૨૦૧૭ – લગાડો દિલમાં અત્તર!

આ આંકડો જોઈને ઉત્સાહી જીવડો ઠેકડા મારશે, નિરુત્સાહી જીવડો હતાશ થાશે (શું નવું થવાનું હેં? થોડો સુરજ ગોગલ્સ ચડાવીને “મૈનું કાલા ચશ્મા જચતા હૈ સોણે મુખડે પે” એવું ગીત ગાવાનો? કલ્પના સારી છે નહીં?) અને સ્થીતપ્રજ્ઞ જીવડો એ બન્નેને હસતા ચહેરે સહન કરશે. 😛 😛

પણ દોસ્તો, આપણે કંઈ પણ ૨૦૧૬ કે ૨૦૧૭ વિષે નથી વિચારવું. (હા….શ!) આપણે વિચારવું છે કે નવા વર્ષમાં આપણે કશુંક શું નવું કરી શકીએ અથવા તો શું ધ્યાન રાખીએ જેથી વર્ષને અંતે તમને કડવી યાદોને બદલે ખાટા-મિઠ્ઠાં સંભારણા મળે. પોતાના માટે, કુટુંબ માટે, મિત્રો -સગાં માટે અને છેલ્લે સમાજ માટે આપણે આ વાતો પર નજર નાખીયે.

જુઓ જરા ટ્રાય કરી જુઓ.

પોતાના માટે

૧) કસરત, યોગા, ડાયેટીંગ, કરો. આઉટડોર અને ઇનડોર રમતો રમો. હેલ્થી ફુડ ખાઓ, પાણી પીઓ અને ખુબ હસો.

૨) ચાલવું (હસતાં ચહેરે) અથવા દોડવું , સ્ટેમીના વધારવો. ગેજેટ્સ, નેટ અને અન્ય ટેક્નીલક વસ્તુઓનો વ્યાજબી ઉપયોગ કરો.

૩) સારું વાંચવુ, સાંભળવુ અને જોવું (પુસ્તકો, સંગીત, ફિલ્મો .. યાદી બનાવો ચાલો)

૪) સકારાત્મક વિચારો કરો. કુથલી અને અફવાઓ ના સાંભળો અને ના ફેલાવો.

૫) મહત્વના નિર્ણય લેતાં પહેલા પાંચ વાર ઉંડા શ્વાસ લો અને દિલનું સાંભળી (મગજના ગણીતને બાજુ પર રાખી)ને નિર્ણય લો. જેમને પણ માનતાં હોય તેમના પર શ્રધ્ધા રાખો.

કુટુંબ માટે

૧) દરરોજ ઉત્તમ સમય કુટુંબ માટે ફાળવો. અને અઠવાડીયામાં એક વાર તો સાથે જમો. (ઉત્તમ સમય જેને ના સમજાય તે મને વ્યક્તીગત પુછી શકે છે.) તમે તમારા સંતાનોના આદર્શ બનો એવું વર્તન વાણી અને વ્યવ્હારમાં રાખવું.

૨) વર્ષમાં એક વાર કશે સાથે ફરવાં જાવ. એક દિવસથી લઈને તમને જેટલા દિવસની રજા મળે તેમ હોય તે પ્રમાણે કોઈ પણ સ્થળે ફરવાં જાવ.

૩) એકબીજાની પ્રશંશા બધા સમક્ષ કરો પણ ટીકા વ્યક્તીગત કરો એ પણ મધુર શબ્દોમાં જ. (દલીલ ના થાય એ ધ્યાન રાખવું.) આ બન્ને વસ્તુ વ્યકત કરવામાં સમય વ્યતીત ના કરશો. તમારો હાર્ટ પ્રોબ્લેમ ઘણા અંશે કાબુમાં રહેશે એ ગેરંટી.

૪) સાથે મળી કોઈ સારો કાર્યક્રમ માણો. જંક ફુડ અને કાળા – કેસરી પીણાઓથી તમારાં સ્વજનોને દુર રાખો. ખાખરા, ઢોક્ળા, ખંડવી, સેવ-ખમણી, પાતરાં, ગાંઠિયાથી લઈ લિંબુ સરબત, શિકંજી, દુધ – કોલ્ડ્રીંક્સ જેવી ઘણી વેરાઈટી છે ભાઈ. આ એકની સાથે એક ફ્રી અને ૨૦% એક્સટ્રામાં તમારા શરીરની વાટ લાગી જશે એ બહુ જલ્દીથી જ ખબર પડી જશે.

