કાં’ક હોય તો કાં’ક આવે – અકૂપાર

અકૂપાર

 

મારા મનની નજીક રહેલું પુસ્તક : અકૂપાર

ગુજરાતી સાહિત્ય જગત એટલું વિશાળ છે કે હું એમ કહું કે મેં ઘણું વાંચ્યુ છે તો મારે લખવાનું તો ઠીક વાંચવાનું ફરીથી શરૂ કરવું જોઈએ. હકીકતમાં પરમ મિત્ર જીજ્ઞેશભાઈ અધ્યારુને  મળ્યા પછી કંઈ કેટલી રચનાઓ વિશે જાણ્યું, માણ્યું ને સાંભળ્યું છે. શ્રી ક.મા.મુનશી, શ્રી ધૂમકેતુ, શ્રી હરકિશન મહેતા, શ્રી અશ્વિની ભટ્ટ જેવા સિદ્ધહસ્ત લેખકોને વાંચ્યા છે અને દિલથી માણ્યા છે. ક.મા.મુનશીજીની પાટણ ત્રિવેણી બહુ જ ગમે છે. તેનાથી અભિભૂત છું. પરંતુ મનની નજીક રહેલા પુસ્તકની વાત આવે એટલે વાત કરવી પડે શ્રી ધ્રુવદાદાની માનવીના મન અને કુદરતને સાંકળતી અદ્ભુત રચના ‘અકૂપાર’ની.

આ પુસ્તક વિષે લખવું એ મને તો મારા ગજા બહારની વસ્તુ લાગે છે. એવું નથી કે પુસ્તકનો વિષય અઘરો છે કે સમજવી અઘરી છે. ઊલટું તમે પુસ્તક વાંચવાનું ચાલું કરો એટલે તમે ‘ગીર’, ‘ગીરની સૃષ્ટિ’ અને પુસ્તકમાં સમાવિષ્ટ પાત્રોના સ્વજન બની જાઓ એ નક્કી. એટલું તો અદ્ભુત આલેખન કે તમને ગીર નજરે ચડે, પાત્રોની લાગણીઓ તમારા અંતરમનને સ્પર્શે અને નાયક જાણે તમે ખુદ હોવ એવી લાગણી પણ ક્યાંક જન્મે.

“ખમા ગય્‌રને”, “કાં’ક હોય તો કાં’ક આવે”, “પમ્મર થઈ જાહે,” “ગીરમાં ગય્‌રમાં ‘ને ગય્‌ર તો ડય્‌રમાં” આવા તો અનેક સંવાદો માણવા મળે અને એ સંવાદોનો અર્થ જ્યારે જાણવા મળે ને  સાહેબ ત્યારે તમારા મનમાં જે અનુભૂતિ થાય એ તમે મારી જેમ કોઈને વર્ણવી ન શકો. એના માટે તો તમારે ધૂણી ધખાવીને અકૂપાર વાંચવી પડે.

પૃથ્વીના પર્યાય તરીકે ચિત્રો દોરવા માટે  એક ચિત્રકારની બાહ્ય સફર જે ગીરમાં શરૂ થાય છે તે અંતે તેના અંતરમન પર જઈને અલ્પવિરામ લે છે તે ઘટનાઓનું વર્ણન એટલે અકૂપાર.

ગીરનું જેટલું છે તે ગીરમાં જ રાખવું ત્યાંથી બહાર લઈ જવું નહીં તેવા નિયમ સાથે આ પુસ્તક શરૂ થાય છે અને તે સાથે જ પૂરું થાય છે. પરંતુ આપણી જાણ્યે અજાણ્યે ગીર સાથે અને ગીરમાં જોડાઈ જઈએ છીએ તે આ પુસ્તકની તાકાત છે.

ગીર અને ગીરની સજીવ સૃષ્ટિ એ ગીરવાસીઓ માટે ઝાડ-પાન કે પશુ-પંખી નથી, એ તેમના સ્વજન છે. સિંહ તેમની આમન્યા જાળવે છે. (આઈમા. સાંસાઈ અને ધાનુના પ્રસંગો પરથી તમને જાણવા મળશે.) આપણા સંતાનો આપણું કહ્યું માને તેવી જ રીતે ગીરવાસીઓના માલ-ઢોર તેમનું બોલેલું કે કહ્યું માને; કારણકે ગીરવાસીઓ તેમને પોતાના સંતાનો જ માને છે. તેમના ઢોર અને સિંહના તો નામ પણ હોય.

કેટલીક અગમ નિગમની વાતો; કેટલીક અદ્ભુત જાણકારીઓ; ગામડાના માણસની માણસાઈ; સિંહ અને ગીર સાથેનું ત્યાંના લોકોનો સંબંધ, વિશ્વાસ અને રિવાજ; ગીરનો ભૂગોળ અને એવું તો કંઈ કેટલીયે વાતો આ પુસ્તકમાં છે જે તમને ફરી ફરીને વાચવા મજબૂર કરે છે. અને તેનું ઉદાહરણ છે નીચેની પંક્તિ જે પુસ્તકમાં આપેલી છે. ઘંટલો અને ઘંટલી નામની ટેકરીઓના લગ્ન છે જેના સ્વરૂપે આ પંકિત રચાઈ છે.

“ઘંટલો પયણે ઘંટલીને, ‘ને અણવર વાંહાઢોર

હીરણ મેઘલ જાનડીયું ને ગય્‌રમાં ઝાકમઝોળ.”

મારી સમજ મુજબ મેં આ પુસ્તક વિષે મારી લાગણીઓ લખી છે. છેલ્લે એટલું જ કહીશ કે રમજાનાને જોઈ હું’યે પમ્મર થઈ ગયેલો, લાજોની ગિરવાણ મરી ત્યારે હું’યે રડેલો, “એની પ્રોબ્લેમ” એવું મેં પણ હસતાં હસતાં ધાનુને પૂછેલું, મુસ્તુફા જોડે હું યે ગીરમાં ઘૂમ્યો અને આઈમાના આશીર્વાદ મેં પણ લીધેલાં.

અને ફરી ફરીને આ અનુભવ મેળવવા પુસ્તકને હું મારા મનની નજીક રાખું છું. આમ તો એ મારા મનની નજીક રહે છે એ વધુ યોગ્ય છે.

“ખમ્મા ગય્‌રને!”

— ગોપાલ ખેતાણી

Advertisements