લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૬

pablo-heimplatz-fVL0zZdk-R4-unsplash

PC: Photo by Pablo Heimplatz on Unsplash

પ્રકરણઃ ૬- ‘બોલ રાધા બોલ’

રાણપુરમાં “જય દ્વારકાધીશ” કેબીન જામી ગઈ હતી. રવજી અને જીવલીના ચહેરા પર રંગત આવી ગઈ હતી. નથુ વાણિયાને દોઢ લાખ રૂપિયા પહેલા જ વર્ષે ચૂકવી દીધાં. અરજણે માબાપને શહેરમાં આવવા કહ્યું પણ રવજી અને જીવલીની ઇચ્છા હજુ રાણપુરમાં રહેવાની જ હતી. હવે તો ગામમાં માન – મરતબો વધી ગયો હતો. રવજીમાંથી રવજીભાઈ અને જીવલીમાંથી જીવીબુન થઈ ગયા હતાં. ગામના દરેક પ્રસંગમાં રવજીના ઘરે આમંત્રણ જતું જ. વર્ષોની મહેનત હવે ફળી હોય તેવું બન્નેને લાગતું હતું. બન્ને હવે જીવનને માણવા લાગ્યા હતાં. અરજણ છેલ્લે જ્યારે આવ્યો ત્યારે પોર્ટેબલ ટીવી, ટેબલ ફેન અને એક સોલાર લાઈટ લઈ આવેલો. પોતે જ વ્યવસ્થીત રીતે કેબીનમાં ત્રણેય વસ્તુ ફીટ કરાવી હતી. રવજી તો પોર્ટેબલ ટીવી આવી જતાં લગભગ આખો દિવસ કેબીન પર રહેતો. સાંજે સાત વાગ્યે કેબીન બંધ કરી બન્ને માણસ , રવજી અને જીવલી શિવ-મંદિરે જતાં. આરતી કરી થોડી વાર ભજન મંડળનો લાભ લઈ ‘સિનિયર સિટીઝન્સ’ પાસેથી અલકમલકની વાતો સાંભળી ઘેર પાછા આવતાં.

આ બાજુ દીપક ફરી શહેરમાં આવ્યો. અરજણે ખાસ તેને એકલો મળવા બોલાવ્યો.

“હાય દીપક? શું હાલચાલ?”

“મોજમાં હો. તું બહુ ખુશ દેખાય છે ને?” દીપકે આંખો નચાવતાં પૂછ્યું.

“અરે એમ જ! શું કરે છે ભાભી?”

“એ બધું છોડ. મુદ્દાની વાત કર.” દીપક અરજણની પટ્ટી ઉતારવાનાં મુડ સાથે જ આવ્યો હતો.

“એવું છે કે..”

“કેવું છે અરજણ?”

“મને..”

“હા તને..”

“અલ્યા બોલવા દે ને ભઈ.” અરજણને જોઈ દીપક હસવા લાગ્યો.

“અલ્યા કહી દેને કે તને રાધા ગમે છે. ધેટ્સ ઓલ.” દીપકની વાત સાંભળતા અરજણ જરા શરમાઈ ગયો.

“હા..એ જ.” કહી અરજણ હસ્યો.

“રાધાને પણ તું ગમે છે. રાધાએ મને કહેલું. હવે બોલ, ક્યારે મુહૂર્ત ગોઠવવાનું છે?”

“યાર, બા-બાપુને કેમનું કહેવું રાધા વિષે એ મોટી સમસ્યા છે. એટલા માટે તને બોલાવ્યો.” અરજણ ચિંતાતુર અવાજે બોલ્યો.

“હંઅઅ.. કંઈક રસ્તો કાઢવો પડશે. વશરામકાકાને કહીને રવજી અંકલ પાસે વાત કરાવીએ તો?” દીપક જાણે ઉકેલ મળી ગયો હોય તેમ આનંદિત થઈ ઊઠ્યો.

“વિચાર સારો છે પણ બાપુને એમ થાય કે ગામ આખાને ખબર છે અને એમને ખબર નથી. પાછું હું સીધી એમની જોડે વાત ના કરતાં વશરામકાકા જોડે વાત કરાવું એ પણ યોગ્ય નહીં લાગતું.” અરજણે દીપકના વિચાર પર પાણી ફેરવ્યું. થોડી વાર કોલ્ડકોફીના સબડકા ભર્યા બાદ ફરી એકવાર દીપક મુડમાં આવ્યો.

“જો બે મહીના પછી એટલે નવેમ્બરમાં મારા લગ્ન છે.”

“હા ખબર છે, મુંબઈમાં જ છે ‘ને હું આવીશ પણ ખરો. પરંતુ અત્યારે આ પ્રૉબ્લેમ..”

“શાંત ગદાધારી ભિમ શાંત. આપણે બે કાલે રાણપુર જઈએ.”

“એ ભાઈ, તારે વાત નથી કરવી.” અરજણ ઉશ્કેરાઈ ગયો.

“અરે હું રાધાની વાત કરવા નહીં, મારા લગ્નનું આમંત્રણ આપવા જઈશ. તેમને દુરાગ્રહ કરીશ કે જેથી તેઓ મુંબઈ આવે.”

“હં..પછી?”

“અરે બળદીયા.. તું ડોક્ટર કેમનો થયો? ત્યાં જઈને એકવાર હું રાધાની ઓળખાણ રવજી અંકલ અને આંટી જોડે કરાવીશ. એના પછી તો ભાઈ તારે જ બાહુબલી બનવું પડશે, જો દેવસેનાને મેળવવી હોય તો!”

