માઇક્રોફિક્શન, સર્જન અને જલ્સા કરોને જેંતીલાલ

 

once-upon-a-time-719174_640

મિત્રો,

આ પહેલાં પણ માઇક્રોફિક્શન વિષે મેં જણાવ્યું જ છે. છતાં ફરી ટૂંકમાં જણાવી દઉં કે માઇક્રોફિક્શન એટલે લઘુકથાથી અલગ પડતો સાહિત્ય પ્રકાર. આ પ્રકારના સાહિત્યનું ખેડાણ અમારા “સર્જન” ગૃપ દ્વારા લાંબા સમયથી થઈ રહ્યું છે. માઇક્રોફિક્શન ૩૦૦ શબ્દો સુધીમાં લખાય છે અને તેમાં મજબુત વાર્તા તત્વ સાથે વાચકને ભાવવિશ્વમાં લઈ જવામાં આવે છે. ગર્વથી કહું છું કે ગુજરાતી સાહિત્યમાં માઇક્રોફિક્શનને લોકભોગ્ય અને પ્રખ્યાત કરવામાં અક્ષરનાદના આ “સર્જન” ગૃપનો સિંહ ફાળો છે. આજે કેટલાયે સમાચાર પત્રો અને સામયિક્માં માઇક્રોફિક્શન ખાસ લખાવવામાં આવે છે (પરંતુ કોઈ પણ લેખક માઇક્રોફિક્શનનું બંધારણ જાણ્યા વગર ઢસડી મારે છે ત્યારે પારાવાર દુઃખ થાય છે. અને હા, માઇક્રોફિક્શન અમારો ઇજારો નથી એ અમને ખબર જ છે!) ત્યારે અમે ખુશી અનુભવીએ છીએ.

“સર્જન” ગૃપની માઇક્રોફિક્શન અક્ષરનાદ, માઇક્રોસર્જન, અને “સર્જન” ઇ મેગેઝીન સિવાય દિવ્યભાસ્કર, ગુજરાત ગાર્ડીયન, મમતા સામયિક જેવા માતબર સાહિત્યપ્રતમાં પબ્લીશ થાય  છે. આ યાદીમાં એક નામ વધું ઉમેરાયું છે અને તે છે પ્રખ્યાત ‘જલ્સા કરોને જેંતીલાલ” વાળી વેબસાઇટ જેંતીલાલ.કોમ

તો માણો માઇક્રોફિક્શનની મહેફીલ જેંતીલાલ.કોમના સથવારે

http://jentilal.com/microphiction-story-part-2/

(ઉપરની લિંકમાં વાર્તા નં ૫ – ગોપાલ ખેતાણી દ્વારા)

http://jentilal.com/category/vanchan-vishesh/surgeon-microfiction/

 

Advertisements

ભાઈબંધી… ભાઈ ભાઈ!

૧૯૯૯ની સાલમાં ડિપ્લોમા ઇન ફેબીકેશન ટેક્નોલોજી, બી.પી.ટી.આઈ. ભાવનગર ખાતે એડમિશન લીધું. ત્યારથી ભાઈબંધી, દોસ્તી, મિત્રતા, યારાના, ફ્રેન્ડ્શિપ જેવા કંઈ કેટલાયે નામ ધરાવતો એક મજબૂત સંબંધ કેટલાક ખાસ લોકો સાથે શરૂ થયો અને એ આજ સુધી અંકબંધ છે.

મારા સ્કુલના, શહેરના, બન્ને કોલેજના, નોકરી દરમ્યાન અને બાળપણના મિત્રો વિષે લખવું છે, કંઈક વ્યક્ત કરવું છે પણ એ ફરી ક્યારેક. આ વખતે વાત મારી બરોડા અને સુરતની મુલાકાતની.

“કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૧૦”માં પ્રોત્સાહન ઈનામ (એનો કેફ હજુયે છે હોં!) મળ્યું એટલે તેના પારિતોષીક વિતરણ સમારોહમાં (૨૨ એપ્રિલ) હાજરી આપવા હું દિલ્હીથી અમદાવાદ જવા રવાના થયો. રવિવારે કાર્યક્રમ હતો અને શનિવારે સવારે હું અમદાવાદ પહોંચી જવાનો હતો. હવે માણો મારી એ બે દિવસની વાતો.

****

“ક્યાં છો?” દર્શન ઉવાચ ડાયરેક્ટ વિધાઉટ એની ફોર્માલીટી.

“દર્શન હજી હું અમદાવાદ છું. બરોડા કલાક પછી નીકળીશ. એક –ડોઢ વાગ્યે પહોંચીશ. પણ મન્નુએ કહ્યું છે  એટલે આ વખતે બરોડા જ મળીએ. એ કદાચ ચાર વાગ્યે ઓફીસેથી ફ્રી થશે. ત્યા સુધી હું બરોડામાં આંટા ફેરા કરીશ.”

“અલા…તું એના પર ખોટો ભરોસો મુકે છે. તુ આઈજા આણંદ.. તને રવિવારની સવારની ટ્રેઈનમાં બેસાડવાની જવાબદારી મારી.”

“એના કરતાં તું આવી જા બરોડા તો મજા આવશે.”

“ભઈ હું તો આઈ જ જવાનો. તું આવે છે તો મળીશું જ. સુરત આવવાનો મન્નુ?”

“ખબર નહી?”

સરકાસ્ટીક હાસ્ય સાથે દર્શન “અલા, જો જે!”

ફોન પત્યો અને હું અમદાવાદ – બરોડા વોલ્વોમાં ચડ્યો. વચ્ચે અમારા ખાસ મિત્ર મનોજના બે કોલ આવ્યા જે મારાથી મિસ્ડ થયા.

“અલા ક્યાં છે?” મન્નુ અલ્સો વિધાઉટ એની ફોર્માલીટી.

“બસમાં.. એક – ડોઢ જેવું થશે.”

“તો હું યે ફ્રી થઈ જઈશ. બસ સ્ટેન્ડ પર પહોંચીને કોલ કર.”

અને મેં પણ તેને ફોર્માલીટી કરી નહીં કે તારી ઓફીસનું શું?

લેટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર મન્નુ સમયસર મને લેવા બસ સ્ટેન્ડ પર આવી ગયો. સદનસીબે અમને બધાં નમૂનાઓને ભગવાને પત્નિ બહુ સારી આપી છે. અહીંયા મન્નુના નસીબ પણ ઘણા સારા છે.

શિવાની મનોજ ભટ્ટે મસ્ત જમવાનું બનાવ્યું હતું. માંડ એક – બે વાર મળ્યા હોવા છતાં એકદમ સહજ વાતાવરણ અને વાતો. ખાસ તો મનોજની ક્યુટ ક્યુટ દીકરી માહી સાથે મસ્તી કરવાની બહુ મજા પડી. ખૂબ બધી વાતોના ગપાટા અને થોડું કામકાજ પતાવી મનોજ મને એક મોલ પર મૂકવા આવ્યો જ્યાં મારે થોડું કામ હતું.

આ મોલ પર ‘ડોટ ટાઇમ’ પર દર્શન સ-પરિવાર આવી ગયો. દર્શન – અંજલી – યથાર્થ સાથે તો પહેલાં પણ ક્વાલીટી ટાઈમ પસાર કર્યો છે અને અમે સાથે ફર્યા પણ છીએ. પણ આ વખતે તો ખૂબ મજા પડી. ગેમઝોનમાં યથાર્થની સાથે સાથે અમારી અંદર રહેલું બાળક બહાર આવ્યું. ખૂબ બધી ગેમ્સ રમ્યાં. ખૂબ જલસો કર્યો. મારા મિસકોમ્યુનિકેશનના લીધે મનોજ મોલ પર ન આવી શક્યો. પણ ફરી એકવાર મનોજના ઘરે મેં અને દર્શને ધામા નાખ્યા. મનોજના ઘેર જ જમ્યા. સોસાયટીમાં વોક કરવા નીકળ્યા ત્યારે એ જ ડીપ્લોમા સમયના મિત્રો મારી સાથે વાત કરતાં હતાં. હજું પણ મારા માટે દર્શન-મનોજ એવાં જ છે જેવા તેઓ ૧૯૯૯માં હતાં.

