લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૫

wb8

PC :https://www.indianweddingsite.com/wedding-ideas/iws-blog/2012/09/26/all-white-outdoor-indian-engagement-party—2

પ્રકરણઃ ૫- ‘દીપકની સગાઈ’

અરજણે એમ.ડી.માં પ્રવેશ મેળવી લીધો. સરકારી હોસ્પિટલમાં ફિક્સ પગારની નોકરી અને સાથે સાથે ઓર્થોપેડીક સર્જનનું ભણતર. અરજણનું હવે અર્જુન લક્ષ્ય હતું સારા માર્ક્સ સાથે ઓર્થોપેડીક સર્જન બની બાપાનું દેણું ભરી દેવું. અરજણ માટે હાલ તો દિવસ-રાત એક થઈ ગયા હતાં. વર્ષમાં ત્રણ વાર જ ગામડે જવાનો અરજણનો નિર્ણય રવજી અને જીવલી માટે કઠોર તો હતો પણ તેના સિવાય છૂટકો નહોતો.

મહેનત કદી એળે જતી નથી. અરજણ ડીસ્ટીંક્શન સાથે એમ.ડી., ઉત્તીર્ણ થયો.

હસુ માસ્તરે ફરી ગામ આખામાં ઢંઢેરો પિટ્યો હતો કે અરજણ હવે હાડકાનો દાક્તર બની ગયો. ફરી હસુ માસ્તરે શાળામાં સન્માન સમારંભ રાખેલો. આ વખતે તો ગામના બે છોકરાં અને એક છોકરી એંજીનિયર પણ થયેલા હતા તો તેમનું સન્માન પણ સાથે રાખેલું.

“એલા, હવે કંઈ થોથા ચુથવાના હોય તો બોલી દે?” અરજણને વિચારમાં જોઇ ગભરાયેલો રવજી બોલ્યો.

“હા હા હા, તમેય શું બાપા!” અરજણ હસ્યો ‘ને સાથે જીવલી પણ.

“તો હું વિચારે ચડેલો?”

“ઈ જ કે ચાર લાખ ભેગા થાતા થોડી વાર લાગશે.”

“તો આપણે ક્યા આગ લાગી છે કે હાલ ને હાલ કૂવો ખોદવો પડે. ‘ને આમેય ઓલા નથુ વાણિયાને ખબર છે કે તું દાક્તર બની ગ્યો છો તો એને હૈયેય ધરપત છે.” રવજી અરજણને ધબ્બો મારતાં કહ્યું.

 

અરજણને શહેરની જાણીતી મલ્ટીસ્પેશ્યીલાટી હોસ્પિટલમાં નોકરી મળી ગઈ. નોકરી મળતાં જ અરજણે રવજી અને જીવલીને કોઈ પણ જાતની મજૂરી કરવાની ના પાડી દીધી અને જ્યાં સુધી પહેલો પગાર ન આવે ત્યાં સુધી રાહ જોવા કહ્યું.

પહેલો પગાર આવતાં જ ત્રણેય દ્વારકા દર્શન માટે ગયાં.

“હે ધોળી ધજાના ધણી, મારા દીકરાને નીતિપૂર્વકની કમાણી કરવાની સદ્બુધ્ધી આપજે!” કહી જીવલી નમી. બાજુની પુરુષોની લાઈનમાં ઉભા અરજણના કાનમાં આ શબ્દો ગુંજ્યા. એ ફરીવાર દ્વારકાધીશને નમ્યો.

 

“જુઓ બાપા, આપણે હવે કંઈ કરવું નથી.”

“ભાઈ, એમ ફાવે નહીં.. અને હજી તું યે શાહુકાર થ્યો નથી.. હી હી હી!” રવજી હસ્યો.

“તો એક કામ કરીએ.”

“બોલ”

“ખડકી આગળ એક કેબીન નાખો. ચોકલેટ, બીસ્કીટ, નાસ્તાના પેકેટ અને સ્ટેશનરી રાખો, જાજું રોકાણ નથી. આ લ્યો વીસ હજાર. ના બોલતાં જ નહીં.”

