ખુશીઓનો, રોશનીનો તહેવાર એટલે દિપોત્સવ!

festival-204331_1280

દિપોત્સવની શુભકામનાઓ

ખુશીઓનો, રોશનીનો તહેવાર એટલે દિપોત્સવ. નકારાત્મક અભિગમ દૂર કરી સકારાત્મક અભિગમ તરફ આગેકૂચ કરવા દિપોત્સવ સૌને પ્રેરે છે.

પણ ખરેખર આવું છે ખરું? આજે વ્હોટ્સએપ ગૃપમાં મેસેજ આવ્યો કે “બજારમાં મંદી, પચાસ ટકા ઘરાકી ઘટી ગઈ, રોનક ગાયબ..વગેરે વગેરે.” અને સાથે કેટલાય વર્ષોનો હિસાબ કિતાબ રજૂ થાય. પરંતુ હકીકત શું છે?

જવાબ મેળવવા મટે ફ્લેશબેકમાં જઈએ. વીસ-પચીસ વર્ષ પહેલાંની દિવાળીનો માહોલ.

નવા કપડાં, પગરખા, ચાદર, કવર વગેરેની ખરીદી દિવાળી કે લગ્ન પ્રસંગે જ થતી. મોટાભાગે કાપડ લઈ દરજી પાસે સીવડાવતા. મોચી પાસે ઘણાં લોકો માપ આપી ખાસ ચપ્પલ જૂતા બનાવતા પણ ખરા! મીઠાઈ, ફરસાણ, નાન ખટાઈ વગેરે ઘરે બનતી અથવા તો તૈયાર લઈ આવતા. શરબતના શીશા અને દૂધ માટેના મસાલા લેવાતા. ચોપડા પૂજન માટેની તૈયારીઓ થતી. ફટાકડા શરદપૂનમ પછી ફૂટવાના શરુ થઈ જતાં જે દેવદિવાળી સુધી ફૂટતાં રહેતા. સુશોભન માટેની વસ્તુઓ તોરણ, ટોડલા, પગ લૂછણીયા વગેરેની ખરીદી માટે બહેનો ભાવ તાલ કરતાં જોવા મળતી. ફેરીયાઓ શેરી ગલીઓમાં બૂમો પાડતાં નીકળી પડતાં. જૂના કપડાંના બદલે વાસણ આપવાવાળાં પણ શેરીઓ ગજવતા.

આ સમયે પણ મોંઘવારી તો હતી જ! લોકોને ત્યારે પણ તહેવાર ઊજવવા માટે તાણ પડતી. તેમ છતાં બજારમાં રોનક હતી. દરેક પ્રકારના વેપારીઓને ઘરાકી રહેતી. (અમારે ફટાકડાની દુકાન હતી એટલે સ્વાનુભવે કહું છું.) એવો તો શું બદલાવ આવ્યો કે બજારમાં હવે દર વર્ષે મંદી દેખાય છે?

૧ – હવે નવા કપડાં, પગરખા અને ઘર સાજ સજાવટની વસ્તુ માટે દિવાળીની રાહ નથી જોવાતી.

૨ – મોલ કલ્ચરને કારણે લોકોને બજારમાં જવું ગમતું નથી. (ચાલવાની આળસ, મોલ જેવી ઝાકઝમાળ દુકાનમાં ક્યાંથી?)

૩ – ઓનલાઈન માર્કેટમાં આવતા સેલની જોવાતી રાહ. એમેઝોન, ફ્લીપકાર્ટના નવરાત્રી અને દિવાળી સેલના આંકડા જુઓ તો ખબર પડે કે મંદી કેમ દેખાય છે બજારમાં?

૪ – બજારમાં વેપારીઓની એજ જૂની ઘરેડ અને સમયના તકાજા અનુસાર ધંધામાં નવીન બદલાવ ન લાવવાની પ્રકૃત્તિ.

૫ – દિવાળી પર ફરવા જવાની વૃત્તિ.

૬- દેખાદેખીને કારણે લોકલ બજારમાંથી ખરીદીને જાકારો. બ્રાન્ડનો મોહ.

૭- હોમ ડીલીવરી અને અંગત વર્તુળમાં નવા વેપારીઓનો પગપેસારો. ઓળખાણ હોવાથી વસ્તુની ગુણવત્તામાં છેતરાવાનો ભય નથી રહેતો ઉપરાંત વ્યાજબી ભાવની ખાતરી.

૮- શહેરના વિસ્તાર ગીચ થતાં જાય તેમ પાર્કીંગની સમસ્યા ઉદ્‌ભવે છે જેથી લોકો નવા વિકસતા બજાર તરફ નજર માંડે છે.

ઉપરના મુદ્દાઓ વાંચશો તો તમને જ એહસાસ થશે કે વાત સાચી છે. આજે પણ બજારમાં જુઓ તો અમુક દુકાને તો તમારે કતારમાં ઊભું રહેવું પડે.

ડાર્વિન દાદાનો સિધ્ધાંત દરેક જગ્યાએ લાગુ પડે છે. જે વિષમ પરીસ્થિતિમાં અનુકૂલન સાધી લે તે બચી જાય. મોંઘવારી પહેલાં પણ હતી અને હજુ પણ છે છતાં લોકોની ખરીદ શક્તિ હંમેશા વધતી જ રહી છે.

ગ્રાહકને ઓળખો અને તે અનુસાર વેપાર કરો.

છેલ્લે તો એટલું જ કહીશ કે સ્વસ્થ રહો, મસ્ત રહો અને હસતાં હસતાં દિવાળી સૌની સાથે, સૌને માટે ઊજવો.

  • ગોપાલ ખેતાણી

4 thoughts on “ખુશીઓનો, રોશનીનો તહેવાર એટલે દિપોત્સવ!

  1. Very true Gopal. Same thing was discussed by my wife yesterday that now a days people can buy anything at anytime and hence there is no charm left.
    One more important thing. In a cities like Baroda, Ahmedabad, more sky crackers are fired in Uttarayan than Diwali.
    Very nice article

    Like

Leave a comment