રાત્રે બાર વાગ્યે મનોજ સાથે ચેસ રમ્યો અને તેને જીતવા દીધો. (:P 😛 :P) ચેસ રમ્યા બાદ તેણે મારી બન્ને વાર્તા વાચવાનું સાહસ કર્યું અને સફળ પણ રહ્યો. એટલું જ નહીં પણ મારી સાયન્સ ફિક્શન વાર્તા ‘રોમાંચક સફર’ બાબતે ક્રીએટીવ ચર્ચા પણ વિગતવાર થઈ. સવારે વહેલો ઊઠી મને સ્ટેશને મૂકી ગયો.

રવિવારનો કાર્યક્રમ પતે એટલે મારે તુરંત બરોડા આવી જવું અને ફરીથી એકવાર મળવું એવી સલાહ દર્શન અને મનોજ બન્નેએ આપી.

પરંતુ સુરત ખાતે કાર્યક્રમ પત્યા બાદ મેં મારા પાંચ સુરતી મિત્રોને (એ જ ફેબ્રીકેશનવાળા જ હોં!) વ્હોટ્સએપમાં મેસેજ કર્યો. જેમાં અમારા મિત્ર ભોગીલાલ અને કેબી છટકી ગયા. પણ જાંબાઝ મિત્ર બાપુ ગોપીપુરાની સાંકડી ગલીઓમાં મને શોધતાં “આવી પુગ્યા!” ધવલ-રજની પહેલેથી જ સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ગયેલા.

હું તો ખાસ આવેલો “મહેમાન” હોઉં કોઈએ બરોડા કે સુરતમાં મને ખર્ચ કરવા જ ના દીધો. (અગલે જનમ મોહે ગોપાલ હી કીજીયો…પ્રભુ! આવા દોસ્ત સહુને મળે. 😛 :P) સુરત સ્ટેશન પરના રેસ્ટોરન્ટમાં અમે કોલ્ડ કોકોનો સ્વાદ લેતાં લેતાં નોકરી અને કોલેજની અલક મલકની વાતો કરી. મસ્તી મજાકમાં એક કલાક ક્યાં વીતી ગયો ખબર જ ના પડી. મારી ટ્રેન ઊપડી ત્યાં સુધી મિત્રો પ્લેટફોર્મ પર જ રહ્યાં.

બરોડાં સાડા સાતે પહોંચ્યો અને ફરી દર્શન અને મનોજને ફોન કર્યો. દર્શનના વિચાર મુજબ મનોજ પોતાના ઓલ્ડ ફોર્મમાં આવી ગયો હતો એટલે સ્ટેશને ના આવ્યો. (:P :P// I knw I knw… just jookkkiing mannu!) દર્શન ફરી એકવાર કારેલીબાગથી સ્પેશ્યલ સ્ટેશન પર આવ્યો મળવા. ખાસ તો એ મારા માટે જ બરોડા રોકાયો હતો. મને મળ્યા બાદ આણંદ જવાનો હતો. ફરી એક વાર અડધી પોણી કલાક મેં અને દર્શને ક્રીએટીવ (!) ગપ્પા માર્યા. આ બન્ને દિવસ મારી જિંદગીના પુસ્તકમાં પોતાના અક્ષરો કોતરી ગયા.

