ઉદયાસ્ત – દ્વારકા સોમનાથ ~ શ્રી નિપેશ જ. પંડ્યા

ઉદયાસ્ત – દ્વારકા સોમનાથ ~ શ્રી નિપેશ જ. પંડ્યા

સોમનાથ અને દ્વારકા, આ બન્ને દેવભૂમી છે. આ બન્ને મંદિરો એટલે એક પ્રથમ જ્યોતીર્લિંગ અને બીજું ચાર ધામ પૈકીનું એક.

સોમનાથ પર અદભૂત નવલકથાઓ રચાયેલી છે. જેમાં આપણને શ્રી કનૈયાલાલ મુનશીજીની “જય સોમનાથ” પહેલા યાદ આવે. પરંતુ સોમનાથ અને દ્વારકાને સાંકળતી હોય એવી કોઈ નવલકથા હજુ ધ્યાનમાં નથી આવી.

વ્યવસાયે એંજિનિયર એવા શ્રી નિપેશભાઈએ એક દળદાર (૩૭૬ પાના) નવલકથા રજૂ કરી – ઉદયાસ્ત.  અને તમે એ નવલકથા છેક સુધી વાંચવા મજબૂર થઈ જાઓ એવું પ્રવાહી આલેખન છે. ઐતિહાસીક ફિક્શનમાં લેખકે ઘણું અધ્યયન કરવું પડે, એ સમયગાળો અને ઇતિહાસ વિષે પણ માહિતગાર બનવું પડે. નિપેશભાઈની મહેનત આ નવલકથામાં દેખાઈ આવે છે.

સોમનાથ સુવર્ણ મંદિર કેવી રીતે બન્યું, દ્વારકા સોનાની નગરી હતી કે નહીં, ગઝનીનો સુલતાન અહીં છેક કેવી રીતે આવ્યો વગેરે અનેક સવાલોના જવાબ સચોટ રીતે આ ઐતિહાસીક ફિક્શન નવલકથામાં વાચકોને મળી રહે છે. અને આ સવાલના જવાબ મળશે અને પછી તમે જ્યારે પણ સોમનાથ –દ્વારકા – બેટ દ્વારકાની મુલાકાત લેશો ત્યારે આ નવલકથા તમને યાદ આવશે એની ૧૦૦૧% ગેરંટી!

દરેક પાત્રો તમારા મન – મસ્તિષ્ક પર છાપ છોડે છે તે પછી સોમનાથ મંદિરના આચાર્ય હોય, રુપસિંહ રાજપૂત હોય, ગામનો મુખી ગીગો હોય, નાયિકા ચંપા હોય, નાયક અભો હોય કે પછી મારા જેવા ઘણા વાચકને ગમતાં એવા શંકર હોય. પાત્રો નવલકથાની બહાર આવી ઉપસ્યા છે. જ્યાં સુધી નવલકથા વંચાય ત્યાં સુધી એ તમારી જોડે જીવે છે એવું તમને ખરેખર લાગે.

નિપેશભાઈ એંજિનિયર છે એટલે એમણે બહુ બધી વાતો એટલી સરસ રીતે સમજાવી છે કે કોઈપણ ઉમરનો વાચક આસાનીથી (ઘણી અઘરી) વાતોને સમજી જાય. આ વાતો કઈ? એ માટે તો તમે પુસ્તક વાંચો એટલે ખબર પડી જ જશે. સંવાદો, વર્ણન, વિષય,  અને બળકટ પાત્રોનું ઉમદા સંયોજન તો છે જ પણ સૌથી અઘરી વસ્તુ કરી બતાવી એ આપણે અત્યાર સુધી વાંચેલી અલગ અલગ ઐતિહાસિક વાતોની ગૂંથણી. જેમકે દ્વારકા પાસે ક્યારેક વસતા કાબા (કાબે અર્જૂન લૂંટયો), સોમનાથના વિસ્તારમાં રહેલું તેજીલું ઘાસ (જેમાં યાદવ કપાઈ મર્યા), દરિયાના પેટાળમાં રહેલી સોનાની દ્વારકા, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકા. નવલકથા વાંચો અને આ બધી વાતો સામે આવે ત્યારે તમને સાનંદાશ્ચર્ય થાય, અરે વાહ! આવું જ થયું હશે!

વાર્તાનો અંત મને ખરેખર એટલો બધો ગમ્યો કે જાણે હું આ આપણી ગુજરાતી નવલકથાને “હોલીવુડ સ્ટાઇલ” થી જોઈ રહ્યો હોંઉં. બહુ જ ઉમદા!

આપણે ભૂખ્યાં હોઈએ અને જો ઉત્તમ સાત્વિક જમણવારનો લાભ મળે ત્યારબાદ જે સંતોષનો ઓડકાર આવે, એવી જ લાગણી ઉદયાસ્ત – દ્વારકા સોમનાથ વાંચીને થઈ. દરેક ગુજરાતીએ આ નવલકથા વાંચવી જ જોઈએ એવો મારો આગ્રહ રહેશે.

છમકલું – ગૂગળી બ્રાહ્મણ શા માટે દ્રારકાધીશની આરતી ઊતારે અને અબોટી બ્રાહ્મણ શા માટે મંદિરની ધ્વજાજી ચડાવે (ધ્વજાજી પર તેમનો અધીકાર રહે) એનો ઉત્તર પણ આ નવલકથા આપે છે.

પુસ્તક પ્રાપ્તિની વિગત

નામ – ઉદયાસ્ત દ્વારકા – સોમનાથ

લેખક – નિપેશ જ. પંડ્યા

મૂલ્ય – ૩૫૦/- રુ.

મો – ૯૪૨૬૬૪૭૩૭૪ (મનમીત પબ્લીકેશન)

~ ગોપાલ ખેતાણીના જય સોમનાથ, જય દ્વારકાધીશ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s