લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૧૧

bhandara

પ્રકરણઃ ૧૧- ‘તાવો’

દિવસ નક્કી થતાં જ રાણપુર અને આસપાસના ગામડાંઓમાં ‘સમર્પણ હોસ્પિટલમાં એક અઠવાડીયાનો ફ્રી ચેક અપ કૅમ્પ’ના બોર્ડ લાગી ગયાં.

અરજણે દીપક અને તેની ટીમને રાણપુર બોલાવી રાખ્યા હતાં. હસુ માસ્તરે પણ મેડિકલ વિમાની બધી માહિતી લઈ રાખી હતી.

ચેક-અપ કૅમ્પ શરુ થતાં જ ‘દીપક એન્ડ ટીમ’ રાહ જોઈ બેઠેલા દર્દીઓને મેડિકલ વિમાની માહિતી આપવા માંડી. હસુ માસ્તર ગામઠી ભાષામાં અલગથી પણ સમજાવવા લાગ્યા. અઠવાડીયાની જહેમતને અંતે ચારસો ફોર્મ ભરાયા હતાં. પણ આ સંખ્યાથી હજુ સંતુષ્ટ નહોતાં થયાં.

સાંજે બધાં થાકીને મંદિરે દર્શન કરવા ગયાં. મંદિરના ઓટલે અરજણ, હસુ માસ્તર, રવજી, જીતુ અને દીપકની ટીમના સભ્યો બેસીને ચર્ચા કરી રહ્યા હતાં. ‘હજુ લોકોને આકર્ષિત કેમ કરી શકાય?’ એ ચર્ચાનો મુખ્ય વિષય હતો. પુજારીજી આ સાંભળી જતાં તેમણે કહ્યું “ જો તમને વાંધો ન હોય તો હું એક વાત કહું?”

“અરે મહારાજ, તમારે એવું પૂછવાનું હોય?” હસુ માસ્તરે પુજારીજીને હાથ જોડતાં કહ્યું.

“પ્રસાદ, ભંડારો, લંગરમાં બધાને રસ હોય. મેળ પડતો હોય તો તાવો ગોઠવીએ. આ તમારા કાર્યક્રમના અઠવાડીયા પહેલા ગોઠવીએ.”

“આ વિસાર તો મઝાનો હો મારા’જ” રવજીથી બોલી પડાયું.

“પણ તાવાનો ખર્ચ?” દીપકે બધાના મનની વાત કહી.

“તાવો એટલે?” દીપકની ટીમના એક સભ્યએ પૂછ્યું.

“તાવો એટલે ચાપડી અને ઉંધીયું. સાથે ઠંડી છાશ પણ હોય. ચાપડી એટલે સમજોને તળેલી નાની ભાખરી.” હસુ માસ્તરે શિક્ષક રહ્યા એટલે એ જ જવાબ આપેને!

“મારી હમજ પરમાણે તો જો પાંસો માણહ થ્યા તો, માણા દીઠ વીહ રુપિયાનો ખરસો થાય. હું ક્યો સો સાય્બ?” રવજીએ ગણતરી કરી લીધેલી.

“હા એટલા તો થાશે જ. પણ માણસો કદાચ પાંચસો કરતાં બે ગણા કે ત્રણ ગણા પણ થાય.” હસુ-માસ્તરે કહ્યું ત્યાં તો સરપંચ પણ પહોંચી ગયા.

“શેની વાત હાલે સે સાય્બ?”

અને હસુ-માસ્તરે વાત કહી.

“ખરચો ત્રીસ-પાંત્રીસ હજાર થઈ જશે.” અરજણે ચિંતા વ્યક્ત કરી.

“એક કામ કય્‌ર અરજણ.”

“બોલો ને કાકા.”

“ગયા વખતના દાનના પાંસ હજાય્‌ર અને ..મારા’જ.. આ વખતે પેટી ખોલીને ગણીને જેટલા હોય ઈ અરજણને દઈ દે જો. મારી હમજ પરમાણૅ નવ –દહ થઈ જાહે. બાકીનાનો મેળ કરો.

“પંદર હજાર હું કાઢીશ.” જીતુએ કહ્યું.

“અરે એટલા બધાં..” અરજણ બોલ્યો અને બાકીનાઓની આંખ પણ મોટી થઈ ગયેલી.

“ભાઈ, ઘરેથી ધર્માદામાં વાપરવાનું કહેલું, તો આ પણ એ જ છે ને.”

“તો બાકીના હું અને અરજણ વહેંચી લેશું? બરોબર ને?” દીપક બોલી ઊઠ્યો.

“અરે આ તો જબરું થઈ ગયું.” અરજણ ખુશ હતો.

“મંદિરે બેઠાં હોવ ને કામ નો થાય એવું બને ખરું?” પંડીતજીએ કહ્યું.