કદાચ, આ પોસ્ટમાં તમારા માટે કોઈ “wow” મુમેન્ટ્સ કે વાતો નહીં હોય પણ હા, દરેક વ્યક્તિ કે જેની પાસે સારા મિત્રો છે (જેને તે હજુ પેટ નેમથી, ગાળથી, હકથી બોલાવે કે મળતો હોય) તેને આ વાતો જરુર કનેક્ટ કરશે અને પોતાના સંસ્મરણો તાજા કરશે.

જેને નથી મળ્યો એ મિત્રો ગુસ્સે ન થતાં. તમને મળીશ ત્યારે તમારું પણ આવું “ઢસડી મારીશ”. (:P 😛 :P). છેલ્લે મિત્રોને થેંક્યુ નથી કહેતો. જરૂર જ નથી સાલાઓને! 😛 😛 😛

કેતન મુનશી વાર્તા સ્પર્ધા – પ્રોત્સાહન ઇનામ

 

લાગણી,આંસુ અને શબ્દો કેટલાકને ઝડપથી નીકળે તો કેટલાકને સમય લાગે. મારે એવું જ થયું. ચેન્નાઈ પહોંચ્યા બાદ માતૃભાષાની પ્રત્યે ખેંચાણ થયું. રિડગુજરાતી અને અક્ષરનાદ પર વાચનની ભૂખ સંતોષી. સર્જન કરવાની પ્રેરણા થઈ. તે સમયે ક્યાંક વાચેલું કે ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તાઓમાં સાયન્સ ફિક્શન ઓછી લખાઈ છે. અને તે સમયમાં જ “ગ્રેવીટી” મૂવી જોયું. એટલે સાયન્સ ફિક્શન લખવાનું જ નક્કી કર્યું. “ઇન્ટરસ્ટેલર”, “ગ્રેવીટી” પરથી પ્રેરીત થયો, કેટલાયે ખાંખાખોળા ઈન્ટરનેર પર કર્યા, ધાર્મીક કથાઓ વાંચી અને કલ્પનના રંગો પૂરી “રોમાંચક સફર” વાર્તા લખી. અઢી વર્ષ દરમ્યાન આ વાર્તા લખાઈ.

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જુજવે રુપ અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદવ્યાસે.” – શ્રીનરસિંહ મહેતાની રચનાની પંક્તિઓ મેં મારી વિજ્ઞાન પરિકલ્પના “રોમાંચક સફર”ની શરુઆતમાં મૂકેલી અને તે વાર્તા કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૯માં પંદરમાં ક્રમાંકે આવેલી.

માઇક્રોફિક્શન લખનારું અમારા સર્જન ગૃપ થકી જ મને કેતન મુનશી સ્પર્ધા ૯ની માહિતી મળી હતી અને પહેલી વાર ભાગ લીધો હતો. ગુજરાતી સાહિત્ય સ્પર્ધાઓમાં કેતન મુનશી વાર્તા સ્પર્ધા અત્યંત પ્રતિષ્ઠીત છે એ ત્યાં જ જાણવા મળેલું.

સ્પર્ધા ૯માં ૧૫મો ક્રમાંક આવ્યો એટલે થોડી હાશ થઈ કે હું સાચી દીશામાં જઈ રહ્યો છું અને હજુ વધું મહેનતની જરૂર છે. વળી સર્જન ગૃપમાં માઈક્રોફિક્શન લખાઈ રહી હતી, ત્યાંથી માર્ગદર્શન પણ મળતું હતું એટલે કલમ કેળવાતી હતી.

