લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૯

hospital-4918290_1280

પ્રકરણઃ ૯- ‘રાણપુર રિટર્ન્સ’

રવજી અને અરજણ રાણપુર જવા નીકળ્યા. હસુ માસ્તરના ઘરે ગયા અને અરજણે તેમના પગ પકડી લીધા.

“સાહેબ મને માફ કરો. આ મારા જીવનની છેલ્લી ભૂલ છે. તમે કહો એ સજા મને મંજૂર છે.”

“અરજણ તારાથી મને આવી આશા નહોતી.”

“સાહેબ તમે જે સજા આપો તે મંજૂર!”

“તો આ ગામમાં સેવા કર!”

“લ્યો સાય્બ, તમે એની મનની વાત કયરી!” રવજીએ હસુ માસ્તરની પીઠે હળવેથી ટપલી મારતાં કહ્યું.

“સાચું કહેશ અરજણ?”

“હા સાહેબ!”

હસુ માસ્તર ગળગળાં થઈ ગયા.

“સાય્બ, અરજણને શેરનું દવાખાનું કાઢી ઈંયા ગામમાં ટોપનું દવાખાનું કરવું સે. આમેય હાડવૈદ ડાડા ગીયા પસે કોઈ હાડકાં ખોખરા કરવા વાળું ક્યા સે?” રવજીની વાત સાંભળી હસુ માસ્તર ખડખડાટ હસી પડ્યા.

“તો પછી ક્યારથી શુભ કાર્ય શરુ કરવું છે?”

“સાહેબ, જમીનનો મેળ કરાવો તો આવતા અઠવાડિયાથી શરુ કરીએ.”

“હું આજે જ સરપંચ અને તલાટીને વાત કરું.”

“તો સાથે સાથે હજુ એક અરજી કરજો. રાધા કહે છે કે ગામમાં બારમાં ધોરણ સુધી પરમિશન લઈએ. વિજ્ઞાનના વિષય એ ભણાવશે.

“ઓ હો હો, આજે તો તું કેટલી ખુશખબરી સંભળાવીશ. સાચું કહું તો અત્યાર સુધી તારા પર ગુસ્સો હતો. પણ તે રવજી અને જીવલીનું પાણી લજવ્યું નથી. અને તારી રાધાને પણ દાદ દેવી પડે. તને બે – ત્રણ દિવસમાં જાણ કરું. અને બનશે તો ગામ પાસેથી ફાળો પણ ઉઘરાવશું જેથી ક્લીનીક અદ્યતન બને.”

અરજણના હ્રદય પરથી ભાર હળવો થયો.

શુભ મુહૂર્ત જોઈ ‘સમર્પણ આરોગ્ય ધામ’નો પાયો નખાયો. અરજણે શહેરનું ક્લીનીકવાળું મકાન વેચી નાખ્યું અને ગામની આ નાનકડી હોસ્પિટલ જલદીથી તૈયાર થાય એટલે રાધા સંગ રાણપુર આવી ગયો. ગામ લોકોની પણ નાણાકીય અને અન્ય મદદ મળી હોવાથી આઠ મહિનામાં હોસ્પિટલ તૈયાર થઈ ગઈ. જીતુ અને અન્ય મિત્રોએ પણ વારાફરતી અઠવાડીયે એક વાર ‘સમર્પણ’માં ફ્રી સેવા આપવાની જાહેરાત કરી. હસુ માસ્તર સહિત ગામના બધાં લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા.

હોસ્પિટલનું ઉદ્ઘાટન થયા બાદ બીજા દિવસથી જ દર્દીઓનો ધસારો શરુ થઈ ગયો હતો. જો કે તેમાં હાડકાંના દર્દીઓની સંખ્યા ઓછી હતી. અરજણએ જીતુને વાત કરી એક જુનિયર જનરલ સર્જનને નોકરીએ રાખેલો જેથી આજુબાજુના દર્દીઓને અગવડના પડે.

વશરામકાકાને રાણપુર બોલાવી તેમને મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર બેસાડી દીધાં. જો કે આ બધું તૈયાર કરવામાં જ અરજણને દસ લાખનું દેવું થઈ ગયેલું.

રાણપુરના ગામ લોકોએ નક્કી કરેલું કે શ્રાવણ અને આસો મહિનાની મંદિરની દાનની રકમ હોસ્પિટલને આપવી જેથી વધુ સારી સેવાઓ પ્રાપ્ત થઈ શકે. આ નિર્ણય માટે હસુ માસ્તર, પુજારીજી, ચંદુ કાકા અને સરપંચજીએ ખાસ્સી મહેનત કરેલી.હજુ પણ લૅબોરેટરી અને એક્સરે માટે અરજણને શહેર પર જ નિર્ભર રહેવું પડતું.

ગામમાંથી ભણેલા કેટલાક એન્જીનિયરોને હસુ માસ્તરે તાકીદ કરેલી એટલે બધાંએ સિત્તેર હજારનો ફાળો શાળા માટે આપ્યો. તલાટીની ભલામણથી ગામની શાળાને બારમાં ધોરણ સુધીની પરવાનગી મળી ગઈ. રાધા એ દિવસે ખૂબ ખુશ થયેલી. શાળાને રંગરોગાન કરી નવમાં ધોરણનો પ્રવેશોત્સવ ઊજવાયો. રાધાએ બાળકોને શાળાએ ભણાવવાનું શરુ કરી દીધું. રવજી અને જીવલી પોતાના દીકરા-વહુને જોઈને બહુ હરખાતાં.

