કેતન મુનશી વાર્તા સ્પર્ધા – પ્રોત્સાહન ઇનામ

 

લાગણી,આંસુ અને શબ્દો કેટલાકને ઝડપથી નીકળે તો કેટલાકને સમય લાગે. મારે એવું જ થયું. ચેન્નાઈ પહોંચ્યા બાદ માતૃભાષાની પ્રત્યે ખેંચાણ થયું. રિડગુજરાતી અને અક્ષરનાદ પર વાચનની ભૂખ સંતોષી. સર્જન કરવાની પ્રેરણા થઈ. તે સમયે ક્યાંક વાચેલું કે ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તાઓમાં સાયન્સ ફિક્શન ઓછી લખાઈ છે. અને તે સમયમાં જ “ગ્રેવીટી” મૂવી જોયું. એટલે સાયન્સ ફિક્શન લખવાનું જ નક્કી કર્યું. “ઇન્ટરસ્ટેલર”, “ગ્રેવીટી” પરથી પ્રેરીત થયો, કેટલાયે ખાંખાખોળા ઈન્ટરનેર પર કર્યા, ધાર્મીક કથાઓ વાંચી અને કલ્પનના રંગો પૂરી “રોમાંચક સફર” વાર્તા લખી. અઢી વર્ષ દરમ્યાન આ વાર્તા લખાઈ.

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જુજવે રુપ અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદવ્યાસે.” – શ્રીનરસિંહ મહેતાની રચનાની પંક્તિઓ મેં મારી વિજ્ઞાન પરિકલ્પના “રોમાંચક સફર”ની શરુઆતમાં મૂકેલી અને તે વાર્તા કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૯માં પંદરમાં ક્રમાંકે આવેલી.

માઇક્રોફિક્શન લખનારું અમારા સર્જન ગૃપ થકી જ મને કેતન મુનશી સ્પર્ધા ૯ની માહિતી મળી હતી અને પહેલી વાર ભાગ લીધો હતો. ગુજરાતી સાહિત્ય સ્પર્ધાઓમાં કેતન મુનશી વાર્તા સ્પર્ધા અત્યંત પ્રતિષ્ઠીત છે એ ત્યાં જ જાણવા મળેલું.

સ્પર્ધા ૯માં ૧૫મો ક્રમાંક આવ્યો એટલે થોડી હાશ થઈ કે હું સાચી દીશામાં જઈ રહ્યો છું અને હજુ વધું મહેનતની જરૂર છે. વળી સર્જન ગૃપમાં માઈક્રોફિક્શન લખાઈ રહી હતી, ત્યાંથી માર્ગદર્શન પણ મળતું હતું એટલે કલમ કેળવાતી હતી.

આ દરમ્યાન પરમ મિત્ર જીજ્ઞેશભાઈ અધ્યારુ નોઈડા આવ્યાં એટલે તેમની જોડે દિલ્હી ફરવાનો લહાવો લીધો. નેશનલ મ્યુઝીયમ ખાતે મોહેંજો-દડોની “ડાન્સીંગ ગર્લ” મૂર્તી જોઈ. અને ઘરે આવ્યા બાદ વિચારે ચડ્યો. ત્યારે “લોથલનો શિલ્પી” વાર્તાનો જન્મ થયો. આ વખતે પણ ઇન્ટરનેટ પર થોડાં ખાંખાખોળા કર્યાં. માહિતી એકઠી કરી. અને ત્યાર બાદ  વાર્તા સડસડાટ લખવા લાગ્યો. પહેલાં તો મે માઈક્રોફિક્શન લખી. અને ત્યાર બાદ એ કથાને વિસ્તારી અને ટૂંકી વાર્તા સ્વરૂપમાં ઢાળી.