“ઓ.કે. ગ્રેટ આઈડ્યા કટપ્પા!” અને બન્ને મિત્રો હસી પડ્યા.

 

“આવ ભાઈ દીપક, તું તો ઝાઝા ટાઈમે દેખાણો ભઈલા!” રવજીએ દીપકને આશીર્વાદ આપતાં કહ્યું.

“બાપુ, ઈયે એટલે દેખાણો કેમકે ભાઈના લગન છે.” ‘ને દીપકે અરજણને ઠોંસો માર્યો.

દીપકે જીવલીને કંકોતરી આપી. ખાસ આગ્રહ કર્યો. રવજીએ ટિકિટ બુક કરાવવાનું ત્યારે જ અરજણને કહી દીધું. દીપક રાત અરજણના ઘરે જ રોકાયો. બન્ને મિત્રો સવારે શહેર રવાના થયા.

 

બોરીવલીમાં એક હોટેલ ભાડે રાખી દીપકે પોતાના ઘરનાં સભ્યો સહિત બધાંને ત્યાં જ ઉતારો આપ્યો હતો. અરજણ ટેક્ષીમાં રવજી અને જીવલીને લઈ આવ્યો. મુંબઈ જોઈને બન્ને આભા જ થઈ ગયા હતાં. થોડો ક્ષોભ પણ થતો હતો. પણ અરજણે આડી અવળી વાતો કરી તેમને થોડા સામાન્ય મનોસ્થીતીમાં લાવી દીધાં. મુંબઈ લાવતા પહેલા અરજણ ખુદ બન્નેને લઈ શહેરમાં ખરીદી કરી આવ્યો હતો. હોટેલમાં આવ્યા બાદ બધા હોલમાં એકઠા થયા હતાં. સાંજીના ગીત ગવાતા હતાં. સ્ટાર્ટર્સ અને સોફ્ટ ડ્રીંક્સ જ્યુસ સાથે લોકો અલક મલકની વાતો કરતાં હતાં. અરજણ પોતાના બાપુ અને બાની જોડે બેઠો હતો. ત્યાં જ દીપક આવ્યો અને તેની પાછળ જ રાધા આવી. સોનેરી બોર્ડરવાળી જાંબલી સાડીમાં રાધા અપ્સરા કરતાં જરાયે ઓછી નહોતી દેખાતી. અરજણ તો આભો જ રહી ગયો. દીપક રવજી અને જીવલીને પગે લાગી રાધા જોડે ઓળખાણ કરાવી. રાધા પણ જીવલીને પગે લાગી. જીવલીની આંખમાં કંઈક અલગ જ ચમક હતી. રાધા જીવલીને લઈને મહિલા વૃંદમાં ગઈ. દીપકે લુચ્ચાઈ ભર્યું સ્મિત અરજણ સામે રેલાવ્યું. રવજી આ બન્ને ભાઈબંધોની નજરોને માપતાં હતાં.

“બા, આ રાધા કેવી લાગી તને?”

“હારી સોરી સે.” જીવલીએ અરજણની સામે જોયા વિના જ કહ્યું.

બીજા દિવસે અરજણએ કાર બુક કરી. રવજી અને જીવલીને સિદ્ધી-વિનાયક અને મહાલક્ષ્મી મંદિરના દર્શન કરાવવા લઈ ગયો. સાંજે ગરબાનો કાર્યક્રમ હતો. બ્લ્યુ ચણિયા ચોળીમાં રાધા આજે પણ દીપી ઊઠી. બે તાલીથી ગરબા શરુ થયા ત્યારે રાધા જીવલીની જોડે જ હતી. પછી તો દીપક, મોના, રાધા, અરજણ, જીતુ અને ખાસ મનાવીને આવેલી રીતુ  એ બધાંજ દોઢીયા અને મધુબંસીમાં મન મૂકીને ઝૂમ્યા. છોકરાઓ જ્યારે ડીજે પર ભાંગડા કરવા લાગ્યા ત્યારે રાધા અને રીતુ જીવલી પાસે આવીને બેસી ગયા.

“રાધા સરસ નાચે છે નહી?”

“હા, તનેય હારુ નસવતી’તી.” ને અરજણ ઝંખવાઈ ગયો.

બીજા દિવસે રંગે ચંગે લગ્ન સંપન્ન થયાં. અરજણને પાંચ દિવસની રજા મળી હોય નીકળી જવું જરૂરી હતું. છેલ્લે જીવલીએ જતાં જતાં રાધાને કહ્યું કે સમય મળ્યે એક વાર રાણપુર આવે.

ટ્રેનમાં શહેર જતી વખતે અરજણ ચુપચાપ ખોવાયેલો રહ્યો. શહેર પહોંચીને જ્યારે રવજી અને જીવલીને રાણપુરની બસમાં બેસાડવાં ગયો ત્યારે જીવલીએ કહ્યું “હવે બહુ વિચારે ચય્ડમાં, મને અને તારા બાપુને તો રાધા ગમે સે. પણ અમને ઈ ખબર નથ્ય કે ઈ રુપ રુપના અંબાર જેવી સોરી તારામાં હું ભાળી ગઈ?” ‘ને ત્રણેય હસી પડ્યાં.

***

વધુ આવતાં પ્રકરણમાં ~ ગોપાલ ખેતાણી.

3 thoughts on “લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૬

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s