લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૪

medical college

પ્રકરણઃ ૪- ‘કૉલેજના દ્વારે’

હસુ માસ્તરને સાથે રાખીને અરજણે શહેરની મેડિકલ કૉલેજમાં નામ નોંધાવ્યું.

“અંગ્રેજી તો જાન લઈ લેશે.” અરજણ માથે હાથ દઈને બેઠો.

“અલ્યા શું થયું.” અરજણનો સ્કૂલમિત્ર પણ હવે મેડિકલમાં સાથે રહેનાર જીતુ અરજણને પૂછી બેઠો.

“જીતુ, એક શબ્દમાં ટપો ના પડ્યો.”

“તો અહીંયાએ કોને પડ્યો છે. મને તો ઊંઘ આવતી હતી. પણ આગળ રીતુ બેઠેલી એટલે મારો ટાઈમ-પાસ થઈ ગયો.” બોલી જીતુએ આંખ મારી અને ખડખડાટ હસ્યો. પણ અરજણ મૂંઝાયેલો હતો.

“હાય ડ્યુડ, વોટ્સ ધ પ્લાન ફોર વિકેન્ડ્સ.. લેટ્સ ગો ફોર કેફેચીનો.. હેવ યુ સીન મિશન ઈમ્પોસીબલ?”

રીટાનો મધુર અવાજ જીતુ અને અરજણના કાને પડ્યો, પણ બન્નેને ખાસ સમજાયું નહીં. કારણકે ચટર-પટર અંગ્રેજી બોલતી રીટાએ અમેરિકન એસ્સેન્ટ વાપર્યું અને જીન્સ-ટોપમાં સજ્જ રીટાને જોવી કે સાંભળવી એ નક્કી નહોતું થયું. માટે બન્નેએ કાનને વિરામ આપી આંખો પાસેથી જ કામ લીધું.

જીતુના ખેપાની ભેજામાં સળવળાટ થયો.

“અંગ્રેજીના ક્લાસ જોઈન કર્યે, અરજણ.”

અરજણે વિચાર વધાવી લીધો પણ..”અલ્યા, પૈસા નથી.”

“એ તું મારા પર છોડને.. સસ્તામાં સસ્તી જગ્યાએ જશુ.”

“ઓકે. બાકી આ મેડિકલ ક્લિયર નહીં થાય.”

“‘ને રીતુડી હાથમાંથી જતી રહેશે.” જીતુ પાછો હસ્યો.

અરજણ હજુ વશરામકાકા જોડે જ રહેતો હતો. અંગ્રેજી શીખવાની ફી ભરવા તેણે છાપા નાખવાનું શરુ કરેલુ.

થોડું અંગ્રેજીના વર્ગથી, થોડું રોજ કૉલેજમાં અંગ્રેજી કાને અથડાવાથી અને થોડા આત્મવિશ્વાસથી અરજણને અને જીતુને ખાસ વાંધો નહોતો આવતો. વળી વશરામભાઈએ પોતાના પટારામાંથી અંગ્રેજી વ્યાકરણ અને શબ્દકોષના પુસ્તક અરજણને આપ્યા તેનાથી પણ ફાયદો થયો.

પહેલાં વર્ષમાં અરજણ અને જીતુ કશું ખાસ ઉકાળી શક્યા નહીં.

આ બાજુ ગામમાં જીવલી અને રવજી બન્ને સુકાતા ચાલ્યા. હવે એમને આ સમય બહુ આકરો લાગતો. રવજીની તબિયત પણ ઘણીવાર નાદુરસ્ત રહેતી. પણ ચંદુ અને હસુ માસ્તરના શબ્દો બન્નેને ઉત્સાહિત રાખતા.

સમયના વહાણ તીવ્ર ગતિએ ચાલ્યાં. અરજણ અને જીતુની મૈત્રીએ એકબીજાનો રંગ રાખ્યો, તો વશરામભાઈ પણ એક વાલીની ફરજ ઉત્તમ રીતે બજાવતાં હતાં. સાડા ચાર વર્ષ બાદ બન્ને મિત્રો ફર્સ્ટક્લાસ પાસ થઈ ગયા. ઈન્ટર્નશિપ પણ ત્યાં જ કરવાની આવી હતી. રવજીનું દેણું ચાર લાખ જેવું થઈ ગયેલું. પણ ઈન્ટર્નશીપ ચાલું થઈ જતાં તેને પણ હિંમત આવી હતી. સ્ટાઈપન્ડ મળતું હોય થોડી આશા રવજી અને જીવલીને બંધાઈ. રજામાં અરજણ ઘરે આવતા તેને એક દુઃખદ સમાચાર મળ્યા. હાડવૈદ દાદા હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા. ઈશ્વરની લીલા અકળ છે.

એક વર્ષના અંતે ઈન્ટર્નશીપ પુરી થતાં જ પદવીદાન સમારોહ યોજાયો. અરજણે રવજીને સફારી શુટ અને જીવલીને બાંધણી લઈ આપેલી. અને હસુ માસ્તરને તેમનો ફેવરીટ કલર દુધીયા રંગનો શર્ટ લઈ આપેલો. પદવીદાન સમારંભમાં અરજણ ત્રણેયને લઈ ગયેલો. કુલપતિના હસ્તે સર્ટીફીકેટ મળ્યું ત્યારે રવજી અને જીવલી હરખભેર ઉભા થઈ તાળીઓ પાડવા લાગેલા. કેટલીયે છોકરીઓએ પણ અરજણને હાથ મિલાવી શુભેચ્છાઓ આપી ત્યારે જીવલીની આંખો ચાર થઈ ગયેલી. રવજી અને હસુ માસ્તર મરક મરક હસતાં હતાં. હસુ માસ્તરે તો લાગ જોઈને જીવલીને પૂછયું “આ બધીયે દાક્તર જ છે. માગું નાખવું છે?” જીવલી આ સવાલ સાંભળીને પહેલા હતપ્રભ થઈ ગઈ. અને પછી ત્રણેય હસી પડ્યાં.

