લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૧૦

people-2608145_1920

પ્રકરણઃ ૧૦- ‘દિલ દોસ્તી એટસેટ્રા’

અરજણે દીપકને ફોન કરી વહેલામાં વહેલી તકે રાણપુર આવવા કહ્યું.

“બોલ ભાઈ, શું ઇમર્જન્સીમાં બોલાવ્યો.” સ્પેશિયલ આદુવાળી ગરમ ચાનો ઘુંટ ભરતાં દીપકે અરજણને પૂછ્યું.

“એક માહિતી જોઈએ છે. ઓછામાં ઓછી રકમનો કુટુંબનો મેડિકલ વીમો લેવો હોય તે વિષેની પુરી માહિતી!”

“ભાઈ આ માહિતી તો તે ફોન પર કે ઇ-મેઈલમાં માંગી હોત તો પણ આપી દેત.”

“દીપક, એ માહિતી જાણ્યા પછી મારે કામ તુરંત આગળ વધારવું છે

“હંઅઅ.. તો એવું છે દોસ્ત કે કુટુંબમાં ચાર વ્યક્તિ હોય તો બે લાખ રૂપિયાના વિમા સામે પ્રીમિયમ લગભગ આઠ હજાર જેવું આવે.”

“તો રાણપુરમાં પાંચસો કુટુંબ છે. તું પ્રીમિયમ કેટલું સસ્તું કરાવી શકે?”

“અઘરો સવાલ કર્યો મોટા.” દીપક મૂંઝવણમાં મુકાયો અરજણના ઉપરા છાપરી આવતાં સવાલોથી.

“તું જરૂરી હોય એટલો સમય લે. અને મને એ કહે કે અહીં જે ઓપરેશનનો ખર્ચો થાય તેના વિમાની પુરેપુરી રકમ દર્દીને મળે કે નહીં?” અરજણે વધુ એક સવાલ છોગામાં ઉમેરી જ દીધો.

 

દીપક અઠવાડીયાની મુદ્દત આપીને ગયો હતો. અરજણને આ અઠવાડિયા દરમ્યાન રોજ અવનવા વિચારો આવતાં. હોસ્પિટલની ઓફીસમાં ખુરશી પર બેઠાં બેઠાં એ વિચારતો હતો ‘ને ત્યાં કોઈએ જોરથી ટપલી મારી.

“તારી જાતના…”

“અલ્યા ગાળ નહીં દેવાની, હું યે ડૉક્ટર છું.”

“શું ટપક્યો?”

“ગુડ ન્યૂઝ બેટા, ગુડ ન્યૂઝ.”

“બક જલ્દી” અરજણ અધીરાઈપૂર્વક બોલ્યો.

“જિતેન્દ્ર પોપટ વેડ્સ રીટા સોમૈયા… જોઈ લે બાપુના ભડાકા!”

“ઓહોહો.. સાંઢ ખીલે ભેરવાયો ખરો!” બોલી અરજણ જીતુને ભેટી પડ્યો.

જીતુના લગ્નની તૈયારીઓમાં મેડિકલ વિમાની વાત વીસરાઈ ગઈ. અરજણ અને દીપક બન્ને જીતુના લગ્નની તૈયારીઓમાં લાગ્યા.

શાનદાર રીતે જીતુના લગ્ન ઊજવાયા. રિસેપ્શનમાં રીટાના પિતા સાથે અરજણ અને દીપકની વાતચીત થઈ. રીટાના પિતાજી ધનંજય સોમૈયા રસોડાના સાધનો એટલે કે કિચન-એપ્લાઈસિન્સના ત્રણ કારખાના ધરાવતાં હતાં. એસીઆઈ ચેરિટી ક્લબના તેઓ વાઈસ પ્રેસિડન્ટ હતાં.

જીતુના લગ્ન પછી અરજણ અને દીપક ફરી મળ્યા.

“ભાઈ, સમર્પણ હોસ્પિટલનું નામ અમે રજિસ્ટર કરાવી નાખ્યું છે એટલે અહીં કેશલેસ વહીવટ થઈ શકશે.”

“ઓહો, દીપક શું વાત છે?”

“અને બીજું એ કે, જો ત્રણસોથી ઉપર વિમા લેવા તૈયાર થાય તો કંપની બાર ટકા જેવી છૂટ આપી સાત હજાર રૂપિયાના પ્રીમિયમમાં જ બે લાખનો મેડિકલ વીમો આપશે.”

“વાહ દીપક વાહ તે તો જમાવટ કરી.” અરજણ ઉત્સાહિત થઈ ગયો.

 

અરજણે આ મેડિકલ વિમાની વાત રવજી અને હસુ માસ્તરને કહી. વિમાની વિગતવાર માહિતી આપી. રવજી તો આ વિમાની માહિતીથી એકદમ ખુશ થઈ ગયો.

“અરજણ, આ વીમો હવથી પેલ્લા ચંદુને લઈ દે!” અરજણ અને હસુ માસ્તર બન્ને હસી પડ્યા.

વાત સાંભળીને હસુ માસ્તર થોડા વિચારમાં પડ્યાં.

“શું થયું સાહેબ?”

“અરજણ, એવું છે કે પાંચસો કુટુંબમાંથી દોઢસોથી ઉપર સાત હજાર રૂપિયા ભરી શકે એમ છે પણ તેઓ આ બાબતમાં રસ દાખવશે કે કેમ? અને બાકીના કુટુંબો માંડ બે – ત્રણ હજાર રૂપિયા કાઢી શકે.”