“સાવ સાચી વાત.” બધાંએ સૂર પુરાવ્યો.

“અને જેટલા તાવાની પ્રસાદી લેશે એ બે-પાંચ-દસ તો ધરતાં જાશે મંદિરે. તમને વાંધો નહીં આવે.”

પંડીતજીએ બીજા દિવસથી જ તાવાની વાત વહેતી કરી દીધી. અઠવાડીયામાં તો આજુબાજુના ગામડામાં વાત વહેતી થઈ ગઈ.

રવિવારે તાવો નક્કી કર્યો હોય શુક્રવારથી જ તૈયારીઓ શરુ થઈ ગયેલી. રાધા અને જીવલી શાકભાજી એકઠું કરવામાં વ્યસ્ત હતાં. રવજી અને ચંદુકાકા મંદિરે સાફસફાઈ અને માંડવો બાંધવામાં રોકાયા હતાં. અરજણ અને જીતુ કરિયાણું લેવા શહેર પહોંચ્યા હતાં.

શનિવારે રાત્રે  ગામનું મહિલા મંડળ શાક સમારવા બેસી ગયેલું. પીવાના પાણીનું ટેંકર સમયસર આવી ગયેલું એટલે નિરાંત હતી. વાસણો ગામની શાળમાં ગોઠવ્યા હતાં.

રવિવારે સવારે દીપક તેની ટીમ સાથે પહોંચી ગયો. તેણે મંદિરની દીવાલે સફેદ પડદો લગાડ્યો અને સામે બેટરી સંચાલિત પ્રોજેક્ટર ટેબલ પર ગોઠવી દીધું અને બાજુમાં બે મોટા સ્પિકર. વળી વિમા કંપનીની જાહેરાતવાળી પેન પણ તે લાવેલો.

સવારના દસ વાગ્યાથી માણસોનો પ્રવાહ મંદિરે શરુ થયો. તાવા ઉપર પણ મારો ચાલું થયો. આ બાજું દીપકે પ્રોજેક્ટર ઓન કરી કેટલાક હીટ ગીતોની ક્લીપ મૂકી વચ્ચે વચ્ચે વિમાની જાહેરાત શરુ કરી. બાળકોને મજા પડી ગઈ. તાવો , ફ્રી પેન અને વિમાની જાહેરાતને કારણે આઠસો નવા ફોર્મ ભરાયા.

સાંજે બધાં થાકી ગયા હોય બીજા દિવસે મળવાનું નક્કી થયું.

“અંદાજે સતરસો માણસો જમ્યાં.” હસુ-માસ્તરે પોતાનો આંકડો જણાવ્યો.

“ખરચ કેટલો થયો?” સરપંચે પૂછ્યું.

“બત્રીસ હજાર સાતસો પૂરા.” જીતુએ પોતાની ડાયરી ખોલી જણાવ્યું.

“મારા’જ ગયા વખતના અને અત્યારના થઈને કેટલા છે?” સરપંચે પંડીતને પૂછ્યું.

“એ ગયા વખતના પાંચ હજાર, અને તાવા પછી દાન પેટીનું દાન ગણ્યું તો સાત હજાર થયાં. એટલે બાર હજાર છે.” પંડીતે કહ્યું.

“કાકા એમાંથી દસ હજાર જ આપજો. જીતુ પંદર હજાર આપવાનો છે અને બાકીના અમે કાઢી લઈશું.” અરજણે કહ્યું.

“દીપક, શું લાગે છે, કેટલાક લોકો વીમો લેશે. અને આવતાં રવિવારે શું પ્લાન છે?” હસુ માસ્તરે મુખ્ય વિષય આગળ ધર્યો.

“સાહેબ, શુક્રવારે આજુબાજુના ગામમાં એક ગાડી ફરીને માઈકમાં બધાંને રાણપુર આવવાની જાહેરાત કરશે. રવિવારે સવારે અમે પાંચ મિનિ બસ ફેરવતાં રહીશું જેથી લોકો રાણપુર આવી શકે.”

“ઓહોહો, આ તો તે કીધું જ નહીં.” અરજણ તો આશ્ચર્યચકિત થઈ ગયો.

“ભાઈ, કેટલાક કામ અમે અમારી રીતના જ કરી નાખીએ..હા હા હા.” દીપક હસ્યો.

“વાહ વાહ.” હસુ માસ્તર ખુશ થઈ ગયા.

“અને જેમણે ત્યારે ફોર્મ ભરી વીમો લેવો હશે એમના માટે પણ બે ટીમ હશે. એટલે અવ્યવસ્થા નહીં સર્જાય.” દીપક બોલ્યો.

***

વધું આવતા પ્રકરણમાં ~ ગોપાલ ખેતાણી

One thought on “લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૧૧

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s