ચારેય ગામડે પરત ફર્યા.બીજા દિવસે હસુ માસ્તરે સ્કૂલમાં અરજણનો સન્માન સમારંભ રાખેલો. ગામલોકો આજે ખેતમજૂર રવજી અને જીવલીને કંઈક અલગ જ સન્માનભરી નજરે જોઈ રહ્યાં હતાં. રવજી અને જીવલીએ આજે પણ એ જ નવાં કપડાં પહેર્યા હતાં. અને ગામલોકો તેમના આ ભભકાથી અંજાઈ ગયા હતાં. જીવલી આજે બધાંની નજરોમાં અરજણ પ્રત્યેનું અભિમાન જોઈ ગર્વ અનુભવતી હતી. ચંદુને રવજીના નિર્ણય પર ગર્વ હતો. કાલનો અરજણ આજ થી ગામનો ડૉક્ટર સાય્બ બની ગયો હતો. ઘણા તો એવા આસમાની વિચારે ચડી ગયા હતાં કે ગામની હવે શકલ ફેરવાઈ જશે. હસુ માસ્તરે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું. ગામના છોકરા-છોકરીઓને અરજણની જેમ મહેનત કરવાની સલાહ આપી. સરપંચના હસ્તે  અરજણનું સન્માન કરાયું. અરજણ જ્યારે સરપંચને પગે લાગ્યો ત્યારે કેટલાયના મોઢામાંથી નીકળ્યું કે જીવલી ‘ને રવજીએ અરજણમાં સંસ્કારનું સિંચન ઉત્તમ રીતે કર્યું છે. રવજીએ ગામલોકોને ચા – ગાંઠિયાની મિજબાની આપી હતી. ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો.

 

“વાહ મારા દાકતર દીકરા, તે કુળ તાર્યું.” રવજીએ ઘરમાં અરજણને બાથમાં લેતા કહ્યું.

“બાપા, તમારી અને બાની મહેનતને લીધે આવું થયું. બાકી જો તમે દેણા કરીને ભણાવ્યો ન હોત તો થોડું મારાથી ડૉક્ટરી ભણાત?”

“તો અરજણ હવે આગળ?”

“આગળ…” અરજણ અટક્યો.

“બોલ દીકરા ખચકાઈશ નહીં.” રવજી બોલ્યો.

“બાપા, મારે હજુ થોડું ભણવું છે.”

“હેંએએ?” રવજી અને જીવલીના મોં ખુલ્લા રહી ગયા.

“પૈસાની ચિંતા ના કરો. નોકરી કરતાં કરતાં ભણાશે પણ પગાર એવો બધો નહીં આવે. પણ ભણવું જરૂરી લાગે છે.”

ફડક ઓછી થઈ એટલે જીવલીએ પૂછ્યું. “પણ આગળ શેનું ભણવાનું અરજણ?”

“બા, મારે હાડકાનો ડૉક્ટર બનવું છે. હાડકાનો સ્પેશિયાલીસ્ટ!” અરજણની આંખોમાં ચમક હતી. જાણે એ હાડવૈદ દાદાને નજરે નિહાળતો હોય.

“કેટલા વરહ ભણવું પડે?” રવજી હજુ ચિંતાગ્રસ્ત હતો.

“બાપા, ત્રણ વર્ષ તો નીકળી જશે.”

“એલા, તો લગન કે’દિ કરીશ? પૈસા કે’દિ ભેગા થાહે? દેણું કે’દિ ચુકાહે?”

“બાપા, આટલી ધીરજ ધરી તો થોડીક વધુ નહીં ધરો?”

“જેવી ધોળી ધજાના ધણીની ઇચ્છા!” રવજી હજુ સંશયમાં હતો.

“તમે હમજો, અરજણે કેટલી મહેનત કરી છે. તે હવે આમ એળે જવા દેવાય. આટલા વરહ નીકળી ગ્યા તે આય નીકળી જાહે. તમ તમારે ચિંતા છોડી દ્યો.” જીવલીએ ખાટલા પર સૂતેલા રવજીને હિંમત આપી.

***

વધુ આવતાં પ્રકરણમાં. ~ ગોપાલ ખેતાણી (પ્રતિભાવ આપજો હોં કે!)

7 thoughts on “લઘુનવલ – નવોદય ~ પ્રકરણ – ૪

  1. સરસ ચાલે છે નવલિકા. ભાષા, સંવાદો અને પાત્રો વાસ્તવિક લાગે છે. હવે પછીના પ્રકરણમાં કેવો વળાંક આવશે એ વિચારે તેમાં રસ જળવાય છે…અભિનંદન અને આભાર.

    Like

  2. જેમ જેમ વંચાતું જાય છે રસ વધતો જાય છે..
    ગામડાની ભાષાની પક્કડ સારી છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s