ઓધાજી રે; મારા વા’લા ને વઢીને કે’જો રે – શ્રી પરેશભાઈ પાઠક

photo – radhakripa.in

આ ક્રિષ્ન વિરહ ગીત એક મનોવેદના છે જેને ક્રિષ્ન-ભાવકો દ્વારા ગુસ્સાના વાઘા પહેરાવવામાં આવ્યા છે . ગોપીઓ, શૈશવ મિત્રો તથા માતા યાશોદાને ગોકુળમાં મુકીને મુરલીધર કૃષ્ણ કર્તવ્ય પરસ્ત બની મથુરાની રાહે ચાલી નીકળે છે ત્યારે કૃષ્ણ – વિરહમાં પીડાતી ગોપીઓ, તેના બાલ-સખા, તેમજ સમગ્ર ગોકુળની મનોભાવના અને વ્યાકુળતાને દર્શાવતું આ ગીત, સાંભળનાર અને સંભળાવનાર ને ભાવ વિભોર કરી દે છે. કૃષ્ણ વિરહમાં તડપતી ગોપીઓ, ગાયો અને ગોવાળો પ્રભુ સામે માનવીય વર્તન કરી પોતાની વ્યાકુળતા અને મીઠો ગુસ્સો વ્યક્ત કરે છે. આ ભાવ ગીત ક્રિષ્ન પ્રત્યેની અવિસ્મરણીય ભાવનાનું આલેખન છે.

અહીં, કૃષ્ણવિરહની વેદના તીવ્ર છે તો સાથે સાથે ક્રિષ્ન પરનો વિશ્વાસ પણ અતૂટ છે. ગોપ-ગોપીઓને હજી પણ વિશ્વાસ છે કે કૃષ્ણ જરૂર પાછા આવશે. અને ફરીથી ગોકુલનું એક એક કણ કૃષ્ણમય બની જશે, એટલે તેઓ ઓધવજીને વિનંતી કરે છે કે “હે ઓધાજી, અમારા વ્હાલાને મનાવજો અને જો ન માને તો અમારા વતી વઢીને પણ ગોકુળ પાછા આવવા સમજાવજો. કારણ અમારો ગુસ્સો પણ કૃષ્ણને પ્રિય છે.” કેટલું દર્દ, કેટલો ઉત્કટ પ્રેમ, કેટલો વિશ્વાસ છલકે છે આ ગીતની દરેક કડી ના સંદેશમાં… શબ્દેશબ્દ માં..
જોકે ત્યારે જ ઓધાજી ગોપીઓના ક્રિષ્ન પ્રત્યેના ભાવાગ્રહ બદલ પ્રેમનું જ્ઞાન- સંદેશ આપી સાંત્વના આપે છે પરંતુ ક્રિષ્નઘેલા ગોપ-ગોપીઓને ગળે ઉતરતું નથી અને કૃષ્ણને મીઠો ઠપકો આપતા કહેવરાવે છે કે…..

મથુરાના રાજા થ્યા છો
(એટલે) ગોવાળોને ભૂલી ગ્યા છો (?)
માનીતા ને ભૂલી ગ્યા છો રે
એમ ઓધાજી (અ)મારા વા’લા ને વઢીને કે’જો

માને તો મનાવી લેજો રે

હે ઓધાજી રે મારા વા’લાને વઢીને કે’જો રે!

પરંતુ આ સંદેશા થી ક્યાંક ક્રિષ્ન રિસાઈ જશે તો ?? ગોપીઓને થાય છે કે અમેતો ક્રિષ્ન વિહોણા બની જશું! તેથી કદાચ વાત વધી ન જાય તેવા આશયથી વાત વાળી લેતા ગોપીઓ કહેછે.

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે એમ ઓધાજી…

કેટલો ઉત્કટ પ્રેમ! સર્વત્ર માત્ર ક્રિષ્ન.. ક્રિષ્ન.. ક્રિષ્ન.. ગોવાળો તેંની મિત્રતાની યાદ આપાવે છે તો ગોપીઓ!, કુબ્જાને પણ પટરાણી કહેવાની તૈયારી બતાવે છે અને તે રીતે વિરહની આગ વ્યક્ત કરે છે. આવા સમયે સ્ત્રી સામાન્ય રીતે ઈર્ષા કે ગુસ્સો વ્યક્ત કરતી હોય ત્યાં પોતાની વાત પડતી મૂકીને પણ વાલાની મારજીમાં રહેવાની વાત કેટલા ઉત્કૃષ્ટ ચારિત્ર્ય ના દર્શન કરાવે અને… તેની પાછળ નો માત્ર અને માત્ર એકજ ધ્યેય, કૃષ્ણ કોઈ રીતે પણ જો ગોકુળ આવતા હોય તો અમે કુબ્જાને પણ પટરાણી કહેવા તૈયાર છીએ.

આમ આ સતત ઘુંટાતું રહેતું દર્દ, જે કદંબની ડાળી, જળની લહેરો, નંદ-યશોદા માતાનાં વહાલ ઝરતાં લોચન અને ગોપીઓની આંસુઓ થી છલકતી આંખોમાં, દેખાઈ રહ્યું છે તે છેવટે વાચકને પણ કૃષ્ણમય બનાવે જ છે.એક એક પંકિત કૃષ્ણની યાદોનું મનોરુદન બની છે . અને અધુરામાં પૂરું સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર ઐશ્ર્વર્યા મજમુદાર, પ્રફુલ દવે. ઈસ્માઈલ વાલેરા તથા આજના યુવા જિગરદાન ગઢવી જેવા સિદ્ધહસ્ત અવાજોમાં ગવાયેલું આ અદ્ભુત ગીત સાંભળવા માત્ર થી મનોમન કૃષ્ણ લીલાના દર્શન થઇ જાય છે

કવિ શ્રી ભગા ચારણ રચિત આ હૃદયસ્પર્શી ગીત ખરેખર ક્રિષ્ન પ્રેમનો હરિરસ પીવરાવે છે. અને જ્યારે પણ મનુષ્ય પ્રભુમય બની આ હરિરસ નો અંગીકાર કરે છે ત્યારે ભક્તિ રોમરોમ માં સ્થાન લે છે અને મનુષ્ય,મનુષ્ય મટી ભગવાન જેવો થઈ જાય છે એનો આડંબર ઓગળી જાય છે અને તેને ઈશ્વરનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

અસ્તુ

પરેશ પાઠક

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s