રવજી વિચારે ચડ્યો. “અરજણની વાતમાંયે દમ હતો.”

આ બાજું અરજણ શહેર પહોંચ્યો અને અહીંયા રાણપુરમાં “જય દ્વારકાધીશ” કેબીનનું ઉદ્ઘાટન થયું.

 

“અલ્યા દીપક .. ક્યારે આવ્યો? ઓકે.. સુપર.. જીતુને ફોન કરીને એનેય બોલાવું.” અરજણ ઉત્સાહિત હતો કે તેનો ખાસ મિત્ર દીપક પૂનાથી આવ્યો હતો. જીતુ પણ શહેરમાં જ હતો. આજે ત્રણેય ભાઈબંધ મળીને ગપાટા મારશે, એ વિચારથી હરખાયો.

 

ત્રણેય મિત્રો સાંજે રેસ્ટોરન્ટમાં મળ્યા. એકબીજાને ભેટીને ખૂબ ખુશ થયા.

“આજની પાર્ટી મારા તરફથી!” દીપક ખુશ થતો બોલ્યો.

“હું તો આમેય નહોતો કાઢવાનો..હી હી હી” જીતુએ અરજણને આંખ મારતાં કહ્યું. ત્રણેય હસી પડ્યા.

“હવે અમે નહીં પૂછીએ તો તને પેટમાં દુખશે એટલે કારણ કહી દે, અને એ પહેલા કહે તો ખરે અત્યારે કઈ કંપનીમાં છે?” અરજણે દીપકને પૂછ્યું.

“અત્યારે સુપર ગોલ્ડ હેલ્થ ઈન્સ્યોરન્સમાં ચીફ માર્કેટિંગ ઓફીસર છું. વેસ્ટ ઈન્ડીયા ઝોનની જવાબદારી મારા પર છે. કેટલીક સારી હોસ્પિટલ જોડે જ હાલ તો ટાઈ-અપ કરવા ગુજરાત આવ્યો છું. અને ખુશ ખબરી એ કે આ સાંઢ હવે ખીલે ભરાવાના છે.”

“અલ્યા શું વાત છે? કોણ ભટકાઈ?” જીતુએ ધબો મારતાં દીપકને પૂછ્યું.

“મોના નામ છે. મારી જોડે જ સર્વિસ કરે છે. બન્નેના ઘરવાળા માની ગયા એટલે આપણે નિરાંત!” દીપકે કોલ્ડ કોફીની ચુસ્કી લેતાં કહ્યું.

“ભાઈ ભાઈ જમાવટ!” જીતુ ઉત્સાહથી છલકાતો હતો.

“આવતાં મહીને સગાઈ છે. એટલે તમારે બન્નેએ મુંબઈ આવવાનું છે. બાય ધ વે તમારા લોકોનું કંઈ ગોઠવાયું કે હજુ પણ હરાયા ઢોરની જેમ રખડો છો?” દીપકે આંખો નચાવતાં પૂછ્યું.

“હું તો હજુ હરાયો ઢોર છું. આ સાંઢની ટ્રાય ચાલું છે જોઈએ ક્યા દિવસે શુભ સમાચાર આપે છે?” અરજણ હસતાં હસતાં બોલ્યો.

“કોણ અલ્યા?” દીપકે જીતુને ધબ્બો માર્યો.

“આપણી જોડે બાયોલોજીમાં આવતી, પેલી..”

“રીતુઉઉઉ?” દીપકના મોમાંથી કોલ્ડ કોફી ઓલમોસ્ટ બહાર આવી ગઈ હતી.

અરજણ હસ્યો.

“ભાઈ નજર ના બગાડીશ. તારી સગાઈ થવાનીને? બસ થોડો સમય .. અને તમને જિતેન્દ્ર પોપટ વેડ્સ રીટા સોમૈયાની કંકોતરી મળશે!”

“પોપટ ના થાય એનું ધ્યાન રાખજે.” દીપક ફરી હસ્યો અને અરજણને તાલી મારી.

“પોપટની મેના થશે.” જીતુએ કોલર ઊંચા કર્યા.

“અને તારું?” દીપકે પૂછ્યું.