૫) સાસુ – વહુ, માતા-પિતા – સંતાનો, પતિ- પત્ની, ભાઈ – ભાઈ કે  ભાઈ – બહેન જેવાં સંબંધોમાં કડવાશ ફેલાતી જાય છે ત્યારે એ ધ્યાન રાખવું કે તમારું અભિમાન, તમારી જીદ કે તમારા વિચાર અને રિવાજ  મહત્વનાં છે કે સામેની વ્યક્તિ / સંબંધ ? (લક્ષ્મી ચંચળ છે, સમય સ્થીર નથી અને શરીર નાશવંત છે. થોડામાં ઘણું!)

મિત્રો- સગાં માટે

૧) ફોન, મેસેજ કે મળવા માટે રાહ ન જુઓ. (અલબત્ત સામેની વ્યક્તીના સમય, સંજોગોનું ધ્યાન રાખવું જરુરી. જીઓનું સીમ મળ્યું એટલે દે – દે નહીં કર્યે રાખવાનું ભૈ!)

૨) ગેરસમજ ન થાય તે ધ્યાન રાખવું દરેક સંબંધની એક અદ્રશ્ય લક્ષ્મણ રેખા હોય છે. માટે તે ઓળંગાય નહીં તેનું ધ્યાન રાખજો. અને હા, ઉમર અને સમય પ્રમાણે આ લક્ષ્મણ રેખાની હદ વિસ્તરે છે, મિત્રતામાં તો ખાસ! રમેશના છોકરાઓ સાતમાં ધોરણમાં આવી ગયા હોય તો પણ તમે તેના ઘરે જઈને “એ ચક્રમ” કે “રમલા” એવું બોલો તો રમેશભાઈ ક્યારે તમારાથી ડીસક્નેક્ટ થઈ જશે એ ખબર નહીં પડે. તમારાથી આડું અવળું સંબોધન જાહેરમાં ન કરવું ભલે તમે ગમે તેવા ચડ્ડી-બડ્ડીઝ હોવ..(વોટ્સએપ ગ્રુપ કે મિત્રો સાથે તો તમે ધબધબાટી બોલાવવાના જ એ મને ખબર છે)

૩) વ્યવ્હારું બનો. અપેક્ષાઓ ઓછી રાખો. અને ચેસ રમો. (ચેસ રમો તો તમે એ જાણીને તમારી ચાલ ચાલશો કે સામે વાળા શું ચાલશે તમારી ચાલ પછી? સમજાયું??)

૪) જ્યાં સુધી પુ્છવામાં ન આવે ત્યાં સુધી અંગત બાબતોમાં માથુ ન મારશો. હા, પણ તેનો મતલબ એવો નહીં કે માણસ વ્યથીત દેખાતો હોય તો તેને સહજ પણ ના બનાવવો. તમે મદદ માટે તત્પર છો એટલો અહેસાસ તો હોવો જોઈએ. અને એ સમયે ખોટો દંભ ના દેખાડશો.

૫) તમારાથી સામાજીક અને આર્થીક મદદ થઈ શક્તી હોય તો માણસ પારખીને કરવી. (માણસ કેમ પારખવા એ જાતનું ભણતર ક્યાય મળતું નથી. અને એવા કોર્સની લોભામણી જાહેરાતમાં છેતરાયને ગણતર ના મેળવશો.) કોઈની નાનકડી પણ મદદને ભુલશો નહીં. સંબંધમાં વારંવાર ભુલો કરવી નહીં. મહત્તમ એકવાર તક આપવી.

સમાજ માટે

૧) વ્રુક્ષો ના વાવી શકો તો તુલસીનો છોડ તો વાવશોને ભઈલા?

