રવિવાર ગાથા

રવિવાર ગાથા 

“હાઆઆઅશ… કાલે રવિવાર. નિરાંતે ઉઠવું છે.” મનમાં હાશકારો લઈને રમણીકલાલ પથારી ભેગા થયા.

“સાં..ભ..ળો ..ઓ..ઓ..ઓ છો?

પાડાની જેમ પડ્યા છો તે  ઉઠો હવે.

પાણી ચાલ્યું જશે તો કોણ સગલું તમને પાણી આપશે… ઉભા થઈને નહાવા જાવ જલ્દી.” શાંતાગૌરીના પ્રવચન પછી નિરવ શાંતી હતી ઘરમાં.

“હે ઈશ્વર ભજીએ તને…” રમણીકલાલ ભગવાનના શરણે ગયા નાહીને.

“આ માળા જપવાથી શું થશે? કામ કરશો તો ભગવાન રાજી થાય. રજા છે તો ઉપયોગ કરો કંઈક!”

“આજે શાંતાનો મુડ ઠીક નથી. બહાર નીકળી જઉ નહીંતર વારો ચડશે.” રમણીકલાલ મનમાં બબડતા બહાર નિકળ્યા.

“શાંતા ક્યાં છો? જો હું સાંજના શો ની બે ટીકીટ લઈ આવ્યો.”

“ક્યાં રખડો છો હરાયા ઢોરની જેમ? કેટલું કામ પડ્યું છે ઘરમાં! એમ નહીં કે મદદ કરાવીએ. ને પાછી આ ટીકીટ લઈ આવ્યાં મોટા રાયચંદ!”

મુવી જોઈને પાછા ફરતાં શાંતાગૌરી ફરી ઉવાચ “હતાં કંઈ સારા વાટ ફિલ્લમમાં? તમારે તો ફેશનેબલ હીરોઈનુને તાકવી હતી એટલે તમને તો ગમે જ ને! પાંચસોનો ખરચો કરી નાખ્યો. હજી ઘરે જઈને રસોઈ કરવી પડશે.”

આમ ને આમ રમણીકલાલનો રવીવાર ‘શાંતી’થી પસાર થઈ ગયો.

છ દિવસ સુખમય રીતે પસાર થયા અને શનીવારની સાંજ પડી.

રમણીકલાલ તો ડરેલા હતાં પાછલા રવીવારનાં ‘ડખ્ખા’ થી. રવિવારની સવારમાં છ વાગ્યામાં ઉઠી ગયાં.

“આખું અઠવાડીયું વૈતરું કરીયે અને આ રવીવારે એ સુવા નથી દેતા. તમારા કાનમાં કુકડા બોલ્યાં અત્યારનાં?” શાંતાગૌરીના શ્લોક શરુ થયાં.

નાહીને છાપું વાંચવા બેઠા ત્યાંતો “રજાનો દિવસ છે તો ભગવાનનું નામ લ્યો જરા, પાઠ-પુજા કરશો તો ભગવાન મુસીબતમાં બચાવશે. આ ટાટા-અંબાણીના સમાચાર વાંચ્યે તમારું કશુ નહીં વળે.” શાંતાગૌરીની સિક્સર.

રમણીકલાલ ઘરમાં જરા નળની સાફસુફ, આર.ઓ.નું ચેકીંગ વગેરે કરતાં હતાં ત્યાં ફરી શાંતાવાણી “ઘરમાં ઘા ખાવ છો તો બહાર જઈને કંઈક કરો. ઘરમાં અમને આડા ન  આવો.”

સાંજના સાડાપાંચ થયા અને રમણીકલાલના કર્ણપટલએ એક ધ્વની ફરી ગુંજી ઉઠ્યો “આખું ગામ રવિવારે ક્યાંક તો બહાર ફરવાં જતું હોય છે. અને અમારા નસીબમાં તો એ દિવસેય તમારું દિવેલયું મોઢું જોવાનું.”

થોડા મહીના બાદ.

રમણીકલાલ લીલી પરીક્રમા કરવા ગિરનાર આવ્યા છે. તેમને કેટલાક બાવાઓ સાથે વાત કરતાં પણ લોકોએ જોયાં છે. ઉડતી વાત સાંભળી છે કે રમણીકલાલે એક મઢુલીનુ ફાઈનલ પણ કરી નાખ્યું છે.

ઈતી શ્રી ગોપાલ ખેતાણી રચીત રવિવાર ગાથા સમાપ્ત.

 

 

2 thoughts on “રવિવાર ગાથા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s