આ દરમ્યાન પરમ મિત્ર જીજ્ઞેશભાઈ અધ્યારુ નોઈડા આવ્યાં એટલે તેમની જોડે દિલ્હી ફરવાનો લહાવો લીધો. નેશનલ મ્યુઝીયમ ખાતે મોહેંજો-દડોની “ડાન્સીંગ ગર્લ” મૂર્તી જોઈ. અને ઘરે આવ્યા બાદ વિચારે ચડ્યો. ત્યારે “લોથલનો શિલ્પી” વાર્તાનો જન્મ થયો. આ વખતે પણ ઇન્ટરનેટ પર થોડાં ખાંખાખોળા કર્યાં. માહિતી એકઠી કરી. અને ત્યાર બાદ  વાર્તા સડસડાટ લખવા લાગ્યો. પહેલાં તો મે માઈક્રોફિક્શન લખી. અને ત્યાર બાદ એ કથાને વિસ્તારી અને ટૂંકી વાર્તા સ્વરૂપમાં ઢાળી.

વાર્તા વાંચી મને સંતોષ થયો ત્યાર બાદ જ કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૧૦માં મોકલી. એક મહીના પહેલાં એટલે કે માર્ચ મહિનામાં  સાહિત્ય સંગમ, સુરત ખાતેથી રેખાબેનનો ફોન આવ્યો કે “લોથલનો શિલ્પી” વાર્તાને પ્રોત્સાહન ઈનામ મળે છે. અને હું તો થોડી વાર એટલો ખુશ થયો જાણે મને બુકર પ્રાઈઝ મળ્યું હોય. (અને હજીયે એવો જ ખુશ છું, પણ બહારથી તો નોર્મલ રહેવું પડેને?!!)

સુરત ખાતે જવાનું આમંત્રણ મળ્યું. પરંતુ નોકરીને લીધે અને અંતર પણ ઘણુ હોય પહેલા તો ત્યાં  જવાનો વિચાર જ નહોતો. પરંતુ  મિત્ર જીજ્ઞેશભાઈ આગ્રહપૂર્વક સમજાવ્યું કે “બીજે કશે નહી જાઓ તો ચાલશે પણ સાહિત્ય સંગમ ખાતે જવું જ જોઈએ.” અને મેં તાત્કાલીક ટીકિટ્સ બુક કરાવી.

સવારે સાહિત્ય સંગમ પહોંચ્યો ત્યારે મનમાં એવું હતું કે કાર્યક્ર્મની રેખા પ્રમાણે બે સેશન ચાલશે. હોલમાં જ કોઈ ચા આપી જશે અને બપોરે કદાચ જમવાનું આપશે. વિજેતાઓને અભિનંદન આપી બધાં રવાના થઈ જશે.
પણ ત્યાં આવ્યા પછી અપેક્ષા કરતાં ચાર ગણો વધું આવકાર મળ્યો એ જોઈને મારા મનમાં એવું થયું કે
“લેખક તો કદાચ ક્યારેક બનીશ પણ પહેલાં સાહિત્ય સંગમના આયોજકો જેવો યજમાન બનું તો પણ ઘણું.”
પ્રફુલભાઈ, યામીનીબેન, પ્રજ્ઞાબેન અને બકુલેશભાઈએ એટલી આત્મિયતાથી  વાત કરી અને તેઓ એટલા સિનિયર હોવા છતાં નમ્રપૂર્વક સહજ રીતે વર્ત્યા કે મારો તો સંકોચ દૂર થઈ ગયો.
જમવાની ગોઠવણ ખૂબ સરસ. લંચ બ્રેકમાં   મારા જેવા ઉગતા રચનાકાર સાથે સૌ વડિલ સાહિત્યકારો (સંધ્યાબેન, કલ્પનાબેન, જગદીશભાઈ, ભરતભાઈ, મયંકભાઈ)   અને મિત્રો (ડીવીએસ – સજોડે, સોનિયાબેન, પ્રીતિબેન, જીજ્ઞેશ સોલંકી, સોમાણીભાઈ) ઉમળકાભેર મળ્યા એ જ મારા માટે એવોર્ડ.
શિલ્પાબેનએ પ્રોગ્રામની શરૂઆતથી લઈ અંત સુધી દોડાદોડી કરી એ હું જોઈ રહ્યો હતો. ખાસ તો તેમણે કાર્યક્ર્મના અંતે સૌ વિજેતાઓની ટ્રોફી પણ પેક કરી આપી.
નર્મદ સાહિત્ય સભાના અને તે કાર્યક્રમને સફળ બનાવનાર દરેક સભ્યોને  મારા વંદન અને આભાર. સુરત ખાતેનો તેમનો આવકાર જિંદગી ભર યાદ રહેશે.
અને અંતમાં આ વર્ષના વિજેતા મિત્રો પન્નાબેન, સંજયભાઈ, મિનાક્ષીબેન, ધર્મેશભાઈ અને મયુરભાઈને ફરી એક વાર ધોધમાર શુભકામનાઓ.
મારી વાર્તા “લોથલનો શિલ્પી” ટૂંક સમયમાં જ અહીં મૂકીશ.
મા સરસ્વતીના આશીર્વાદ સદાય વરસતાં રહે એ જ અભ્યર્થના. અને વાચકોને પણ મારા સાદર પ્રણામ.
~~
ગોપાલ ખેતાણી

