેય કાનાફૂસી કરતા હતા. ગોરને અજુગતું લાગતા તેમણે સીતાબાને પૂછ્યું, ” શી વાત છે બા? કેમ આટલા બેબાકળા થાઓ છો? બા દયામણું મોં કરીને કહે કે ગોર, દાયણ ને લાગે છે કે એકલી માને જ જોર કરવું પડશે. બાળક અંદર મરી પરવાર્યું લાગે છે. ત્યારે ગોરના હોશકોશ ઉડી ગયેલા. મનોમન પ્રભુને વિનવ્યા. વહાલા, એના કરતા તો બાળક દીધુંજ ના હોત તો? બચારી જમનાને બબ્બે વારના નિહાકા વેઠવાના. ત્યાં તો દાયણને બહાર જતા જોઈ ગોર ઉભા થઇ ગયા. દાયણ નકારમાં માથું હલાવીને ચાલી નીકળી. સીતાબા હાથમાં લૂગડામાં વીંટાળેલ બાળકીને લઇ બહાર આવ્યા. કહે, “ભાઈ, લ્યો, આ જીવને  માટી ભેગી કરી આવો. હું જમના કને બેઠી છું. ત્યારે  તો ગોર પણ ભાંગી પડ્યા. બીજી વારની મૃત દીકરી અવતરી. જમના  જયારે ભાનમાં આવીને પોતાનું બાળક જોવા માંગશે ત્યારે શું જવાબ આપીશ? એના દેખતા દીકરીને લઇ જતા જીવ નહિ ચાલે. તેથી લૂગડામાં વીંટાળેલી દીકરીને લઈને ગોર ચાલી નીકળ્યા. ખાડો ખોદીને મૃત દીકરીને અંદર મૂકતા પહેલા જરા લૂગડું ખસેડીને મોં જોઈ લીધું. અસલ જમના જ જોઈ લ્યો! પણ પછી જમનાની યાદ આવતાજ ભારે હૈયે માટી વાળીને ખાડો પુરી દીધો. વહાલથી ઉપર હાથ ફેરવીને હતાશ વદને ગોર ઉભા થયા.પગ માં જાણે તાકાત નહોતી. શૂન્યમનસ્કની જેમ ચાલ્યે જતા હતા. મનમાં જમનાને સમજાવવાના શબ્દો ગોઠવતા હતા. શામળિયાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યાં બાળકનો રડવાનો અવાજ સાંભળીને ચોકી ઉઠ્યા. પગથિયે કઈ સળવળતું દેખાયું. નાના બાળકના હાથપગના હલનચલનથી ઢાંકેલું કપડું ખસી ગયું.  ગોર જોઈને જ ડઘાઈ ગયા.તાજીજ જન્મેલી બાળકીને કોઈ સાફ કર્યા વિનાજ કપડામાં લપેટીને કચરાની જેમ ફેંકી ગયું હતું. કુતરા ભસતા પાસે આવી રહ્યા હતા. ઉતાવળે ચાલીને ગોર કૂતરાને હાંકીને પાછાં આવ્યા. બાળકીનું રુદન સાંભળી ગોર ના હાથ ઝાલ્યા ના રહ્યા ને એમણે એ ગંદા કપડામાંથી બાળકીને પોતાના ખભે નાખેલા પંચિયા માં લીધી. ઘડીક બાળકી સામે ને ઘડીક મંદિરની ફરફરતી ધજા સામે જોઈ રહ્યા. જાણે કહેતા હોય,”શામળિયા, એક લઇ લીધી ને બીજી દીધી?” શું ઈશ્વરનો સંકેત હશે? પળવારમાં ગોરે નક્કી કરી લીધું. પોતે જમનાના ભાનમાં આવતા પહેલાજ એની સોડ માં બાળકીને મૂકી દેશે. પોતે ત્યજાયેલી બાળકીના પિતા થશે. ઈશ્વરનેજ આ મંજુર હશે. તેથીજ એમના  અહીં આવવાના સમયેજ કોઈ બાળકીને મૂકી ગયું. જો પોતે બાળકીને નહિ લઇ લે તો કુતરા ફાડી ખાશે. ના, ના, પોતે આ પાપ માં પડવા માંગતા નહોતા. તેથી ઝટ પગથિયેથી ઉભા થયા. જોડે પેલું કપડું પગમાં ભરાયું. લાતેથી એ કપડું ખસેડ્યું તો તેમાંથી કાળા દોરામાં બાંધેલું તાવીજ ઉછળીને આગળ જઈ પડ્યું. ગોર ડઘાઈ ગયા. એક ક્ષણ બાળકીને ફરી પગથિયે મૂકી દેવાની ઈચ્છા  થઇ આવી. પણ રડતી બાળકી પોતાના હાથમાં આવતાજ શાંત થઇ ગઈ હતી. ગોરો  માસુમ ચેહરો જાણે પિતાની છત્રછાયા ની સુરક્ષામાં મીઠી નીંદરમાંય  ધીમું ધીમું હસી રહ્યો હતો.

પળવાર મંદિરની ફરફરતી ધજા સામે જોઈ લીધું.”શામળિયા, ખોટું કરી રહ્યો હોઉં તો તુજ ઉગારજે મારા વહાલા!”. ભવાનીશંકર ઉતાવળે પગલે ઘેર પહોંચ્યા.જમાના હજુ ઘેનમાંજ હતી. સીતાબા એમના હાથમાં બાળક જોઈને આશ્ચર્યમાં પડી ગયા. ગોરે  તરતજ મનમાં ગોઠવી કાઢ્યું, કહે બા, હજાર  હાથવાળાની લીલા કોણ જાણી શક્યું છે? ખાડો ખોદી રહ્યો હતો એવામાં જોયું તો બાળકી હલનચલન કરી રહી હતી ને હાથપગ ઉલાળતી હતી. મારા વહાલાએ જીવતદાન દીધું ને એને હું અંદર મુકું તે પહેલાજ મારુ ધ્યાન દોર્યું. ઉતાવળા પગે એટલેજ તો આવી પૂગ્યો. ક્યાંક તમે જમનાને માઠા સમાચાર દઈ દ્યો ને એ બચારી પોતાને કોસતી રહે. સીતાબા પણ બાળકીના ને ગોરના ઓવારણાં લઇ ને ઈશ્વરની લીલાને વાગોળતા ઘેર ગયા. ગોર જમનાને જોતા રહ્યા.એની સોડમાં બાળકીને મૂકીને એમણે બે હાથ જોડ્યા. “હે દીનાનાથ! સૌનું કલ્યાણ કરનારા, આ બાળકીનું પણ કલ્યાણ કરજે. જેવા નસીબના લેખ લખાવીને આવી હોય, પણ મારા ઘેર મારુ સંતાન બનીને ઉછરે અને સૌ સુખ પામે એવું કરજે. ત્યાંજ જમનાનો હુંફાળો સ્પર્શ થતાંજ આંખ ખુલી. મોં પર મીઠું સ્મિત લાવીને બોલ્યા,” જમના, આનું નામ આપણે કલ્યાણી રાખીએ તો કેવું?”

~~~

કેતા જોષી

 

Advertisements