વાર્તા વાંચી મને સંતોષ થયો ત્યાર બાદ જ કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૧૦માં મોકલી. એક મહીના પહેલાં એટલે કે માર્ચ મહિનામાં  સાહિત્ય સંગમ, સુરત ખાતેથી રેખાબેનનો ફોન આવ્યો કે “લોથલનો શિલ્પી” વાર્તાને પ્રોત્સાહન ઈનામ મળે છે. અને હું તો થોડી વાર એટલો ખુશ થયો જાણે મને બુકર પ્રાઈઝ મળ્યું હોય. (અને હજીયે એવો જ ખુશ છું, પણ બહારથી તો નોર્મલ રહેવું પડેને?!!)

સુરત ખાતે જવાનું આમંત્રણ મળ્યું. પરંતુ નોકરીને લીધે અને અંતર પણ ઘણુ હોય પહેલા તો ત્યાં  જવાનો વિચાર જ નહોતો. પરંતુ  મિત્ર જીજ્ઞેશભાઈ આગ્રહપૂર્વક સમજાવ્યું કે “બીજે કશે નહી જાઓ તો ચાલશે પણ સાહિત્ય સંગમ ખાતે જવું જ જોઈએ.” અને મેં તાત્કાલીક ટીકિટ્સ બુક કરાવી.

સવારે સાહિત્ય સંગમ પહોંચ્યો ત્યારે મનમાં એવું હતું કે કાર્યક્ર્મની રેખા પ્રમાણે બે સેશન ચાલશે. હોલમાં જ કોઈ ચા આપી જશે અને બપોરે કદાચ જમવાનું આપશે. વિજેતાઓને અભિનંદન આપી બધાં રવાના થઈ જશે.
પણ ત્યાં આવ્યા પછી અપેક્ષા કરતાં ચાર ગણો વધું આવકાર મળ્યો એ જોઈને મારા મનમાં એવું થયું કે
“લેખક તો કદાચ ક્યારેક બનીશ પણ પહેલાં સાહિત્ય સંગમના આયોજકો જેવો યજમાન બનું તો પણ ઘણું.”
પ્રફુલભાઈ, યામીનીબેન, પ્રજ્ઞાબેન અને બકુલેશભાઈએ એટલી આત્મિયતાથી  વાત કરી અને તેઓ એટલા સિનિયર હોવા છતાં નમ્રપૂર્વક સહજ રીતે વર્ત્યા કે મારો તો સંકોચ દૂર થઈ ગયો.
જમવાની ગોઠવણ ખૂબ સરસ. લંચ બ્રેકમાં   મારા જેવા ઉગતા રચનાકાર સાથે સૌ વડિલ સાહિત્યકારો (સંધ્યાબેન, કલ્પનાબેન, જગદીશભાઈ, ભરતભાઈ, મયંકભાઈ)   અને મિત્રો (ડીવીએસ – સજોડે, સોનિયાબેન, પ્રીતિબેન, જીજ્ઞેશ સોલંકી, સોમાણીભાઈ) ઉમળકાભેર મળ્યા એ જ મારા માટે એવોર્ડ.
શિલ્પાબેનએ પ્રોગ્રામની શરૂઆતથી લઈ અંત સુધી દોડાદોડી કરી એ હું જોઈ રહ્યો હતો. ખાસ તો તેમણે કાર્યક્ર્મના અંતે સૌ વિજેતાઓની ટ્રોફી પણ પેક કરી આપી.
નર્મદ સાહિત્ય સભાના અને તે કાર્યક્રમને સફળ બનાવનાર દરેક સભ્યોને  મારા વંદન અને આભાર. સુરત ખાતેનો તેમનો આવકાર જિંદગી ભર યાદ રહેશે.
અને અંતમાં આ વર્ષના વિજેતા મિત્રો પન્નાબેન, સંજયભાઈ, મિનાક્ષીબેન, ધર્મેશભાઈ અને મયુરભાઈને ફરી એક વાર ધોધમાર શુભકામનાઓ.
મારી વાર્તા “લોથલનો શિલ્પી” ટૂંક સમયમાં જ અહીં મૂકીશ.
મા સરસ્વતીના આશીર્વાદ સદાય વરસતાં રહે એ જ અભ્યર્થના. અને વાચકોને પણ મારા સાદર પ્રણામ.
~~
ગોપાલ ખેતાણી

 

Advertisements