બાજુના ગામમાં ટેમ્પો અને ટ્રકનો અકસ્માત થતાં ટેમ્પોમાં બેઠેલા મોટા ભાગનાં મુસાફરો ખરાબ રીતે ઘવાયા હતાં. બધાને તાત્કાલીક સમર્પણમાં લઈ આવ્યાં. તેમની એક દિવસ સારવાર કરી શહેર મોકલી આપ્યાં. આ બધાં દર્દીઓ બાજુના ગામનાં જ હતાં. તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી છતાં બધાને સારો એવો ખર્ચો કરવો પડ્યો. આ વાતની જાણ હસુ માસ્તરને પણ થઈ.

અરજણ, હસુ માસ્તર, વશરામકાકા અને રવજી સાથે બેઠેલા.

“સાહેબ, અત્યારે ફક્ત દસ ટકા નફા સાથે આ સમર્પણ હોસ્પિટલ ચાલે છે. અને તમે જાણો છો કે એમાંથી આપણે બધો ખર્ચો કાઢવો કેટલો મુશ્કેલ છે? હોસ્પિટલની લોનનો હપ્તો મારા માટે ભરવો પણ અત્યારે ખૂબ મુશ્કેલી ભર્યો છે. કોઈ દાન કે સહાય ન આવે ત્યાં સુધી કોઈ પણ જાતની કપાત ન થઈ શકે.”

“અરજણની વાત સો ટકા સાચી છે સાહેબ.” વશરામકાકાએ હામી ભરી.

“તારી વાત હું સમજું છું અરજણ, પણ જે ઉદ્દેશ્યથી આપણે આ હોસ્પિટલ શરુ કરી છે તે સાર્થક થવું જોઈએ.” હસુ માસ્તરે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

“સાય્બ વાત હાચી, પણ મારગેય જડવો જોઈએ ને!” રવજીએ પલાંઠી વાળતાં કહ્યું.

“વાત તો મે કરી છે કે ક્યાંકથી થોડું દાન મળે તો… કરીએ કંઈક!” અને બધાં પોતપોતાના ઘર ભણી ચાલ્યા.”

નાણાભીડ વધતાં અરજણે અઠવાડીયામાં બે દિવસ શહેરની હોસ્પિટલમાં જવાનું શરુ કર્યું. જેથી લોનનો હપ્તો ભરી શકાય. અરજણે આ દરમ્યાન ઘણી લૅબોરેટરી સંચાલકો જોડે વાત કરી પણ કોઈ હાથ પકડવા તૈયાર થયું નહીં. જીતુએ પણ પોતાની બધી ઓળખાણ વાપરી પણ કંઈ વળ્યું નહીં. આ દરમ્યાન દીપક અને જીતુ મળ્યા અને એમણે એક વિચાર કર્યો.

“તારી પાસે જગ્યા તો રેડી છે રાઈટ?”

“હા, એ તો મેં પહેલા જ કહ્યું હતું.” અરજણે દીપકને કહ્યું.

“તો મેં અને જીતુએ પાર્ટનરશીપમાં લૅબોરેટરી ખોલવાનું નક્કી કર્યું છે.”

“અરે ગ્રેટ યાર!” અરજણ તો લગભગ ઊછળી પડ્યો.

“પણ જો ભાઈ, ખર્ચા અમારે પણ છે જ, તારા જેટલા રાહતભાવે કામ અમારાથી ન થાય પણ એટલી બાહેંધરી આપીએ કે શહેર કરતાં તારે ત્યાં દર્દીઓને ટેસ્ટનો ખર્ચો ઓછો થશે. મંજૂર હોય તો હા બોલ.”

“હા જ હોય ને ભાઈ!” અરજણને હાશ થઈ.

એક મહિનામાં તો લૅબોરેટરી અને એક્સરે વિભાગ શરુ થઈ જતાં ‘સમર્પણ’ની નામના વધતી ગઈ.

આજુ-બાજુના ગામડાંઓને સમર્પણ નજીક પડતી હોવા છતાં કેટલાય લોકો હજુ શહેરમાં સરકારી હોસ્પિટલમાં ધક્કો પરાણે ખાતાં કારણકે તેમની પાસે પૂરતાં ખનખનીયા નહોતાં. અરજણ, રવજી અને હસુ માસ્તર – ત્રણેયને આ વાત ખટકતી હતી.

આ બાજું અચાનક ચંદુકાકાને હ્રદયરોગનો હુમલો આવ્યો. અરજણ મારતી ગાડીએ શહેર લઈ ગયો. ચંદુકાકાને સ્ટેન્ટ નાખ્યો અને પાંચ દિવસ હોસ્પિટલમાં રાખ્યા. પંદર દિવસ પછી અરજણ અને રવજી ચંદુકાકાને ઘેર ગયા. થોડા ખબર અંતર પૂછ્યાં અને વાતો થઈ.

“બીજું બધું ઠીક રવજી, આ એક હાર્યે હીત્તેર હજારનો ઘાણવો થઈ ગ્યો. ન કરે નારાયણને હવે ઘરમાં કોઈ બીજાને દરદ ઊભું થ્યું તો તો મરી રય હો!” ચંદુકાકાએ રવજીની સામે દિલ ખોલ્યું.

“નોં થાય ચંદુ.. ચિંત્યા છોડ હવે. મારો દ્વારકાધીશ હૌ હારા વાનાં કય્‌રશે.” રવજીએ ધરપત આપી પણ એનેય ખબર હતી કે વાત તો સાચી.

ઘરે પહોંચીને અરજણ વિચારે ચડ્યો. અને અચાનક મગજમાં એક ઝબકારો થયો.

***

વધુ આવતાં પ્રકરણમાં ~ ગોપાલ ખેતાણી

One thought on “લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૯

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s