એક મનગમતું પાત્ર- રોશેષ સારાભાઈ

607774661

તમે જો “સારાભાઈ વર્સીસ સારાભાઈ” હિન્દી શ્રેણી ન જોઈ હોય તો તુરંત જોઈ કાઢો. ખૂબ જ સરસ આ શ્રેણીનો બીજો ભાગ હમણા “Hotstar” પર આવેલો. (ફક્ત ૧૦ એપીસોડ) હું આજે શ્રેણીની, કે તેની વાર્તાની કે તેના બધાં પાત્રોની વાત નહીં કરું. હું આજે રુ-બ-રૂ કરાવીશ ફક્ત “રોશેષ સારાભાઈ” જોડે! આ  નવીન પ્રયાસને પ્રેરણા આપનાર છે મારું વહાલું “સર્જન” ગ્રુપ!

PC : https://www.scoopwhoop.com/Rosesh-Sarabhai-Poems-/

***

“મોઓમાઆ.. મોઓમાઆ” અવાજ સાંભળો તો રખે માની બેસતાં કે આ ચાબલો અવાજ કોઈ નાનકડા ટેણીયાનો છે. આ છે ક્યુટ ચિબાવલો રોશેષ.

સારાભાઈ કુટુંબનો યુવા નબીરો એટલે રોશેષ, રોશેષ સારાભાઈ. માયા સારાભાઈ અને ઈન્દ્રવદન સારાભાઈના પ્રેમલગ્ન બાદ સાહિલ જન્મ્યો. સારાભાઈ જેવા અલ્ટ્રામોડર્ન કુટુંબમાં સાહિલ એક આજ્ઞાંકીત પુત્ર અને તેજસ્વી વિદ્યાર્થી સાબીત થયો. ડોક્ટર પણ બન્યો. ઇન્દ્રવદનને સાહિલ પ્રત્યે વધુ પ્રેમ. જ્યારે રોશેષ સૌથી નાનો હોય માયાએ તેને બહુ લાડકોડથી ઉછેર્યો. તે હંમેશા મમ્મીનું પૂછડું બનતો અને માયાની “હા માં હા” કરનારો હોય ઇન્દ્રવદન અને સાહિલ તેને બહુ ચિડવે. પણ રોશેષને તેનાથી ફરક નથી પડતો.

માયાની સોશિયલ ઇમેજને તેણે આગળ વધારતાં એ સાહિત્ય અને રંગમંચનો માણસ બન્યો છે. પોતાની “અલગ” કવિતાઓથી તે સૌનું “મનોરંજન” કરે છે અને રંગમંચ પર અવનવી કૃતીઓ પણ રજૂ કરે છે.

માણો તેની સર્જન શક્તિ

“હવામેં હૈં ખુશી કી એરોમા

જીત ગયી મોમા જીત ગયી મોમા;

સે હાય તો હેપીનેસ એન્ડ ટાટા ટુ ટ્રોમા

જીત ગયી મોમા જીત ગયી મોમા.” – રોશેષની માતૃભાવના આ પંક્તિઓથી છલકાય છે એવું નથી લાગતું?

 

રોશેષ કેટલો ઉચ્ચ કોટીનો કવિ અને કુદરતથી જોડાયેલો આત્મા છે એ તમને નીચેની પંક્તિઓથી સમજાશે. આ પંક્તિ દ્વારા તેણે સદ્‌ગત પોપટકાકાને શ્રધ્ધાંજલી આપી છે.

“પોપટકાકા કી આત્મા કા પોપટ ઊડ ગયા, ઊડ ગયા, ઊડ ગયા રે;

સૃષ્ટી કે સર્જનહાર સે પોપટ જુડ ગયા, જુડ ગયા, જુડ ગયા રે.” – અનુભવ્યું તમે? બે પંક્તિમાં કેટલી ગહન વાત. એટલે જ તો રોશેષ બહુ જ સંવેદનશીલ છે. પોતાના ગુરૂ તરીકે તેણે “કચ્ચા કેલા”જીને સ્થાપિત કર્યા છે જે રોશેષ જેટલા જ સંવેદનશીલ છે.

રોશેષ નાની નાની વાતોમાં સુખ અને દુઃખને માણે છે. “વ્હુપ્પી” કહી એ પોતાની ખુશી વ્યક્ત કરે છે. અને ઈન્દ્રવદન જ્યારે માયાની “સાણસા”માં સપડાય ત્યારે “હૂ હૂ હૂ” હસી માયા પ્રત્યેની પોતાની વફાદારી વ્યકત કરે છે. “મમી કા ચમચા”નું બીરુદ તેને અમસ્તુ જ ઇન્દ્રવદને નથી આપ્યું.