 

શતક – ૧૦૦ – અણનમ!

નમસ્કાર મિત્રો.

બ્લોગ શરુ કર્યો અને જોતજોતામાં આજે ૧૦૦મી પોસ્ટ મૂકી રહ્યો છું.

શતક કંઈક ખાસ હોવું જોઈએ ને??!

આ ખાસ પોસ્ટ મારી લાડકવાયી – ભૂષિતાના નામે.

હજુ છ મહિના પહેલા જ ભૂષિતાએ ‘અન્ડર એજ’ હોવા છતાં નર્સરીમાં એડમિશન લીધું.

અમે આજના માબાપ જેટલાં બહુ મહત્વકાંક્ષી નથી. (“તારે જમીન પર” અમે પણ જોયું છે… 😛 :P)

ભૂષિતા નર્સરી એન્જોય કરે અને રમત રમતમાં જેટલું શીખે એટલાથી અમે સંતુષ્ટ હતાં.

૧૭માર્ચ ૨૦૧૮ના રોજ “એન્યુઅલ ફંક્શન” યોજાયું. અમને એમ કે આ સવા ત્રણ વર્ષની ટેણકી એક – બે ડાન્સ જેમ તેમ કરી લેશે. પણ આશ્ચર્યની વચ્ચે તેણે પાંચ – પાંચ ડાન્સ કર્યા અને એ પણ આત્મવિશ્વાસથી. સ્ટેજ પર ચડી પોએમ પણ સડસડાટ બોલી ગઈ. સ્ટેજ ફિઅરનું તો નામ પણ ના જડે. તેના ટિચર્સ, સપોર્ટીંગ સ્ટાફ બધાં ભૂષિતાને  જોઇને હસે અને ખુશ પણ થાય. અમે બહુ ખુશ થયાં.

બસ આમ તો બહુ વખાણ કર્યા. (સીદીભાઈને સીદકા વહાલાં!)

પરંતુ આ પોસ્ટ પાછળના બે આશય છે.

૧ – શતકીય પોસ્ટ મારે મારી દીકરીના નામ પર મૂકવી હતી.

૨ – સંતાનોને બાળપણ માણવા દો. તેમની નાની મોટી ખુશીઓને તમે પણ ભરપૂર માણો. તેમના બાળપણમાં કંઈ કેટલીયે સરપ્રાઈઝ છે, જો તમે તમારા ચશ્મા તેમના પર નહીં ચડાવો તો તમને પણ એ સરપ્રાઈઝ માણવા મળી શકે છે.

મારા બ્લોગના વાચકોનો ખૂબ ખૂબ ખૂબ આભાર.