અરજણ ઘરે પરત ફર્યો. આખી રાત વિચારે ચડ્યો. સવારે તેણે જીતુને ફોન કર્યો. અને મારતી ગાડીએ શહેર પહોંચ્યો. અરજણ અને જીતુ ધનંજય સોમૈયાની ઓફીસ પહોંચ્યા.

“શું વાત છે જિતેન્દ્ર કુમાર. આવો આવો ડો. અરજણ. પ્લીઝ હેવ અ સીટ.” ધનંજયશેઠે ઉષ્મા સભર સ્વાગત કર્યું. થોડી ઔપચારિક વાત પછી જીતુ જ બોલ્યો, “ડેડી, તમને કહ્યું હતું કે મારો મિત્ર રાણપુરમાં સમર્પણ હોસ્પિટલ ચલાવે છે. એકદમ નિઃસ્વાર્થભાવે ત્યાં આસપાસના દર્દીઓને સેવા આપે છે.”

“હા, તમારી લૅબોરેટરી પણ ત્યાં છે, રીટાએ જણાવ્યું હતું.”

“એસીઆઈ કે તમારી મદદની સમર્પણને જરૂર છે. દર્દીઓ હોસ્પિટલનો ખર્ચો, દવાદારૂનો ખર્ચો ભોગવી શકે એ માટે અરજણ અને દીપકે મેડિકલ વિમાની યોજના તૈયાર કરી છે. દીપકે તેની વિમા કંપની પાસે ડિસ્કાઉન્ટ તૈયાર કરાવ્યું છે. એ મુજબ જો ત્રણસો કુટુંબ મેડિકલ વીમો લે તો કંપની તેમને સાત હજાર રૂપિયામાં બે લાખનો મેડિકલ વીમો આપે.”

“અરે વાહ, આ તો ઘણી સારી બાબત છે.”

“ડેડી, પણ મોટા ભાગના કુટુંબોની આર્થિક પરિસ્થિતિ તેટલી પણ સધ્ધર નથી.” જીતુએ મુખ્ય ચિંતા રજૂ કરી.

“હંઅઅ, આજે બુધવાર થયો. શનિવાર અથવા રવિવારે અમારી એસીઆઈની મિટિંગ થશે. હું તમને સોમવારે જણાવીશ. મારાથી શક્ય તેટલી મદદ કરીશ.” બધાં હસતાં વદને છુટા પડ્યાં.

સોમવારે બપોરે જીતુએ અરજણને ફોન કર્યો. બન્ને મિત્રો ધનંજય શેઠની ઓફીસ પર ગયા.

“આવો આવો કુમાર, આવો ડૉક્ટર, બેસો બેસો.”

“કેવી રહી મિટિંગ, ડેડી?” જીતુએ જ વાતનો દોર સંભાળ્યો.

“મિટિંગ સારી રહી. આ વર્ષની રાષ્ટ્રીય સભા અહીં જ યોજાવાની છે, એ અમારા માટે ગૌરવની વાત છે.”

“અરે વાહ વાહ!”

“હવે તમારી વાત કહું તો બધાં આ નેક કામમાં હા પાડી છે. એસીઆઈ, હું અને મારા એક બીજા બે મિત્રો એક કુટુંબ દીઠ ચાર હજાર રૂપિયા આપશે એવું નક્કી કર્યું છે. અને એ પણ નક્કી થયું છે કે સમારંભ એસીઆઈ ચેરિટી ક્લબના નેજા હેઠળ થશે. તમને જો વાંધો હોય તો અત્યારથી જ કહી દેજો.”

“ના, ના, અમને વાંધો નથી, પણ તેમાં દીપકની વિમા કંપની અને સમર્પણ હોસ્પિટલનું નામ આવવું જોઈએ.” અરજણે ત્વરિત જવાબ આપ્યો.

“હા, એ તો આવશે જ. બીજું એ કે એક જ દિવસે આ રજિસ્ટ્રેશન થશે. મતલબ કે એ દિવસ પછી કોઈને વીમો લેવો હશે તો અમારા તરફથી કોઈ સહાય નહીં મળે. અમે લોકો રજિસ્ટર થયેલાં કુટુંબને વીસ વર્ષ સુધી મદદ કરીશું. હાલ એવું નક્કી થયેલું છે.”

“અરે એકદમ સરસ.” જીતુ પણ બોલી ઊઠ્યો.

“તો જો હા હોય તો પછી કાગળ પર આ કામ નક્કી કરીએ. બરોબરને?” ધનંજયશેઠની વેપારી બુદ્ધિ અહીં છતી થતી હતી.

અરજણ એકદમ ખુશ હતો.

દીપકને ફોન કરી અરજણે જરૂરી માહિતી આપી દીધી.  જીતુને જવાબદારી આપી હતી કે એસીઆઈ, ધનંજયશેઠ અને દીપકની વિમા કંપની વચ્ચે જે કંઈ જરૂરી કાગળ પરની કાર્યવાહી કરવાની હોય તે નિભાવે. બધું સમુંસુતરું પાર ઊતરતાં જ રજિસ્ટ્રેશનનો દિવસ એક મહીના પછી નક્કી કરાયો.

***

વધું આવતાં પ્રકરણમાં ~ ગોપાલ ખેતાણી

4 thoughts on “લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૧૦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s