રોશેષ કવિતાઓની સાથે સાથે રંગમંચનો પણ ઉમદા કલાકાર છે. તેણે લાશ, કબૂતર, વૃક્ષ જેવા પાત્રો અ‌‌દભૂત રીતે ભજવ્યા છે. એક કલાક સુધી સ્ટેજ પર સ્થીર સૂતું રહેવું કે ઊભું રહેવું કંઈ જેવી તેવી વાત છે!?  માયાને તેનો “ગર્વ” છે પણ ઇન્દ્રવદન અને સાહિલને રોશેષમાં રહેલો “અભિનેતા” કે “કવિ” કશે દેખાતો નથી. માયાની સાથે સાથે રોશેષની ભાભી મોનીષાને પણ તેની કવિતાઓ ગમતી હોય છે પણ સમજાતી નથી, જો કે એ મોનીષાનો પ્રોબ્લેમ છે.

કવિતા અને અભિનયની સાથે સાથે રોશેષ હજુ એક કામ કરે છે એ છે દુષ્યંતની “પ્રોબ્લેમ સોલ્વીંગ થિયરી” સમયે મોડલ કે પ્રોમ્પ્ટ બનવાનું. જેમ કે “બગડેલું ફ્રીજ”, “લટકતું ગીઝર”, “તુટેલું મિક્સ્ચર” વગેરે વગેરે. જો કે આ કામ રોશેષને નથી ગમતું હોતું પણ તે બનેવી દુષ્યંતને ના નથી પાડતો. આ વાત રોશેષની નાની વયે ઉદાત્ત ભાવનાને અને સહમત ના હોવા છતાં પણ કોઈને સન્માન કેમ આપવું તે જાગૃત કરે છે.

એક કલાકાર હોવા છતાં તેનો પહેરવેશ તમે ધારો છો એવો નથી. તે હંમેશા સ્ટાયલીશ રહે છે. ટૂંકા વાળને કપાળ પાસે આગળ રાખી જેલથી ચિપકાવી “છાલીયા કટ” ફેશનને તેણે એક નવો આયામ આપ્યો છે. તેના ગોરા ગોળ મટોળ ચહેરા પર આ હેર સ્ટાઈલ ખીલે છે. જીન્સ-ટીશર્ટ-શર્ટમાં સજ્જ રોશેષ અલ્ટ્રામોડર્ન સોસાયટીનું પ્રતિક છે.

રોશેષ યુવા છે, તરવરીયો છે અને રોમાંટીક પણ છે. પ્રેમ માટે થઈને તેણે એક વાર તો માયાનો પણ ત્યાગ કરેલો એ રોશેષની “પ્રેમનિષ્ઠા” સૂચવે છે. યુયુ નામની કન્યા સાથે પ્રેમમાં ડૂબી તે “ઘરજમાઈ”ની પ્રેક્ટિસ કરવા ગયેલો પણ પોતાની ભૂલ સમજાઈ જતાં એ માયાના ચરણોમાં પાછો આવી ગયેલો. ભૂલ સ્વીકારવામાં કોઈ નાનપ નથી એ બાબત તે સહેલાઈથી આપણને સમજાવી જાય છે. જો કે હાલ રોશેષને પોતાની ડ્રીમગર્લ જાસ્મીન મળી ગઈ છે. જાસ્મીન જે અસલ કાઠીયાવાડી છે અને રોશેષને હંમેશા મદદ કરતી આવી છે તેનો ઉત્સાહ વધારતી આવી છે. માયાને તે ન ગમતી હોવા છતાં રોશેષ જાસ્મીન અને માયા વચ્ચે પોતાનું સંતુલન જાળવી રાખે છે. તલવારની ધાર પર ચાલવા જેવું કામ રોશેષ કેટલું સહેલાઈથી કરે છે? ઉપરથી નારદમુની જેવા પિતા ઇન્દ્રવદન હોય ત્યારે તો આ કાર્ય ઘણું મુશ્કેલ કહેવાય.

તીખી-મીઠી તકરાર હોવા છતાં રોશેષ બધાંને દીલથી પ્રેમ કરે છે અને ઘરનાં બધાં જ સભ્યો રોશેષને ખૂબ ચાહે છે.

સારાભાઈ કુટુંબના બધા પાત્રો બળુકા છે પણ જો રોશેષ ના હોય તો તમને આ બધાં પાત્રો વચ્ચે ચોક્ક્સ અધૂરપ લાગશે.

ઇન્દ્રવદન કોને ચિઢવશે? માયા કોની પાસે મદદ માગશે? સંવેદનશીલ (?) કવિતાઓનું પઠન કોણ કરશે? સાહિલ મોટાભાઈ તરીકે હક કોના પર જમાવશે? દુષ્યંત પોતાના પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરશે?

જતાં જતાં માણો રોશેષની ફિલસુફીથી ભારોભાર રચના.

“લગુલ લગુલ, લગુલ લગુલ, લાલ લાલ, લગુલ લગુલ જેલી;

જેલી કે કેબરે ડાન્સર જૈસે શરીરમેં છુપી હૈ અન્જાની અનકહી પહેલી!”

~ ગોપાલ ખેતાણી

8 thoughts on “એક મનગમતું પાત્ર- રોશેષ સારાભાઈ

Leave a Reply to Mayurika Leuva Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s