૨) ધ્વની પ્રદુષણ (ઉદા. – હોર્ન અને લાઉડ મ્યુઝીક સીસ્ટમ… તમારા બોસ અને પતિ/પત્નીનો અવાજ બાકાત રાખવો), પાણી પ્રદુષણ, હવા પ્રદુષણ અને ખાસ એવું વૈચારીક પ્રદુષણ ઘટાડવાંની આપણી ફરજ છે.

૩) કાયદાકીય રીતે ચાલો અને બીજાને ચાલવા દો. બધે જ વગ વાપરવાનું રહેવા દો. કોઈ વાર કતાર/que માં ઉભા રહીને પણ સમાજને સાથ  આપો. કોઈની સાથે અયોગ્ય રીતે / અસંવૈધાનીક રીતે અહીત થયું હોય તો તેની લડતમાં કાયદાકીય રીતે સાથ આપવો એ આપણી ફરજ છે. શું ખબર આપણો વારો તેના પછી જ હોય?

૪) જે પણ પ્રકારનું દાન – મદદ કરી શક્તા હોવ તે જરુરથી કરો પણ તમારી મહેનત કઈ જગ્યાએ વપરાઈ છે એ જોવાની ફરજ પણ તમારી જ છે. જે લોકો મુંગા પશુ -પંખીનું ધ્યાન રાખે છે, જે અનાથ, દિવ્યાંગ કે પાગલ માણસો પાછળ તન-મન-ધન ખર્ચે છે, જે ભુખ્યાંઓને જમાડે છે, જે ભણતરની વ્યવસ્થા કરી આપે છે, જે સમાજ ને પુસ્તકાલય, બગીચા, દવા-દારુ કે વ્રુક્ષોની ભેટ આપે છે એ માણસ ધાર્મીક જગ્યાએ દાન આપનારથી વધુ મહાન છે. (જે મંદીર મસ્જીદ ગુરુદ્વારા ચર્ચ કે અન્ય ધાર્મીક સંગઠનોને દાન આપે છે એ ખરાબ છે એવું કહેવાનો કોઈ પણ જાતનો આશય નથી એટલે મન પર ધરાર લેવું નહીં!)

૫) તમારી સંસ્ક્રુત્તી પ્રત્યે આંખ ખુલી રાખીને સભાન રહો. (ગાડરીયા પ્રવાહમાં તણાવું નહીં). જો તમે બામ્બુ બીટ્સના દાંડીયાના તાલે ઝુમતા હોવ તો તમારી ફરજ છે કે તલવાર રાસ, મશાલ રાસ, ડાકલા અને નાની ગરબીઓનું અસ્તિત્વ વિસરાઈ નહીં. બીટલ્સ, બિબર ને સાંભળનારાઓએ કિર્તીદાન, હેમંત ચૌહાણ, ઓસ્માણ મિર કે ભિખુદાનભાઈને પણ બિરદાવવાં. “હેય ડ્યુડ, વ્હોટ્સ અપ?” કહેનારાઓએ જય શ્રી ક્રુષ્ણ, સલામ વાલેકુમ, સત શ્રી અકાલ , જય જિનેન્દ્ર કહેવામાં અને સાંભળવામાં છોછ ના રાખવી. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ… જ્ઞાતી, ધર્મ, ભાષા, શહેર , રાજ્ય ની ઉપર કોઈ છે તો એ છે દેશ. દેશના અહીતમાં કોઈ પણ વસ્તુ ન થાય એ જોવાની ફરજ આપણી. (તમને વ્યક્તીગત કે જ્ઞાતી આધારીત મુશ્કેલી પડે ત્યારે રાષ્ટ્રીય સંપત્તીને નુકસાન પહોંચાડવું એ શું વ્યાજબી છે?)

આ લેખના વિચારો જો ગમ્યાં હોય તો અમલમાં મુકજો અને ના ગમ્યાં હોય તો રાત્રે ઠેરી વાળી લીંબુ સોડા પીને ઉંઘી જજો, એસીડીટી નહીં થાય!

૨૦૧૭ આપના માટે આનંદ દાયક, સુખમય અને સ્વસ્થ નિવડે એવી દિલથી શુભકામનાઓ!

જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.

~~

ગોપાલ ખેતાણી

One thought on “૨૦૧૭ – લગાડો દિલમાં અત્તર!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s