Photo by Charu Chaturvedi on Unsplash
પ્રસ્તાવનાઃ
મહાભારતમાં ઉદ્યોગપર્વ સર્વોત્તમ ગણાય છે કારણ કે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહેલ વચનો ઉદ્યોગપર્વ અંતર્ગત ‘પ્રજાગરપર્વ’માં આવેલ છે. તેથી જ મહાભારતમાં ‘ઉદ્યોગપર્વ એ સાર છે’ તેમ પંડિતો કહે છે. વિદુરે ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ વચનો કહ્યાં તે ‘વિદુરનીતિ’ એવા નામથી જગતમાં પ્રસિદ્ધ છે. મહાત્મા વિદુરજીએ જે નીતિ વિષે સમજાવ્યું તે આજે પણ પ્રાસંગિક છે.
નેક્ષસ વાર્તા સ્પર્ધા અંતર્ગત ‘નેક્ષસ પ્લેટિનમ’ સ્પર્ધા યોજાયેલી જેમાં લઘુનવલ લખવાની હતી. પણ તેમાં થીમ આપેલી હતી ‘વિદુરનીતિ’. મેં લખેલી લઘુનવલ ‘નવોદય’ આપની સમક્ષ રજુ કરી રહ્યો છું. આજથી દરરોજ એક પ્રકરણ અહીં મારા બ્લોગ પર મુકાશે. કુલ ૧૪ પ્રકરણ છે. આશા છે આપને આનંદ આવશે. આ પોસ્ટ અને બ્લોગ આપના મિત્રો જોડે વહેંચશો તેવી આશા છે. અને આપના પ્રતિભાવોનું પણ હાર્દિક સ્વાગત છે.
મેં પસંદ કરેલી ‘વિદુરનીતી’ :
“ધર્મનું આચરણ કરી નીતિપૂર્વક કમાણી કરવી એ પણ પરમસિદ્ધિ છે.”
પહેલું પ્રકરણ ખૂબ નાનું છે. કાલ સવારથી બાકીના પ્રકરણ દરરોજ અહીં પ્રકાશિત થતાં રહેશે.
પ્રકરણઃ ૧- ‘રાણપુર’
ઉનાળો પુરબહારમાં ખીલ્યો હતો. સૂર્યનારાયણ દેવ જાણે તેજોવધ કરવાના હોય એમ ધરતી પર ઉર્જાસ્ત્રનો મારો ચલાવી રહ્યા હતાં. ભર બપોરે રાણપુરની સીમથી પાંચેક કિ.મી. દૂર “ભટ ભટ ભટ” કરતું મોટર-સાઇકલ સૂના વાતાવરણને જગાડી રહ્યું હતું. અવાજ ગમ્યો નહીં કે તેમાં ફેરફાર કરવાના આશયથી અચાનક એક રોઝડું આવ્યું ‘ને મોટર સાઇકલ પડ્યું એક બાજું.
“અલ્યા રવજી, હાંકતા ના આવડતું હોય તો હું કરવા કોઈનું મોટરસાઈકલ લઈ જાહતો હઈશ.. હંઅઅ! ને આવડા નાના ટેણીયાને કંઈક ખોટ રહી જાહે તો? તારી પાહેં કઈ જાગીર પયડી છ કે શેરના દાકતર પાંહે ઇલાજ કરાવી હકે?”
રવજી મૂંગો- મંતર! જીવલી એ હળદરનો લેપ રવજીને લગાડી તો દીધો પણ સૂજેલી આંખ્યુથી રવજીને વીંધી નાખ્યો. અરજણને તાત્કાલીક હાડવૈદ પાસે લઈ ગયેલા. પંદર દિવસ સુધી અરજણને ખાટલે પડી રહેવું પડ્યું. જીવલીએ દ્વારકા ચાલતી જવાની માનતા લઈ લીધેલી. રવજીએ મનમાં ને મનમાં સોગંદ ખાઈ લીધા કે અરજણને લઈને એ કોઈ દિવસ બે પૈડાવાળા વાહનમાં જશે જ નહીં; સાઇકલ લઈને પણ નહીં! ‘ને આ વાત એણે જીવલીને અઠવાડિયું રહીને કહી ત્યારે માંડ જીવલી સારા મોંએ વાત કરતાં થઈ.
પણ અરજણ તો પેલા રોઝડાંને ગાળું દેવા લાગ્યો મનમાં. “એના જ લીધે તો હવે ક્યારેય મોટર સાઇકલ પર એની મા જીવલી હવેથી બેસવા નહીં દે. ચંદુકાકા સારા કે બાપા પાસેથી મોટર સાઇકલ રિપેર કરાવવાના પૈસા ના માગ્યા. ઉપરથી હાડવૈદના પૈસા પણ એમણે ચુક્વ્યા. બાપા પાસે તો આમેય ક્યાં પૈસા હતાંયે.”
અરજણનો પગ માંડ માંડ ઠીક થયો. અરજણને માની જોડે દ્વારકા જવું હતું પણ માએ એક આંખ કાઢી કે બાપા પણ કંઈ ના બોલી શક્યા. ચંદુકાકા, રમાકાકી અને જીવલી દ્વારકા પગપાળા ચાલીને માનતા પુરી કરી. જીવલી દ્વારકાથી અરજણ માટે રમકડાનો ડૉક્ટરનો સેટ લઈ આવી. સ્ટેથોસ્કોપ ગળે લટકાવી અને હાથમાં ઇન્જેક્શન લઈ અરજણ રોફથી વડલાં નીચે પોતાનું દવાખાનું ખોલતો. હમીર, ભુરો, નાથો, સવી, ચકલી બધાય ડૉક્ટર અરજણ પાસે ઇલાજ કરાવતાં. “વૈદ બાપા, હાલો તમને ઈંજેસન મફતમાં મારી આલું..” કહી બધાં હસી પડતાં. ‘ને વૈદબાપા કૃત્રિમ રોષ સાથે કહેતાં “માર હાળાવ, હાલો બધાનાં હાય્ડકા મયડી દવ..” કહી એ ધસતાં ‘ને દવાખાનું વિખેરાઈ જતું. જીવલી’ને રવજી આ જોઈ હસતાં હસતાં સપનાની દુનિયામાં ખોવાઈ જતાં.
*****
(પ્રકરણ ૨ આવતી કાલે) ~ ગોપાલ ખેતાણી
વાહ .. સાંપ્રત સમયને વણી લઈ ખૂબ સારી શરૂઆત
LikeLike
આભાર લતાજી
LikeLiked by 1 person
Would love to read more
LikeLike
thank you sir
LikeLike