 

 

 

લવ, જેહાદ, એટસેટ્રા – ગોપાલ ખેતાણી

sweet-wooden-home-2669177_640
“સૂરજ પેલા પર્વત પાછળ સંતાય એ પહેલાં મારી સાઇકલ ત્યાં.. મારો પગ કેમ ઊપડતો નથી?” જોરથી પગ ખેંચ્યો ‘ને બપોરની ઊંઘ ઊડી.
“ચાર બજ ગયે લેકિન પાર્ટી અભી બાકી હૈ..” ગણગણતો રજત સાઇકલ લઈ ટેકરી પર પહોંચ્યો. કાશ્મીરની ફિઝાઓમાં રજત પ્રેમનો શ્વાસ ભરી રાહ જોતો રહ્યો. તળેટીમાં બે બુરખાનશીન હસીનાઓ દેખાતાં જ સાઇકલને પાછળ દોડાવી. “આજે તો નરગિસની પાછળ જવું જ છે.”
સલામત અંતરે પીછો કરતો એ ખંડિયેરે જેવા મકાન પાસે પહોંચ્યો. અંદરથી ‘જેહાદ’ની બૂમો ઊઠતાં રજત દીવાલની કિનારીએથી ઝાંકવા ગયો ને “ધા..ડ” રજતની આંખો ખૂલી; માથા પાછળ બહુ દુઃખતું હતું.
“કહાં સે આયા? કૌન હૈ બે તુ?” તરડાયેલો અવાજ ગાજ્યો.
(વાર્તામાં રસ જાગ્યો હોય તો આગળ વાંચો “માઇક્રોસર્જન-૨”માં વાર્તા નં ૨૩)

******************************************************

“માઇક્રોફિક્શન વાર્તાઓ એટલે અઘરી વાર્તાઓ.

માઇક્રોફિક્શન વાર્તાઓ એટલે આર્ટ મૂવી જેવા વિષયો ધરાવતી વાર્તાઓ.”

જો તમે આવું વિચારતા હો તો ઉપરની વાર્તા તમારા વિચારોથી અલગ નથી પડતી?

પ્રેમ, વિરહ, હાસ્ય, દોસ્તી, પ્રકૃતી જેવા કેટ-કેટલાયે વિષયો અને નવરસ આધારીત કુલ ૧૦૨.. હા ભાઈ હા..૧૦૨ વાર્તાઓ “માઇક્રોસર્જન-૨” પુસ્તકમાં સમાવિષ્ટ છે.

ખરેખર આ પુસ્તક ઘરમાં વસાવવા જેવું છે. ઊપરાંત તમારા વ્હાલાઓને ભેટ આપવા માટે પણ આ એક ઉત્તમ પસંદગી છે. કિંમત ફક્ત ૧૧૦/- રુપિયા છે.

પુસ્તક પ્રાપ્તિની વિગત

૧)  https://www.dhoomkharidi.com/micro-sarjan-vol1-2-gujrati-book

(અહીં માઇક્રોસર્જન ૧ + માઇક્રોસર્જન ૨ = ૧૯૦/- માં મળશે. કુલ બે પુસ્તક)

૨) http://microsarjan.in/

(અહીંથી પણ ખરીદી શકશો)

૩) પ્રવિણ પ્રકાશન, લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કોર્પોરેશન ચોક, ઢેબર રોડ, રાજકોટ.

રાજકોટવાસીઓ ઉપર દર્શાવેલ સરનામા પર જઈ પુસ્તક ખરીદી શકશે.

મિત્રો, મારી વાર્તા છે એટલે જાહેરાત કરું છું અને આગ્રહ કરું છું એવુ નથી. પણ અહીં ઉત્તમ લેખકોની ઉત્તમ માઈક્રોફિક્શન ખૂબ જ નજીવી કિંમતે પ્રાપ્ય છે, અને આપ આ રચનાઓ માણો તેનો ખાસ આગ્રહ છે. એક ફિલ્મની ટિકીટ કરતાં પણ ઓછા ભાવે અને આજીવન આપની સાથ રહે તેવું પુસ્તક આપનું મિત્ર બને તેવો આગ્રહ છે અને આશા પણ છે.