“આપણે ભઈ એમ.ડી.ની તૈયારીમાં છીએ. અને છોકરી બા-બાપુ ગોતી કાઢશે.” અરજણ બોલ્યો.

“પણ તને ગમી તો.. અથવા તો કોઈ તને ગમ્યું તો ?”

“તો … જોયું જાશે ભાઈ. અત્યારથી ડરાવીશ નહીં.” અને ત્રણેય હસી પડ્યાં.

જીતુ અને અરજણ મુંબઈ પહોંચ્યા. દીપકના નજીકના સંબંધીઓ જ આવેલા. જીતુ અને અરજણની ઓળખાણ દીપકએ બધા જોડે કરાવી. દીપકની એક કઝીન રાધા પણ આવી હતી. કમર સુધી લાંબા વાળ ધરાવતી, બેંગોલી સાડી પહેરેલી અને હળવો મેકઅપ કરેલી રાધાને અરજણ થોડી વાર તો તાકી રહ્યો. જીતુનું ધ્યાન તો અરજણ પર હતું જ. અદબ વાળેલા હાથને અરજણની કમર જોડે લઈ જઈ ચિટીયો ભર્યો એટલે અરજણભાઈ વર્તમાનમાં આવ્યા. પ્રસંગ બીજે દિવસે હતો એટલે અરજણે દીપકને પૂછ્યું “ભાઈ જો કામ ન હોય તો હું અને જીતુ ચોપાટી જતા આવીએ.”

“અરે હા, હું તો તમને કહેતાં જ ભૂલી ગયો. ભાઈ જતાં આવો, ફરતાં આવો. અહીંયા કશું કામ નથી. મારે ફક્ત હાજર રહેવું પડે એમ છે નહીં તો હું પણ આવત.”

“તો રાત્રે મળીયે દોસ્ત.” કહી અરજણ ઊભો થવા ગયો.

“દીપક, આ તમારા દોસ્ત મને સાથે ન લઈ જાય.” રણકતો અવાજ સંભળાયો.

અરજણે પાછળ ફરી જોયું તો રાધા ઊભેલી.

“ઓહ યેસ રાધા, કેમ નહીં. અરજણ આ રાધાને પણ સાથે લઈ જા ને, આ બધાં વડીલો સાથે આ બિચારી બોર થતી હશે.” દીપકે અરજણને કહ્યું.

અરજણના મનમાં તો ગલગલીયા થવા લાગ્યા. ના પાડવાનો તો સવાલ જ નહોતો. જીતુ આ વાત જાણીને મોજમાં આવી ગયો. ત્રણેય પહેલાં ગેટ વે ઑફ ઈન્ડીયા ગયા. ત્યાંથી મરીનડ્રાઈવ પર સમય વિતાવી ચોપાટી પર ભેળની મજા લૂંટી ફરી ઘર તરફ પાછાં ફર્યા. રાધા હસમુખી અને બોલકી હતી. અરજણ કરતાં જીતુને વધુ આશ્ચર્ય એ વાતનું હતું કે ત્રણેય એક જ શહેરમાં રહેતાં હોવા છતાં હજુ સુધી રાધાને કેમ નહોતી જોઈ? અરજણે સ્વાભાવીક રીતે તેની કારકિર્દી વિશે પૂછ્યું હતું. રાધા સાયન્સ કૉલેજમાં લેક્ચરર તરીકે બે વર્ષથી નોકરી કરી રહી હતી. ઉપરાંત ઘરે ટ્યૂશન પણ કરાવતી હતી. અરજણ પોતાના સપનાંઓને ઘાટ આપવા લાગ્યો. રંગે ચંગે દીપક અને મોનાની સગાઈ ઊજવાઈ. અરજણને લાગ્યું કે જો દીપકની સગાઈમાં ન ગયો હોત તો તે જિંદગીની બહુ મોટી ભૂલ હોત. મુંબઈથી પરત આવ્યાં બાદ અરજણ અને રાધા વચ્ચે ફોન પર મૅસેજ શરુ થઈ ગયા હતાં.

***

વધું આવતાં પ્રકરણમાં ~ ગોપાલ ખેતાણી

One thought on “લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s