 

 

તુ રંગાઈ જાને રંગમાં!

holi-594333_1280

મિત્રો,

આ ફાઇનાન્સિયલ વર્ષનો આ છેલ્લો તહેવાર! બાલુડાઓ પણ આ તહેવાર માણી પરિક્ષા આપવા તૈયાર થઈ જવાના!

ફાગણ ફાટ્યો’ને કેસુડો લાવ્યો! આ મસ્તીભર્યો રંગભર્યો તહેવાર સૌના જીવનમાં રંગ ભરે એવી મારી દિલથી શુભકામનાઓ!

પણ એ પહેલાં અદેખાઈ, છીછરાપણું, વૈમનસ્ય, અહંકાર અને દરેક પ્રકારની હલકી વૃત્તીઓ આજે સાંજે હોલીકા દહનમાં સ્વાહા થઈ જાય એ માટે તો તમારે જ તૈયારી કરવી પડશે. ગરવી ગુજરાતને ઝાંખપ લાગે તેવા બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આશા છે આપ સૌના સાથ સહકાર અને જાગૃકતાને લીધે તેના પર અંકુશ આવશે.

થોડી વિનંતી

  • બધાં જ સારા છે ફક્ત પરિસ્થિતિ જ ખરાબ હોય છે. અને એ સમયમાં માણસ પોતાનું સંતુલન ગુમાવે છે. વિનંતી એ કે એ સમયમાં તમે તે માણસને મદદ કરો. એના જીવનમાં રંગ ભરો.
  • મારે શું? આપણે શું? – ભાઈ પછીનો વારો તારો જ છે. આસપાસમાં થતી દુર્ઘટના પ્રત્યે ઉદાસીન વલણ ન અપનાવો. સંવેદનહીન ન થાઓ. જાગૃક બનો. તમારા હૃદયાના ‘રામ’ને જગાડો. તો જ ‘કાળાશ’ હટશે અને બધાના જીવનમાં રંગો પથરાશે.
  • મારું મારા બાપનું. – આ વૃત્તી આપણા બાપાઓએ (વડીલોએ) શીખવી નથી ભાઈ! બીજા વિષે પણ વિચારો. તહેવાર ઊજવો, પ્રસંગો ઊજવો પરંતુ એ પણ ખ્યાલ રાખો કે તેમા અતીરેક ના થાય. કોઈને દુઃખી કરીને તો આપણે રાજી નથી થતાં ને? બાકી રાક્ષસ અને આપણામાં ઝાઝો ફેર નથી.
  • કુદરતની આમાન્યા જાળવો. હવા, પાણી, ધરતી અને અબોલ જીવો હેરાન ન થાય; તેમનું રક્ષણ અને સંવર્ધન થાય તે જવાબદારી આપણી સૌની સહીયારી છે.
  • છેલ્લે, સ્વસ્થ રહો, મસ્ત રહો પણ એકલા એકલા વ્યસ્ત ના રહો! આપ સૌનું જીવન સદાબહાર રહે, ફાગણની ફોરમ મહેકતી રહે..એ જ શુભકામનાઓ!

~ ગોપાલ ખેતાણી

ઘમ્મર ઘમ્મર મારું વલોણુ ગાજે!

ઉનાળાના પગરવ સંભળાઈ રહ્યા છે. તો ‘ઠંડક’ કરવા ‘લેભાગુ’ પીણાઓની જાળમાં ફસાતા નહીંં, હો કે!

જે દેવોને પણ દુર્લભ છે એવી ‘છાશ’ નો આનંદ માણો અને અન્યને પણ તેનો લાભ આપો.

વાંચો, “છાશ”નો મહિમાગાન – ગોપાલ ખેતાણીની રચના અક્ષરનાદ પર.

હા, અભિપ્રાય તો જોઈશે જ.. વાંધો નહીં.. છાશ પીતા પીતા આપજો!

http://www.aksharnaad.com/2018/02/23/chhaas-aka-buttermilk/